અમદાવાદ: ધોરણ 10નું પરિણામ ગત વર્ષ કરતાં 3 ટકા ઓછું આવ્યું છે અને તેમાં પણ એ વન ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. તેમજ ડિપ્લોમાં એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ છે, ત્યારે આ વખતે ડિપ્લોમાં એન્જિયનિયરિંગની 50 ટકા જેટલી બેઠકો ખાલી રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
સીધી અસર ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા પર પડશે
ધોરણ 10 પછી ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં એન્જિનિયરિંગ લાઈનમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવતા હોય છે. હાલમાં ધોરણ 10ના પરિણામ પહેલા જ ડિપ્લોમાં એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે. ડિપ્લોમા એન્જિનિયિંગની 68 હજાર બેઠકો માટે પ્રવેશ માટે 107 સેલ્ફ ફાઈનાન્સ, 5 ગ્રાન્ટ રોડ અને 31 ગવરમેંન્ટ એન્જિનિયિંગ કોલેજો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પ્રવેશ પ્રક્રિયા એક મહિનો સુધી ચાલવાની છે. તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે ધો.10ના ગણિત,અંગ્રેજી અને વિજ્ઞાાન સહિતના ત્રણ વિષયના માર્કસ ધ્યાને લેવામાં આવે છે અને જેના આધારે મેરિટ બને છે. આ વર્ષે ધોરણ 10નું 55.52 ટકા પરીણામ જાહેર થયું છે. તેની સીધી અસર ડિપ્લોમાં એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા પર પડે તેવું ચિત્ર ઉપસીને આવી રહ્યું છે. આ વખતે ગત વર્ષની સરખામણીમાં 32 હજારથી વધુ બેઠકો ખાલી રહે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
મહત્વની બાબત એ છે કે, હાલમાં ડિપ્લોમાં એન્જિનયિરિંગમાં 68 હજાર બેઠકો છે. આ વખતે જીટીયુ સાથે જોડાયેલી જીપેરીમાં પણ ડિપ્લોમાં એન્જિનિયરિંગ શરુ થાય તે 300 બેઠકોમાં વધારો થશે. આ ઉપરાંત અન્ય કોલેજોમાં બ્રાન્ચમાં બેઠકોની સંખ્યા વધશે તો પણ 68 હજાર 300થી વધુ બેઠકો વધશે. તેની સામે હજુ પણ ધોરણ 10 પછી ડિપ્લોમાં એન્જિનિયિરીંગ માટે નીત નવા કોર્સ શરુ થયા છે, તેની જાણકારીનો અભાવ છે. તંત્ર ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ માટે જાગૃત કરી શક્યું નથી, જેની પણ અસર પ્રવેશ પ્રક્રિયા પર પડે તેવું લાગી રહ્યું છે.