જાપાનીઝ કલા, સંસ્કૃતિ, મૂલ્યો, જીવનશૈલી એ આકર્ષક સમજ પ્રદાન કરે છે
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે 28 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન 11મા જાપાન ફેસ્ટિવલ નિહોન મત્સૂરીનું આયોજન કરવામાં આવ્યું છે.આ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Parth Patel, Ahmedabad : જાપાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ નિમિત્તે અને જાપાની સંસ્કૃતિ, લલિત કળા, ફિલ્મો અને માર્શલ આર્ટના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ભારત-જાપાન મિત્રતાના ઐતિહાસિક બંધનોને યાદ કરવા અને આનંદ આપવા માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે AMA ના જાપાન ઇન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર, ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાત અને મુંબઈમાં જાપાનના કોન્સ્યુલેટ-જનરલના સહયોગથી AMA ખાતે 28મી થી 31મી જાન્યુઆરી, 2023 દરમિયાન 11મા જાપાન ફેસ્ટિવલ નિહોન મત્સૂરીનું આયોજન કરવામાં આવ્યું છે.
જાપાનના રાજદૂત મહામહિમ હિરોશી સુઝુકી દ્વારા ઉદ્ઘાટન કરાશે
ભારતમાં જાપાનના રાજદૂત મહામહિમ હિરોશી સુઝુકી 11મા જાપાન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે અને સંબોધન કરશે. આ ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય અને જાપાની કલાકારો સંયુક્ત રીતે મ્યુઝિકલ પરફોર્મન્સ રજૂ કરશે. ગુજરાતે જાપાન સાથે પ્રેમભર્યો સંબંધ વિકસાવ્યો છે. જાન્યુઆરી 2009 થી જાપાન તત્કાલીન વાઇબ્રન્ટ ગુજરાત સેલિબ્રેશનમાં ગુજરાતનું પ્રથમ કન્ટ્રી પાર્ટનર બન્યું. ત્યારથી બંને વધુ નજીક આવ્યા છે. ત્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતેના જાપાન ઇન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ઓફ ગુજરાત (IJFA) એ 2009 થી 2023 સુધીના છેલ્લા 14 વર્ષોમાં સફળતાપૂર્વક 10 ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.
જાપાનીઝ કલા, સંસ્કૃતિ, મૂલ્યો, જીવનશૈલી એ આકર્ષક સમજ પ્રદાન કરે છે
જાપાનને તેના વાઈબ્રન્ટ રંગ અને વૈભવમાં ઉજાગર કરે છે અને જાપાનીઝ કલા, સંસ્કૃતિ, મૂલ્યો અને જીવનશૈલીની અર્થપૂર્ણ અને આકર્ષક સમજ પ્રદાન કરે છે. આ તમામ 10 ઉત્સવોને જાપાનના હજારો પ્રેમી દર્શકો અને સહભાગીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ અને પ્રશંસા મળી છે.
જાપાન ફેસ્ટિવલની વિશેષતાઓ
AMA ખાતેના 11માં જાપાન ફેસ્ટિવલમાં માંગા હોકુસાઈ માંગા આર્ટ શો નું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. 28મી જાન્યુઆરીએ જાપાનીઝ ફિલ્મ્સ ફિયેસ્ટા ચાર ઈન્ટરનેશનલ એવોર્ડ વિજેતા જાપાનીઝ ફિલ્મોનાં સ્ક્રીનિંગ દ્વારા શરૂ થશે.
ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે
આ ફેસ્ટિવલમાં સિનબાદ, નેકો નિન્જા, પોપ ઇન ક્યૂ, એવરી ડે એ ગુડ ડે ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. જેમાં સિનબાદ અને નેકો નિન્જા 28મી જાન્યુઆરીએ અને 29મી જાન્યુઆરીએ પોપ ઇન ક્યૂ અને એવરી ડે એ ગુડ ડે ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. ઝેન-કાઇઝેન પ્રેક્ટિસ વિશે 28મી જાન્યુઆરીએ ડો. હિમાંશુ બુચ, શોશીન અને ધ ઝેન કોર્પોરેટ મોન્ક દ્વારા ઝેન ઇન ડેઇલી લાઇફ અને રોહિત શહાણે મેનેજર-ઓપરેશન્સ, KHS મશીનરી પ્રા. લિ. કાઇઝેન ઇન ડેઇલી લાઇફ પર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 29મી જાન્યુઆરીએ કેમ છે – કોન્નીચીવા એક નવીન મ્યુઝિકલ ફ્યુઝન જાપાનીઝ અને ગુજરાતી દ્વારા રજૂ કરવામાં આવશે.
વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે
આ સાથે ફન વિથ ઓરિગામી એટલે કે જાપાનીઝ પેપર ક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મ્યુઝિકલ ફ્યુઝન પ્રોગ્રામના મુખ્ય આકર્ષણોમાં જાપાનીઝ અને ભારતીય દ્વારા ભારતીય રાષ્ટ્રગીત અને જાપાનીઝ રાષ્ટ્રગીત ગાવામાં આવશે. તથા ગરબા અને ભરતનાટ્યમનું ઈન્ડો-જાપાન ફ્યુઝન, લોકપ્રિય જાપાનીઝ ગીતો અને જાપાન સંબંધિત લોકપ્રિય બોલિવૂડ ગીતોની સોલો અને કોરસ મ્યુઝિકલ પ્રસ્તુતિનો સમાવેશ કરવામાં આવશે.
ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામના 50 વર્ષ પૂર્ણ થવા પર જાપાનીઝ માર્શલ આર્ટ્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી અને ઓટેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચેના ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામની સુવર્ણ જયંતિની યાદમાં ભારતમાં સૌ પ્રથમ જાપાનીઝ માર્શલ આર્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 30મી જાન્યુઆરીએ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમમાં અને 31મી જાન્યુઆરીએ AMA ખાતે જાપાન અને ગુજરાતના સ્ટાર પરર્ફોમન્સ દ્વારા શોરીનજી કેમ્પો અને કરાટેના સહયોગી પ્રદર્શનો રજૂ કરવામાં આવનાર છે.
AMA ખાતે યોજાનાર 11મા જાપાન ફેસ્ટિવલ 2023 ની વધુ વિગત મેળવવા માટે www.amaindia.org વેબસાઇટ પર અથવા રૂબરૂ મુલાકાત કરી શકો છો.