Home /News /ahmedabad /અમદાવાદનો ટોક ઑફ ધ ટાઉન કિસ્સો: કોન્સ્ટેબલને કરવું છે 'રાજ', બિલ્ડરનો ભાગીદાર બની અધિકારીઓને ધમકાવે છે!
અમદાવાદનો ટોક ઑફ ધ ટાઉન કિસ્સો: કોન્સ્ટેબલને કરવું છે 'રાજ', બિલ્ડરનો ભાગીદાર બની અધિકારીઓને ધમકાવે છે!
અમદાવાદ પોલીસ (ફાઇલ તસવીર)
Ahmedabad police: અત્યારસુધી આ કોન્સ્ટેબલને "હસમુખ" સ્વભાવના એવા પીઆઇએ ખૂબ સાચવ્યા હતા અને તેના લીધે નવા આવેલા અધિકારીઓને ભોગવવાનો વારો આવી રહ્યો હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક હાઇવે વાળો વિસ્તાર, એક જીઆઇડીસીવાળો વિસ્તાર અને એક ગુનેગારોથી ભરચક વિસ્તાર હવે ચર્ચાએ છે. કારણ કે અહીંના પોલીસ સ્ટેશનો (Police station)ના અધિકારીઓની બદલી થતા જ અનેક વર્ષોમાં "રાજ" કરનાર એક કોન્સ્ટેબલ ઓલવાતા દિવાની માફક ફફડાટ કરવા લાગ્યો છે. નવા આવેલા પીઆઇ પાસે જઈને અનેક લોકો પાસે ફોન કરાવી વહીવટ આપવા ભીખ માંગી રહ્યો છે. આમ તો પોલીસ બેડામાં ચાલેલી ચર્ચા મુજબ આ કોન્સ્ટેબલથી અનેક અધિકારીઓ ત્રાસી ગયા છે. કારણ કે તે તમામ જગ્યાએ અધિકારીઓ પાસે જઈ એક પૂર્વ મંત્રીનું નામ વટાવી અને એજન્સીઓની રેડ કરાવવાની ધમકી આપી કમાવવાનો કીમિયો અપનાવી રહ્યો છે. આ કોન્સ્ટેબલ જ્યારે ખાતામાં આવ્યો ત્યારની હાલત અને અત્યારની હાલતમાં જમીન આસમાનનો ફેર છે. કારણ કે તે જે ગુનેગારોના વિસ્તારવાળા પોલીસ સ્ટેશનમાં વહીવટ કરતો હતો ત્યાં અનેક બિલ્ડરોનો ભાગીદાર બની ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તાજેતરમાં જ શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાય પોલીસ કોન્સ્ટેબલો કે જે વહીવટદાર તરીકે કામ કરતા હતા તેઓની તાકીદે બદલી કરી નાખવામાં આવી હતી. જેમાંથી કેટલાક સિલેકટેડ પોલીસ કોન્સ્ટેબલોને તો સજાના ભાગરૂપે "K" કંપનીમાં જ મૂકવામાં આવ્યા હતા. જ્યારે બદલીનો ચાયણો ફરી રહ્યો હતો ત્યારે કેટલાક કોન્સ્ટેબલો જે પોતાની જાતને પોલીસ ખાતામાં "રાજ" કરતા "ભા" ગણતા હતા તેવો આ કોન્સ્ટેબલ બિલાડી આવી જાય અને ઉંદર પોતાના દરમાં છૂપાઈ જતો હોય એવી હાલતમાં મૂકાઈ ગયો છે.
