Home /News /ahmedabad /Ahmedabad: વૃધ્ધોને અહીં મળે છે સંતાનોનો પ્રેમ, આ વૃધ્ધાશ્રમમાં છે 3 હજાર પુસ્તકો, જૂઓ Video

Ahmedabad: વૃધ્ધોને અહીં મળે છે સંતાનોનો પ્રેમ, આ વૃધ્ધાશ્રમમાં છે 3 હજાર પુસ્તકો, જૂઓ Video

X
આજના

આજના આધુનિક યુગમાં વૃધ્ધો સાથે થતા દિકરાઓના કૃત્યો નજરે ચડે છે

અમદાવાદનાં વિરમગામ તાલુકાનાં સચાણા ગામ પાસે શ્રી રૂક્ષ્મણીબેન દિપચંદભાઇ ગાર્ડી વૃધ્ધાશ્રમ આવેલું છે. અહીં 50 જેટલા વૃધ્ધો રહે છે. અહીં વાંચન માટે 3000 જેટલા પુસ્તક છે. ભોજન,આરોગ્યની સુંદર વ્યવસ્થા છે.

Parth Patel, Ahmedabad: આજના યુગમાં દિકરા વગરના એટલે કે દિકરાઓથી વિખૂટા પડેલા મા-બાપને આશીર્વાદ રૂપ બની રહે તે માટે ઠેર ઠેર વૃધ્ધાશ્રમ શરૂ થયા છે. એવો જ એક ખૂબ જ સરસ સુવિધાઓથી સજ્જ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સચાણા ગામની નજીક શ્રી હરી પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રૂક્ષ્મણીબેન દિપચંદભાઈ ગાર્ડી વૃધ્ધાશ્રમ આવેલું છે.

આજના આધુનિક યુગમાં વૃધ્ધો સાથે થતા દિકરાઓના કૃત્યો નજરે ચડે છે

વૃધ્ધાશ્રમનું સંચાલન હાલમાં મનસુખભાઈ રોજાસરા દ્વારા કરવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમની મુલાકાત લેતા વૃધ્ધો સાથે વાતચીત કરતા આજના આધુનિક દિકરાઓના કૃત્યો નજરે જોવા મળે છે. આ ઉપરાંત વૃધ્ધોને પોતાના ઘર પરિવારની યાદ ન આવે અને તેઓ ખુશ રહે તે માટે આ આશ્રમમાં વિવિધ તહેવારોની ઉજવણી અને આનંદમય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત આશ્રમમાં રહેવા-જમવાની ખુબ જ સરસ સુવિધા આપવામાં આવે છે.

વૃધ્ધાશ્રમના સંચાલક મનસુખભાઈ વી. રોજાસરાએ જણાવ્યું હતું કે, આ વૃદ્ધાશ્રમનું શુભ ઉદ્ઘાટન જાણીતા ઉદ્યોગપતિ શારદાબેન ઉત્તમચંદ મહેતા (ટોરેન્ટ ગ્રુપ) દ્વારા તારીખ 14મી જુન, 1998 ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ વૃધ્ધાશ્રમ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આ પ્રાચીન પરંપરામાં આજના વૈજ્ઞાનિક યુગમાં ભારે પરિવર્તન આવ્યું છે. રહેણી-કરણી ઝડપથી બદલાઈ રહી છે. સંયુકત કુટુંબપ્રથા તુટી રહી છે.

કુટુંબી જીવનમાં પડતી સમસ્યાનો સામનો કરે છે વૃધ્ધો

બે પેઢી વચ્ચે અંતર વધવાથી અને કુટુંબી જીવનમાં ઉભી થતી અનેક સમસ્યાઓમાં વૃધ્ધોને વૃધ્ધાવસ્થામાં ઘણું સહન કરવું પડે છે. કારણ કે, વૃધ્ધોની શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જતી હોય છે. બદલાતા સમય સાથે તેઓ તાલ મિલાવી શકતા નથી. આવી દયનીય સ્થિતિમાં રહેતા વૃધ્ધોનો પ્રશ્ન સમાજનાં જાગૃત લોકો સમક્ષ એક પડકાર રૂપે ઉભો થયો છે.

વૃદ્ધાશ્રમ 13,357 ચો.મી.માં બનાવવામાં આવ્યું

આવા વૃધ્ધો સ્વમાનથી જીવી શકે, શાંતિ અને આનંદથી જીવી શકે, લાચારી વગર જીવી શકે તે માટે તેમની સંભાળ લેવી અત્યંત આવશ્યક છે. આ હેતુથી શ્રી હરિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ 13,357 ચો.મી.માં બનાવવામાં આવ્યું છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 50 થી પણ વધુ વૃધ્ધો રહે છે. વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પલંગ સેટ, કબાટ, રહેવા માટે સુંદર રૂમ, શૌચાલય, બાથરૂમ તથા અન્ય જરૂરીયાતો સંતોષવા માટે પૂરતી કાળજી લેવામાં આવે છે.

3000 પુસ્તક ધરાવતી લાયબ્રેરી સહિતની સુવિધાઓ

આ ઉપરાંત વૃધ્ધોને ધાર્મિક પુસ્તકોના વાંચન માટે 3000 પુસ્તકો ધરાવતી વિશાળ લાયબ્રેરીની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે હોસ્પિટલની ખાસ સુવિધા પણ કરવામાં આવી છે. વૃધ્ધોને વૃધ્ધાશ્રમમાં બંધીયાર કે ચાર દિવાલ વચ્ચેનું કેદખાનું ન લાગે તે માટે ટી.વી. સેટ મુકવામાં આવ્યા છે.

જુદાજુદા કેમ્પ કરવામાં આવે છે

ખાસ વાત એ છે કે આ વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને એકલતા દુર થાય તે માટે સમુહજીવન પર વિશેષ ભાર મુકવામાં આવે છે. અહીં દર વર્ષે આંખના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ચામડીના કેમ્પ, ફિઝિયોથેરાપી જેવા લગભગ 20 થી 22 કેમ્પ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે. આ ઉપરાંત હેલ્પેજ ઈન્ડિયાના સહયોગથી ન સાંભળતા લોકોને કાને સાંભળવાના મશીન મફત આપવામાં આવે છે. આ મશીન લંડનથી આયાત કરવામાં આવેલ છે.

આ પ્રકારનું ભોજન આપવામાં આવે છે

વૃધ્ધોને સવારે પ્રાર્થના બાદ નાસ્તો અને દુધ આપવામાં આવે છે. બપોરે જમવામાં દાળ, ભાત, રોટલી, શાક આપવામાં આવે છે. જ્યારે સાંજના ભોજનમાં ખીચડી, શાક, ભાખરી, દુધ આપવામાં આવે છે. દર અઠવાડિયે અથવા દસ દિવસે એકાદ વખત ફિસ્ટ આપવામાં આવે છે. તદ્ઉપરાંત કોઈના મૂંઝવતા પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ પણ તાત્કાલીક કરી આપવામાં આવે છે.

સંસ્થાનું સરનામું: શ્રી હરિ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ વૃધ્ધાશ્રમ, નાના હરિપુરા, સચાણા ગામ પાસે, વિરમગામ, અમદાવાદ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad latest news, Local 18, Old Age Home

विज्ञापन