અમદાવાદ: અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરના કેસમાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે આ ફરિયાદ નોંધાઈ છે અને સાથે પશુના માલિક સામે પણ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં લાગી છે. પોલીસે આ મામલે કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ એટલે કે કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરોડાના ભાવિન પટેલને રસ્તે રખડતા ઢોરે અડફેટે લેતા મોત થયું હતું. રખડતા ઢોર ના કેસમાં પહેલીવાર AMCના અધિકારીઓ સામે ગુનો નોંધાતા દોડધામ મચી ગઇ છે. ત્યારે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ છે. ત્યારે આ નફ્ફટ અને બેદરકાર ભ્રષ્ટ એ.એમ.સી ના અધિકારીઓની ક્યારે ધરપકડ થાય છે એ જોવાનું રહેશે.
નવા નરોડામાં રહેતા પ્રશાંતભાઈ પટેલનો 39 વર્ષીય ભાઈ ભાવિન ગત 29મીએ બાઇક લઈને જતો હતો. આ દરમિયાન તેનો અકસ્માત થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા જ અન્ય પરિવારજનોને તેઓએ અકસ્માત બાબતે પૂછતાં જાણવા મળ્યું કે, ભાવિનભાઈ મનોહરવિલા પાસેના એક પાર્ટી પ્લોટ પાસેથી જતા હતા. ત્યારે રસ્તામાં પશુ આવી જતા તેઓનો અકસ્માત થયો હતો.
મૃતકની ફાઇલ તસવીર
ભાવિનને ગંભીર ઇજા થવાના કારણે બાદમાં તેઓને બાપુનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવિનને મલ્ટીપલ હેમરેજ હોવાથી ઓપરેશન કર્યું હતું. ડોક્ટરે બ્રેન ડેડ થવાની તૈયારી છે તેવું કહેતા જ પરિવારજનો ભાવિનને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પરિવારજનોનો એકતરફ આક્રંદ બીજી તરફ દુઃખનો માહોલ હતો. ત્યાં ઘટના સ્થળે તપાસ કરતા ભાવિનને કાળા રંગની ગાયે અડફેટે લીધા હોવાનું સીસીટીવી ફુટેજમાં જણાયું હતું. જેથી પરિવારે ફરી કોઈને ભાવિનના પરિવારજનો એ સહન કરેલું દુઃખ સહન ન કરવું પડે તે માટે નફ્ફટ તંત્રના અધિકારીઓની બેદરકારી બદલ ફરિયાદ નોંધાવી છે.
કૃષ્ણ નગર પોલીસે આ મામલે રખડતા ઢોરને અંકુશમાં લેવાની કામગીરીમાં નિષફળ ગયેલા અને પશુના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ નફ્ફટ અને ભ્રષ્ટ એ.એમ.સી ના અધિકારીઓ ની ક્યારે ધરપકડ થાય છે એ જોવાનું રહેશે.