સ્ટિંગ : વસ્ત્રાલ RTO કચેરી બહાર એજન્ટોનું 'બજાર', બાવળામાં ચાની કીટલી પર 'સેટિંગ'!

News18 Gujarati
Updated: November 20, 2019, 9:19 AM IST
સ્ટિંગ : વસ્ત્રાલ RTO કચેરી બહાર એજન્ટોનું 'બજાર', બાવળામાં ચાની કીટલી પર 'સેટિંગ'!
કચેરી બહાર એજન્ટોની હાટડીઓ.

વસ્ત્રાલમાં આરટીઓ કચેરી અને કચેરીની બહારના દ્રશ્યો તમે જોશો તો ચોંકી જશો. અહીં આરટીઓ કચેરીની બહારની બાજુએ જાણે આરટીઓના કામો માટે બજાર ભરાયું હોય તેવા માહોલ છે.

  • Share this:
અમદાવાદ : સુભાષબ્રિજ RTO કચેરી ઉપરાંત વસ્ત્રાલ અને બાવળામાં પણ આરટીઓ કચેરી છે. અહીં કેવા પ્રકારનો રુપિયાનો ખેલ ચાલી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે કર્યો હતો. અહીં પણ આરટીઓના વિવિધ કામો માટે વહીવટ થતો હોવાનો ખુલાસો થયો હતો.

વસ્ત્રાલમાં આરટીઓ કચેરી અને કચેરીની બહારના દ્રશ્યો તમે જોશો તો ચોંકી જશો. અહીં આરટીઓ કચેરીની બહારની બાજુએ જાણે આરટીઓના કામો માટે બજાર ભરાયું હોય તેવા માહોલ છે. જ્યાં-ત્યાં આરટીઓ કચેરીના કામકાજ માટે મળોના બોર્ડ લાગેલા છે. તેવું પણ જોવા મળ્યું કે જેટલા એજન્ટો આરટીઓ કચેરીની બહારથી વહીવટ કરે છે, એટલા જ એજન્ટો આરટીઓ કચેરીના કેમ્પસમાં પહોંચીને વહીવટ કરે છે.

વસ્ત્રાલની આરટીઓ ઓફિસના અધિકારીઓ સાથે પણ એજન્ટોનું સેટિંગ છે. લાઇસન્સ રિન્યૂ કરાવવાના કામ માટે વસ્ત્રાલ કચેરીએ ન્યૂઝ 18ની ટીમ પહોંચી હતી. આરટીઓ કચેરીની બહાર જ મનીષ નામના એક એજન્ટ સાથે વાતચીત કરતા રુપિયાથી તમામ પ્રકારની કામગીરી થઈ રહી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે સાગર અને મનીષ નામના એજન્ટે 1400 રુપિયા થશે તેવું જણાવ્યું હતું. નવું લાઇસન્સ કઢાવવા માટેની પ્રક્રિયા પૂછતા 2 વ્હીલર અને 4 વ્હીલરનું લાઇસન્સ સરકારી ફી સાથે 2 હજાર રુપિયામાં કામ પતે છે, અને જો ટેસ્ટ ન આપવી હોય તો સાડા છ હજારમાં લાઇસન્સ કઢાવી આપવાની તૈયારી આ એજન્ટે બતાવી હતી.



વસ્ત્રાલ એજન્ટ - 1

એજન્ટ - શુ કરવાનું છે?
Loading...

