Home /News /ahmedabad /અમદાવાદની આ સ્કૂલ અચાનક થઈ રહી છે બંધ, સત્તાધિશોના નિર્ણયને લઈને વાલીઓએ કર્યો હોબાળો
અમદાવાદની આ સ્કૂલ અચાનક થઈ રહી છે બંધ, સત્તાધિશોના નિર્ણયને લઈને વાલીઓએ કર્યો હોબાળો
વાલીઓએ કર્યો હોબાળો
Swaminarayan School Controversy: વાલીઓનો આક્ષેપ છે કે શાળાના સંચાલકોએ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે સ્કૂલ સત્તાધિશો પાસેથી પોતાના બાળકોના અભ્યાસ કે અન્ય કઈ સ્કૂલમાં પ્રવેશ મળશે તે અંગે યોગ્ય જવાબ નહિ મળતા વાલીઓ રોષે ભરાયા છે.
અમદાવાદ: અમદાવાદ શહેરના નિર્ણય નગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કુલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં મોટી સંખ્યામાં પહોંચેલા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળાના સંચાલકોએ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે સ્કૂલ સત્તાધિશો પાસેથી પોતાના બાળકોના અભ્યાસ કે અન્ય કઈ સ્કૂલમાં પ્રવેશ મળશે તે અંગે યોગ્ય જવાબ નહિ મળતા વાલીઓ રોષે ભરાયા છે.
શાળા બંધના નિર્ણયથી વાલીઓમાં રોષ
અમદાવાદની વધુ એક સ્કૂલ બંધ થઈ રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ સ્કૂલના સંચાલકોએ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ મામલે વાલીઓને કોઈ જાણકારી નહિ આપવામાં આવતા વાલીઓમાં નારાજગી વ્યાપી છે. વાલીઓની એ નારાજગી સ્કૂલ પર હલ્લાબોલ સ્વરુપે જોવા મળી છે. વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલ સંચાલકોએ એક દિવસ અગાઉ જ સ્કૂલ બંધ થઈ રહી છે તેવી જાણ કારી આપી છે. જેથી અહી આરટીઈ હેઠળ અભ્યાસ કરી રહેલા 120થી વધુ બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગ્યું છે.
સવારે વાલીઓને સ્કૂલ સંચાલકોએ બોલાવ્યા હતા. અને એક કાગળ પર સહી લેવામાં આવી છે અને સ્કૂલ બંધ થઈ રહી છે પણ બાળકો હવે ક્યાં ભણશે તેની કોઈ જાણકારી આપી નથી. આ બાળકોને હવે કઈ શાળામાં એડમિશન આપવામાં આવશે તે મામલે શાળા સંચાલકોએ જવાબદારીમાંથી હાથ અધ્ધર કર્યા છે. સ્કૂલ સંચાલકો વાલીઓને કોઈ યોગ્ય જવાબ આપતા નથી જેના કારણે ના છુટકે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ વાલીઓને પડી છે. વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કોઈ બિલ્ડરને આ જગ્યા સંચાલકોએ વેચી દીધી છે. જેથી સ્કૂલ જર્જરીત હોવાનું બહાનું બતાવી સંચાલક સ્કૂલ બંધ કરી રહ્યાં છે.
બીજી તરફ ન્યુઝ 18 ગુજરાતીની ટીમે સ્કૂલના પ્રિન્સિપાલ સાથે પણ આ મુદ્દે વાતકરવાનો પ્રયાસ કરતા જાણે સ્કૂલ સત્તાધીશોએ જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા હોય તેવી વિગત જાણવા મળી હતી. આરટીઈના બાળકોના પ્રવેશની કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી થશે તેવું જણાવી દેવાયું હતું. કારણ કે, આ બાળકોના એડમિશન ત્યાંથી થયા છે જેથી તે કામગીરી ત્યાંથી થશે. હવે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવશે. મહત્વનું છે કે, માત્ર આરટીઈ હેઠળ અભ્યાસ કરતા બાળકો જ નહિ અહી અભ્યાસ કરતા અન્ય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકોના અન્ય સ્કૂલમાં પ્રવેશને લઈને પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.