Home /News /ahmedabad /Gujarat: પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો ‘પીપલ્સ ચોઈસ’ કેટેગરીમાં અવ્વલ, મુખ્યમંત્રીએ વોટર્સનો આભાર માન્યો

Gujarat: પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો ‘પીપલ્સ ચોઈસ’ કેટેગરીમાં અવ્વલ, મુખ્યમંત્રીએ વોટર્સનો આભાર માન્યો

ગુજરાતનો ટેબ્લો - ફાઇલ તસવીર

ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લિન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો. આ ટેબ્લો 26 જાન્યુઆરી, 2023ની પરેડમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ’ કેટેગરીમાં તે અવ્વલ સ્થાને આવ્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક માર્ગદર્શનમાં ગુજરાતે વડાપ્રધાનની આ પ્રેરણા ઝિલી લઇને ‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’ થીમ આધારિત ઝાંખી 74મા ગણતંત્ર દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી.

74મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજૂ થયેલી 17 રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલો ટેબ્લો ‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’ને પીપલ્સ ચોઇસ એવોર્ડ્ઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે.

Tableau of Gujarat topped Peoples Choice category in Republic Day Parade in delhi
ગુજરાતને આપવામાં આવેલું પ્રમાણપત્ર


વર્ષ 2023ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના 17 રાજ્યો તથા 6 મંત્રાલયો મળીને કુલ 23 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લિન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાતે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો, સૌર-પવન ઊર્જાના મહત્તમ ઉપયોગથી ક્લિન ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગનો ધ્યેય સફળતાપૂર્વક પાર પાડ્યો છે.


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એશિયાનો સૌપ્રથમ સોલાર પાર્ક પાટણના ચાણસ્કામાં સ્થાપ્યો હતો. માત્ર એટલું જ નહીં, ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરનારૂ ભારતનું પ્રથમ રાજ્ય પણ ગુજરાત બન્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કચ્છમાં દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રીન્યૂએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. રિન્યૂએબલ એનર્જીને હાર્નેસ કરવાની દિશામાં ગુજરાતની આ બેજોડ ઉપલબ્ધિને આ વખતની 26મી જાન્યુઆરીની પરેડમાં ઝાંખી-ટેબ્લોના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી.

ટેબ્લોમાં કચ્છની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી


આ ટેબ્લોમાં કચ્છના ખાવડામાં આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક,  BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઉર્જા મેળવતું મોઢેરા ગામ,  PM KUSUM  યોજના મારફતે સોલાર રૂફટોપથી ઉર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી સુખદ ઉર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે કચ્છના ભાતિગળ પહેરવેશ, ભૂંગા, સફેદ રણ, માટીના કલાત્મક લીંપણ, રણના વાહન ઊંટ તેમજ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સરીખા રાસ-ગરબાને પણ દર્શાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની ધરપકડ

લોકોએ વોટ કરીને ટેબ્લોને વિજેતા બનાવ્યો


ગુજરાતે સોલાર અને વિન્ડ જેવા ક્લિન-ગ્રીન અને પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનોનો ઉપયોગ કરી વિશ્વને ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર થઈ પર્યાવરણનું જતન કરવાની દિશામાં નવતર માર્ગ ચિંધ્યો છે. ત્યારે ‘ક્લિન અને ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત’ના વિષય આધારિત ટેબ્લો 26 જાન્યુઆરી, 2023ની પરેડમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2022થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ‘My Gov platform’ મારફતે દેશની જનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખીમાંથી શ્રેષ્ઠ ઝાંખી પસંદ કરી ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ’ આપવાનો પ્રારંભ કર્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ હોવાનો કોલ આવતા અફરાતફરી

મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો


આ વર્ષે 26થી 28 જાન્યુઆરી, 2023 દરમિયાન ઓનલાઈન વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ વોટ્સમાંથી સૌથી વધુ વોટ્સ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા અને ગુજરાતનો ટેબ્લો દેશભરના રાજ્યોમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં વિજેતા જાહેર થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌનો આભાર માનતા કહ્યું કે, ‘આ જીત ગુજરાતના પ્રત્યેક નાગરિકની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત નિરંતર નવું કરી દેશ-દુનિયાને માર્ગ ચીંધતું આવ્યું છે. ગુજરાતે રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને પુનઃ પ્રાપ્ય ઉર્જાના વિષય સાથે સાંકળી લઈને આ ઝાંખી દ્વારા સુંદર સંદેશ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે.’

આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં 31 જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાત સરકારના માહિતી પ્રસારણ સચિવ અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ તથા માહિતી નિયામક આર.કે. મહેતાએ સ્વીકાર્યો હતો. આ ટેબ્લોની પ્રસ્તૃતિમાં નાયબ માહિતી નિયામક પંકજભાઇ મોદી અને સંજય કચોટનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ટેબ્લોનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝીંગ પ્રા.લિ. અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.
Published by:Vivek Chudasma
First published:

Tags: 26 january republic day, Gujarat News, Republic day parade

विज्ञापन