રિપોર્ટર - લાઇસન્સ રિન્યૂ કરાવવાનું છે.
એજન્ટ - થઈ જશે. તમારે પહેલા બેકલોગ કરાવવું પડશે. બેકલોગ કરાવ્યા પછી તમને ફી ભરવાનો નંબર આપશે. બધુ કરાવવું હોય તો સીધુ કરાવી દેવાનું. મનીષભાઈ બધુ કરાવી દેશે.
રિપોર્ટર - બેકલોગમાં શું હોય?
એજન્ટ - બેકલોગમાં ફોર્મ ભરવાનું આવે. તમારે તારીખ પતવા આવી હવે.
રિપોર્ટર - તારીખ પત્યા પછી નહીં થાય?
એજન્ટ - પછી પતી ગયું. નવું જ કઢાવવું પડે.
રિપોર્ટર - નવું લાઇસન્સ કઢાવવું હોય તો?
એજન્ટ - તો તમારે 2 અને 4 વ્હીલર કરાવી દેવાનું. સરકારી ફી સાથે કહું તો 2 હજારમાં પતે.
રિપોર્ટર - ટેસ્ટ આપવો પડે એમા?
એજન્ટ - હા, કોમ્પ્યુટર ટેસ્ટ આપી દેવાની.
રિપોર્ટર - વગર પરીક્ષાએ આપવું હોય તો?
એજન્ટ - વગર પરીક્ષાએ કરાવવું હોય તો પણ થઈ જશે.
રિપોર્ટર - કેટલામાં થશે?
એજન્ટ - તમારે સાડા છ હજારની આસપાસ થશે.
રિપોર્ટર - લાઇસન્સ રિન્યૂ કરાવવાનું તો કહો પહેલા.
એજન્ટ - મનીષભાઈ આનું શું થશે?
રિપોર્ટર - બેકલોગ માટે અંદર જવાનું.
એજન્ટ - હું તમને ફોર્મ ભરાવી બધું કરાવી આપું. જે તારીખ આપે ત્યારે તમારે ફી ભરીને કરાવી જવાનું.
રિપોર્ટર - અત્યારે કઈ આપવાના?
એજન્ટ - અત્યારે 400 રુપિયાનો ખર્ચો થશે. જ્યારે આવશો ત્યારે હજાર રુપિયા આપવાના. અત્યારે આઈડીપ્રુફ અને ફોટો આપો. વોટ્સએપ માંગાવી લો તો ચાલશે.
રિપોર્ટર - કુલ કેટલો ખર્ચો થશે?
એજન્ટ - 1400 રુપિયા ગણવાના.



વસ્ત્રાલમાં આવા જ એક અન્ય એજન્ટ વિશાલ મોદીએ પણ લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે અને નવું લાઇસન્સ કઢાવવા માટેના ભાવ આપી દીધા હતા. આ શખ્સે લાઇસન્સ રિન્યૂ કરવાની કામગીરી માટે પહેલા ફોર્મ ભરવાના 100 રુપિયા અને ત્યાર બાદ 1200થી 1300 રુપિયાનો ખર્ચો થશે તેમ કહ્યું હતું. વગર પરીક્ષાએ નવું લાઇસન્સ કઢાવવા માટે 8થી 10 હજારનો ખર્ચો થશે તેમ એજન્ટે જણાવ્યું હતું.

વસ્ત્રાલ એજન્ટ - 2

એજન્ટ - બેકલોગ તમારે પહેલા કરાવવું પડશે. તેનું 100 રુપિયામાં ફોર્મ ભરી આપું. તમને બેકલોગની 22 તારીખની ડેટ આપશે. બેકલોગ આવી જાય પછી ખર્ચો કરવાનો છે.
રિપોર્ટર - અત્યારે કંઈ નહી ને?
એજન્ટ - આજે ખાલી 100 રુપિયા મને આપવાના.
રિપોર્ટર - ડોક્યુમેન્ટ શું જોશે.
એજન્ટ - લાઇસન્સ અને એક ફોટો.
રિપોર્ટર - ટોટલ કેટલો ખર્ચો થશે?
એજન્ટ - એ તમારુ બેકલોગ થયા પછી ખબર પડે. તમે ટેન્શન ના લો. મોટી રકમ નથી. 23 તારીખ છે. તમારે વહેલા આવવાનું હતું.
રિપોર્ટર - પછી નહીં થાય એ મને ખબર પડી.
એજન્ટ - તમારે બધુ થઈને 1200થી 1300 રુપિયાનો ખર્ચો આવશે.
રિપોર્ટર - વગર પરીક્ષાએ લાઇસન્સ માટે શું કરવાનું?
એજન્ટ - અત્યારે તમારે ફોર્મ ભરીને જવાનું. હુ જે તારીખ આપુ ત્યારે આવી જવાનું. લગભગ 8થી 10 હજારનો ખર્ચો થાય.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના અરજદારો માટે બાવળામાં આરટીઓ કચેરી બનાવવામાં આવી છે. અહીં પણ આ જ પ્રકારે વહિવટ થત હોવાનું સામે આવ્યું છે. અહીં ચાની કીટલી પાસે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે એક અરજદારના કામ માટે આવેલો શખ્સ જોવા મળે છે. આ એજન્ટ બાવળાની આરટીઓ કચેરીમાં પણ આંટા મારી રહ્યો છે.