અત્યારસુધી તેને "હસમુખ" સ્વભાવના એવા પીઆઇએ ખૂબ સાચવ્યા હતા અને તેના લીધે નવા આવેલા અધિકારીઓને ભોગવવાનો વારો આવી રહ્યો હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારનો આ એક કોન્સ્ટેબલ જે વર્ષોથી ચાર ચાર પોલીસ સ્ટેશનોના વહીવટ સંભાળતો હતો તેવો આ પોલીસ કોન્સ્ટેબલ બદલીના ચાયણામાં તેનો નંબર આવી જાય નહીં તેની બીકે પોતાના ગોડ ફાધરના બગલમાં જઈને સંતાઈ ગયો હતો. પરંતુ હવે જ્યારે આવા પોલીસ કોન્સ્ટેબલ ઉપરથી તેના ગોડફાધરનો હાથ હટી ગયો છે એટલે કે સિનિયર અધિકારીની બદલી થઈ જતાં હવે આવા વહીવટદારે પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના "હસમુખ" સ્વભાવના સિનિયર પી.આઈની બદલી થઈ જતા તેમના હાથ નીચે કામ કરતાં વહીવટદારોનો સૂર્ય હવે આથમવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાતીમાં એક કહેવત છે કે "ઓલવાતો દીવો વધુ ફફડાટ કર્યા કરે" અને આવું જ કંઇક આ માથાભારે બિલાડી જેવા કોન્સ્ટેબલ સાથે થઈ રહ્યું છે. હાલ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં વર્ષોથી વહીવટદાર તરીકે કામ કરનાર પોલીસ કર્મીને વહીવટ અને "રાજ" નહીં મળતા એડી ચોટીનું જોર આ કોન્સ્ટેબલ દ્વારા લગાડવામાં આવી રહ્યું છે. પોલીસ બેડામાં તો એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે પૂર્વ વિસ્તારમાં નવા અધિકારી આવતા જ આ પાતળા બાંધાના પોલીસ કોન્સ્ટેબલને પોતાની સત્તા જોખમમાં આવી ગઈ હોય તેવો અણસાર આવી ગયો છે. જેથી પોલીસ સ્ટેશનમાં આવતા કોઈપણ નવા પોલીસ ઇન્સ્પેકટરને આ વહીવટદાર દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ સાથે જ તે સ્ટેટ 'મોનિટરિંગ સેલની રેડ પડાવી દઈશ' કહીને નવા હાજર થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને દમ મારી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કોન્સ્ટેબલને સેકન્ડ પીઆઇની ચેમ્બરને પોતાની ઓફિસ બનાવી બેસવાનો શોખ હતો, પણ પૂર્વ પીઆઇ જે "હમસુખ" સ્વભાવના હતા તે પણ ઢીલા પડી આ કોન્સ્ટેબલને સાચવી રહ્યા હતા. કારણ કે તેમને તે પોલીસ સ્ટેશનમાં પોતાની સીટ સાચવવાની હતી જેથી ડરતા હોવાની ચર્ચા ચાલી છે.
ઉધઈના સડા માફક થઈ ગયો આ કોન્સ્ટેબલ
પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ "હસમુખ" સ્વભાવના અધિકારીના ખોળામાં બેસી "રાજ" કરનાર આ કોન્સ્ટેબલ કમ વહીવટદારથી અધિકારીઓથી માંડી પોલીસ સ્ટાફ કંટાળી ગયો છે. નવા આવેલા અધિકારીઓ આ વ્યક્તિના કાવા દાવાથી વાકેફ જ છે અને એટલે જ તેને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે જ તેનો અહમ ઘવાતા તાજેતરમાં જ આ જ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ વિભાગમાં એવી પણ વાતો ચર્ચાઈ રહી છે કે "રાજ" કરી ચુકેલો આ કોન્સ્ટેબલ હવે અન્ય એજન્સીઓ પાસે રેડ કરાવી રહ્યો છે. આવી અનેક બાબતો હાલ પોલીસ વિભાગમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી છે. કારણ કે અગાઉ પણ નેશનલ હાઇવે નંબર 48ની બાજુમાં જ આવેલું એક પોલીસ સ્ટેશન છે કે જેમાં વહીવટદાર પાસેથી વહીવટ આંચકી લીધા બાદ ગણતરીના દિવસોમાં જ સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.
કદાચ એવું પણ હોઈ શકે કે કાગડાનું બેસવું અને ડાળનું પડવું પરંતુ આ બાબત કોઈના ગળે ઊતરે તેમ નથી. કારણ કે શહેર પોલીસ વિભાગમાં વહીવટદારોનો કાળો કકળાટ ચરમ સીમાએ પહોંચી ગયો છે. બીજી તરફ શહેર પોલીસની ઇન્ટરનલ સિસ્ટમમાં ઉધઈની માફક વહીવટદારો પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે.
" isDesktop="true" id="1211636" > પાતળો બાંધો અને રોલો મારવાની આદત
ચર્ચાતી વાતો મુજબ આ પોલીસ કોન્સ્ટેબલ ખાતામાં જોડાયો ત્યારે પગમાં ચંપલ પહેરીને આ જ પૂર્વના પોલીસ સ્ટેશનોમાં ફરતો હતો. બાદમાં એક જ અટક વાળા બે અધિકારીઓના કારણે આ કોન્સ્ટેબલની હિંમત વધી અને એક બાદ એક અધિકારીઓને એક પૂર્વ દમદાર મંત્રીનું નામ આપી વહીવટો મેળવતો હતો. આમને આમ ગરીબ કોન્સ્ટેબલ ફેક્ટરીઓના, દારૂના, અન્ય અડ્ડાઓથી પૈસા લૂંટી આજે બિલ્ડરોનો ભાગીદાર બની ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા કોન્સ્ટેબલને ક્યાંક ખૂણામાં મૂકી ખરી નોકરી કરાવી શકે છે કે પછી પાંગળા સાબિત થાય છે તે જોવાનું રહ્યું.