Ahmedabad Suicide case: શહેરના રામોલ વિસ્તારમાં એક પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખીને આત્મ હત્યા કરી લીધી છે. પરિણીતાનો આરોપ છે કે, તેના પતિ અને સાસુ સસરા દહેજ માટે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. જ્યારે તેનો પતિ તેની સાથે મારઝુડ પણ કરતો હતો. પોલીસએ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં એક પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખીને આત્મ હત્યા કરી લીધી છે. પરિણીતાનો આરોપ છે કે, તેના પતિ અને સાસુ સસરા દહેજ માટે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. જ્યારે તેનો પતિ તેની સાથે મારઝુડ પણ કરતો હતો. પરિણીતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પોલીસએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે આત્મહત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
મૂળ ઉત્તરપ્રદેશની યુવતીએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની બહેનના લગ્ન કાનપુર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતાં. લગ્નના એકાદ મહિના બાદ તેની બહેન પતિ અને સાસરિયા સાથે અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેવા માટે આવ્યા હતાં. લગ્નના ચારેક મહિના બાદ એટલે કે એપ્રિલ 2021માં ફરિયાદીની બહેનએ તેને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેનો પતિ અને સાસુ સસરા નાની નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરે છે, અને તારા ભાઇએ તને દહેજમાં કાંઇ આપ્યું નથી તેમ કહીને મેણા ટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપે છે. તે બીમાર પડે તો તેના સાસરિયા તેની સારવાર પણ કરાવતા નથી.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સવારે ફરિયાદી ઘરે હાજર હતાં ત્યારે સવારે સાતેક વાગ્યાની આસપાસ તેના બનેવીનો તેના પર ફોન આવ્યો હતો. તેરી બહન મર ગઇ હૈ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. જે બાબતની જાણ ફરિયાદીએ તેના પરિવારજનોને કરતાં તેઓ તાત્કાલિક અમદાવાદ ખાતે આવી પહોચ્યા હતાં. જ્યાં તેના બનેવી તેને કહ્યું હતું કે રાતના સાડા દશેક વાગ્યાની આસપાસ તેઓ ઉપરના માળે બેડરૂમમાં સુઇ ગયા હતાં. જો કે સવારે છ વાગ્યાની આસપાસ તે જાગી જતાં જોયું તો બેડરૂમમાં તેના પત્ની જોવા મળ્યા ના હતાં. જેથી આસપાસમાં તપાસ કરતાં બાજુના બેડરૂમમાં તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા સમગ્ર ઘટનાની જાણ 108ને કરવામાં આવી હતી. આ બાદ 108ના સ્ટાફે પરિણીતાને મૃત જાહેર કરતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પરિણીતાના ભાઈઓને આ સ્યુસાઈડ નોટ મળી હતી. સ્યુસાઇડ નોટના આધારે મૃતક પરિણીતાની બહેને પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, નવા વર્ષની શરૂઆતમાં જ આત્મહત્યાની બનાવો સામે આવી રહ્યા છે. ઘરેલું હિંસાની કારણે પરિણીતાઓ પોતાની જિંદગી ટૂંકાવી રહી છે. આ મામલે પોલીસ પણ પોતાની કામગીરી કરી રહી છે.