ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર ગુજરાતના રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા થકી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે કોંગ્રેસમાં ખળભાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણી માથે આવીને ઊભી છે ત્યારે અલ્પેશ ઠાકોરના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે વિવિધ નેતાઓ અલ્પેશના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપવા સામે આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ વાતથી અજાણ હતા અને તેમને પણ મીડિયા થકી જાણ થઇ હોવાનું જણાવ્યું હતું.
તો બીજી તરફ બનાસકાંટા ઠાકોર સેના અપક્ષ ઉમેદવારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરના રાજીનાનું એ સમાજના હિત માટેનો નિર્ણય છે. કોંગ્રેસે અમારી ઠાકોર સેના સાથે અન્યાય કર્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોંગ્રેસે અમારી અવગણના કરી છે. હવે સાથે મળી આગળની રણનીતિ નક્કી કરીશું.
તો બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. આ વાતથી અજાણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અત્યારે જ મીડિયાના માધ્યમથી જ અલ્પેશના રાજીનામાની જાણ થઇ છે. પ્રદેશ કાર્યાલય ગયા બાદ તેના રાજીનામાનો અભ્યાસ કર્યા પછી જ રીએક્સન અપાશે.