બાવળા એજન્ટ

રિપોર્ટર - કેટલા સમયમાં લાઇસન્સ આવી જાય?
એજન્ટ - કોમ્પ્યુટરની પરીક્ષા આપવાની છે?
રિપોર્ટર - પરીક્ષા નથી આપવી.
એજન્ટ - પહેલા ઓનલાઈન કરી નાખો. પછી બધુ થશે.
રિપોર્ટર - પછી પરીક્ષા?
એજન્ટ - પહેલા ઓનલાઈન કરી નાખો, અંદરની પ્રોસેસ પછી મળે.

અરજદારો પણ પોતાની સગવડતા માટે એજન્ટોને મોં માગ્યા રુપિયા આપી દે છે. આવું જાણવા માટે કેટલાક અરજદારોની પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પૂછપરછ કરી હતી. એક અરજદારે એજન્ટને રુપિયા આપતા લાઇસન્સ કઢાવી આપતો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ અરજદારે વાતવાતમાં લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટરની ટેસ્ટ આપવામાં કેવા ખેલ થાય છે તેનો પણ પર્દાફાશ કરી દીધો. અરજદારે જણાવ્યું કે એજન્ટ પાસેથી તેમણે બે લાઇસન્સ કઢાવ્યા છે. એક લાઇસન્સ પાછળ 7 હજાર રુપિયા જેટલો ખર્ચો થાય છે. કાચા લાઇસન્સ માટે જે પરીક્ષા આપવાની હોય છે તે કોમ્પ્યુટર ટેસ્ટમાં પણ કશું કરવાનું નહીં. માત્ર કમ્પ્યુટર પર બેસીને માઉસથી રમવાનું. પાસ થઈ જશો.

અરજદાર - તમારે કઢાવવાનું છે લાઇસન્સ?
રિપોર્ટર - મારી પાસે લાઇસન્સ નથી.
અરજદાર - પરીક્ષા દેવાની છે?
રિપોર્ટર - નથી આપવી, એટલ જ.
અરજદાર - એક એજન્ટ છે. અમે આ રીતે બે લાઇસન્સ કઢાવ્યાં છે.
રિપોર્ટર - કોણ છે? કેટલા લે છે?
અરજદાર - 7 હજાર.
રિપોર્ટર - 7 હજાર રુપિયા એમ ને?
અરજદાર - અંદર કાચા લાઇસન્સ માટે પરીક્ષા આપવા જાઓ એટલે કમ્પ્યુટર પર ખાલી બેસી જ રહેવાનું. ફાસ થઈ જશો.

આ હકીકત અમદવાદની તમામ આરટીઓ કચેરીની છે. હાલ નવા નિયમો અમલી બનતા આરટીઓ કચેરીઓમાં હજારો અરજદારોની ભીડ જામે છે. આરટીઓમાં ચાલતી આ કામગીરીઓ માટે એજન્ટો મોં માગ્યા રુપિયા લઈ દસ્તાવેજો કાઢાવી આપે છે. ટ્રાફિકના નવા નિયમો આવતા અરજદારો લાઈનમાં લાગી ગયા છે અને એજન્ટો અને આરટીઓ કચેરીઓના અધિકારીઓને ઘી કેળા થઈ ગયા છે.
First published: November 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...