Home /News /ahmedabad /બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી તપાસતા પહેલા જ શિક્ષકો થયા નારાજ, જાણો શું છે વિવાદ?
બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી તપાસતા પહેલા જ શિક્ષકો થયા નારાજ, જાણો શું છે વિવાદ?
શિક્ષણ બોર્ડે કરેલા એક આદેશને કારણે શિક્ષકોમાં નારાજગી ફેલાઈ છે.
શિક્ષકો અને શિક્ષણ બોર્ડ વચ્ચે થયેલા આ વિવાદને થાળે પાડવા અને શિક્ષકોનો પ્રશ્ન ઉકેલવા રાષ્ટ્રિય શૈક્ષણિક મહાસંઘએ મેદાને ઉતરવું પડ્યું, જાણો શું છે વિવાદ?
અમદાવાદ: હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને આગામી 28 માર્ચ સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ થશે. ત્યાર બાદ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરૂ થશે. પરંતુ આ કામગીરી શરૂ થાય તે પહેલાં જ વિવાદ સર્જાયો છે. શિક્ષણ બોર્ડે કરેલા એક આદેશને કારણે શિક્ષકોમાં નારાજગી ફેલાઈ છે. એટલી હદે કે શિક્ષકો અને શિક્ષણ બોર્ડ વચ્ચે થયેલા આ વિવાદને થાળે પાડવા અને શિક્ષકોનો પ્રશ્ન ઉકેલવા રાષ્ટ્રિય શૈક્ષણિક મહાસંઘએ મેદાને ઉતરવું પડ્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ હવે અંતિમ તબક્કામાં છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ શિક્ષકો વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસવાની કામગીરીમાં લાગવાના છે. જે માટેના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે. જોકે શિક્ષકો ઉત્તરવહી ચકાસણી માટે દૂર-દૂર સુધીના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવવામાં આવતા ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. જે બાબતે શિક્ષકો દ્વારા તેમના સંઘના પ્રતિનિધિઓને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. જે સંદર્ભે હવે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ તરફથી પણ બોર્ડને આ મામલે રજૂઆત કરીને શિક્ષકોને નજીકના કેન્દ્ર ફાળવવા માટે રજૂઆત કરાઈ છે.
શૈક્ષણિક સંઘનું કહેવું છે કે, બોર્ડ દ્વારા અણઘડત રીતે શિક્ષકોને હેરાન કરવા માટે આ પ્રકારે પેપર તપાસવા માટેના ઓર્ડર કરવામાં આવ્યા છે, જે યોગ્ય નથી. બોર્ડે ફરી એકવાર આ મામલે પુનઃ વિચાર કરવો જોઈએ અને તેમની નજીકના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર તપાસવા માટેના ઓર્ડર કરવા જોઈએ. કેટલાક સ્થાન ઉપર 100થી 120 કિલોમીટર અંતર દૂર શિક્ષકોને ઉત્તરવહી ચકાસવાની કામગીરી સોંપાઇ છે. આ નિર્ણયએ ખાસ કરીને મહિલાઓ માટે મોટી સમસ્યા સર્જી છે. આ મામલે ઝડપથી ઉકેલ આવે તેવી માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આગામી પહેલી એપ્રિલથી બોર્ડની ઉત્તરવહી તપાસવાની કામગીરી શરૂ થવાની છે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 20 હજારથી વધારે શિક્ષકો પેપર તપાસવાની કામગીરીમાં લાગવાના છે.