અમદાવાદ: પરિવારની મુશ્કેલી દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવા માટે બોલાવેલ ભૂવાએ મુશ્કેલી દૂર કરવાના બદલે મુશ્કેલીમાં વધારો કર્યો છે. એકલતાનો લાભ લઈને આરોપીએ મહિલા સાથે શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. જો કે મહિલાએ પ્રતિકાર કરતા આરોપી ફરાર થઈ ગયો છે. જે મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પ્રવિણ સિંહ ગોર નામના વ્યક્તિને તાંત્રિક વિધિ કરવા માટે તેમના ઘરે બોલાવ્યો હતો. આરોપીએ ઘરના બેડરૂમમાં પતિ-પત્ની અને દીકરાને ભોય તળિયે બેસાડી તેમના ઉપર લીંબુ ઉતારીને આ લીંબુ ચાર રસ્તા પર નાખવા માટે તેના પતિ અને દીકરાને મોકલ્યા હતા. જો કે આ સમયે આરોપીએ રૂમનો દરવાજો બંધ કરી દીધેલ અને મહિલા સાથે શારીરિક અડપલા કરીને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. જો કે મહિલાએ બૂમાબૂમ કરવા જતા આરોપીએ મોઢા આડો હાથ રાખી દીધો હતો અને જબરદસ્તીથી બાથમાં લઈ મહિલાને નિર્વસ્ત્ર કરી દીધેલ. જેથી મહિલાએ આરોપીને ધક્કો મારી દરવાજો ખોલી લીધો હતો. જેથી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
જ્યારે મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અને ફરિયાદી મહિલાનો પતિ છેલ્લા કેટલાક વર્ષથી એક બીજા સાથે સંપર્કમાં હતા. હાલમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટેની તજવીજ શરૂ કરી છે.