ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા કરી આપી
Gujarat Assembly Election 2022: ગુજરાત ચૂંટણી પંચે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મતદાન કરવા પોલિંગ બૂથ પર ન જઈ શકનારા અશક્ત મતદારો માટે ઘરે બેઠા મતદાનની સુવિધા આપવાની પહેલ કરી છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના કલાક બાકી છે. ત્યારે શારીરિક રીતે અશક્ત હોવાના કારણે મતદાન મથક સુધી પહોંચવા અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું. ત્યારે ગુજરાત ચૂંટણી પંચે ઘરે બેઠા મતદાન કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના 80થી વધુ વયના શારીરિક રીતે અસક્ત લોકોએ મતાધિકારનો ઉપયોગ ઘરે બેઠા કર્યો છે. જેને લઈને તેમનામાં અનોખો ઉમંગ જોવા મળ્યો છે.
મતદારને બેલેટ પેપરથી મતદાન કરાવ્યું
આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચે દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે ઘરે બેઠા મતદાન કરાવવાની ખાસ વ્યવસ્થા કરી છે. ત્યારે આ વ્યવસ્થા અંતર્ગત બી.એલ.ઓ અને તેમની ટીમ મત કુટિર અને પોસ્ટ બેટેલ સાથે નક્કી કરવામાં આવેલા મતદારના ઘરે પહોંચે છે અને ટેમ્પરરી મતદાન મથક ઊભું કરે છે. ત્યારબાદ મતદાર પોસ્ટ બેલેટથી ગુપ્ત મતદાન કરે છે. ઘરે બેઠા ઝોનલ ઓફિસર સાથે તેમની ટીમ સહિત પોલીસ સુરક્ષા અને વીડિયોગ્રાફી માટે કેમેરામેન સાથે જતી હોય છે.
અમદાવાદ જિલ્લામાં દિવ્યાંગ અને અશક્ત વયોવૃદ્ધ મતદાતાઓ માટે શરુ થયેલા ઘરે બેઠા મતદાનની પહેલના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના રહેવાસી 85 વર્ષીય બિપિનચંદ્ર પંડ્યા અને 82 વર્ષીય અરુણાબેન પંડ્યાના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું. અરુણાબેનને કમર અને પગના ભાગમાં ગંભીર તકલીફ હોવાના કારણે તેઓ વોકરના સહારે ચાલે છે. જ્યારે બિપીનચંદ્રના ઘૂંટણમાં તકલીફ હોવાથી વધારે અંતર સુધી ચાલવામાં તેઓ પણ તકલીફ અનુભવે છે. આ દંપતીની શારીરિક અક્ષમતાને જોતાં ચૂંટણી તંત્ર દ્વારા તેમને ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર મતદાન પ્રક્રિયાને ગુપ્ત અને પારદર્શક રીતે અનુસરવામાં હતી
મતદારોમાં ખુશીની લાગણી છવાઈ
અમરાઇવાડી વિધાનસભા બેઠક પર ઝોનલ ઓફિસર અને બી.એલ.ઓની ટીમ દ્વારા ૫૫ વયોવૃદ્ધ અશક્ત લોકોનું પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવશે. ચૂંટણી પંચની આ નવીન પહેલથી મતદારો અને તેમના પરિવારજનો ખૂબ ખુશીની લાગણી થઈ છે. મતદાન બુથ સુધી જવામાં અક્ષમ્ય હોવાથી તેઓ કોઈ મુશ્કેલી વગર ઘર બેઠા મત આપી લોકશાહીને મજબૂત કરવામાં તેમનું અનેરુ યોગદાન પૂરું પાડી રહ્યા છે.