Home /News /ahmedabad /અમદાવાદઃ રોડ પર જ પતિએ તલાક.. તલાક.. તલાક.. કહી દીધું, પત્નીને આવી ગયા ચક્કર
અમદાવાદઃ રોડ પર જ પતિએ તલાક.. તલાક.. તલાક.. કહી દીધું, પત્નીને આવી ગયા ચક્કર
ફાઈલ તસવીર
Ahmedabad Triple Talaq: અમદાવાદ યુવક સાથે સસરાએ દીકરીના ઘર સંસાર અંગે વાત કરી તો અકળાયેલા પતિએ રસ્તાની વચ્ચે જ પત્નીને ત્રણ વખત તલાક કહીને છૂટાછેડા આપી દીધા હતા. આ સાંભળીને જ મહિલાને ચક્કર આવી ગયા હતા અને તેને દાખલ કરવી પડી હતી. મહિલાએ પતિએ ત્રણ વખત તલાક કહીને છૂટાછેડા આપી દેતા તેની સામે ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ પરણિતાએ સાસરિયાઓના ત્રાસ મામલે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદઃ શહેરના પુર્વ વિસ્તારમાં રહેતી પરણિતાને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને લગ્ન બાદથી જ સાસરિયાઓનો ત્રાસ હતો. બે દિવસ પહેલા તેના પિતા અને ભાઈ સાથે નાસ્તો કરવા ગઈ હતી. મહિલાનો પતિ ત્યાંથી પસાર થતો હતો સસરાએ તેને રોક્યો અને તેના અન્ય લગ્નની ચાલતી વાત બાબતે વાતચીત કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ પત્નીને રોડ પર જ ત્રણ વાર તલાક કહી દેતા યુવતીને આઘાત લાગ્યો હતો. યુવતીનું બ્લડ પ્રેશર વધી જતા તેને ચક્કર આવતા સારવાર માટે ખસડાઈ હતી. આ મામલે યુવતીએ ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના દાણીલીમડામાં રહેતી 25 વર્ષીય યુવતી હાલ તેના પિયરમાં રહે છે. વર્ષ 2018માં જુહાપુરાના યુવક સાથે તેના લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદથી જ સાસરિયાઓએ તેને માનસિક શારિરીક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું જેથી યુવતીએ આ મામલે વર્ષ 2022માં ફરિયાદ પણ નોંધાવી હતી. બે દિવસ પહેલા આ યુવતી તેના પિતા અને મોટા ભાઈ સાથે તેના મામાની ઈંડાની લારી પર નાસ્તો કરવા ગઈ હતી. નાસ્તો કરી લીધા બાદ તેઓ ત્યાં ઉભા હતા.
આ દરમિયાન મહિલાના પિતા સામે આવેલી પાનની દુકાન પર ગયા હતા. ત્યારે જ યુવતીનો પતિ ત્યાંથી પસાર થતાં યુવતીના પિતાએ જમાઈને રોક્યો હતો. જમાઈના અન્ય લગ્નની વાત ચાલતી હોવા બાબતે યુવતીના પિતાએ વાત કરતા જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો. યુવતીને કહેવા લાગ્યો કે તું મને એક વર્ષથી કોર્ટના ધક્કા ખવડાવે છે હવે હું કંટાળી ગયો છું, તારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી જેથી હું તને તલાક આપું છું તેમ કહી ત્રણ વાર તલાક-તલાક-તલાક બોલી ગયો હતો.
યુવતીએ પતિ મોઢેથી આ શબ્દો સાંભળતા જ પડી ભાંગી હતી અને તેનું બ્લડ પ્રેશર વધી જતા તેને ચક્કર આવવા લાગ્યા હતા. જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવાઈ હતી. બાદમાં તબિયત સુધારા પર હોવાથી યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.