Ahmedabad traffic police: ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે વાહન ગતિ મર્યાદાનો અમલ કરવા માટે રોડ પર ઠેર ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં એક ખાસ પ્રકારનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
અમદાવાદ: તાજેતરમાં રોડ અકસ્માત (Road accidents)માં માનવ ખુંવારી ઘટાડવા તેમજ જાગૃતિ લાવવા માટે પોલીસ તરફથી હેલ્મેટ (Helmet drive) અને ત્યારબાદ કાર પરથી બ્લેક ફિલ્મ ઉતારવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આજથી એટલે કે શનિવારથી અમદવાદના એસ.જી. હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે (Sarkhej Gandhinagar highway) પર ગતિ મર્યાદાનો અમલ થશે. જે પ્રમાણે 70 કિલોમીટર પ્રતિ કલાથી વધારે ઝડપે વાહન હંકારતા ચાલકોને પકડીને દંડવામાં આવશે. આ માટે અલગ અલગ દંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં લાઇસન્સ (Driving license) સસ્પેન્ડ કરવા સુધીની સજાની જોગવાઈ છે.
આજથી અમલ શરૂ કરાશે
ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે વાહન ગતિ મર્યાદાનો અમલ કરવા માટે રોડ પર ઠેર ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં એક ખાસ પ્રકારનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેના પરથી વાહનની સ્પીડ જાણી શકાશે, અને જો વાહન નિશ્ચિત સ્પીડથી વધારે ઝડપે હંકારવામાં આવ્યું હશે તો દંડ ફટકારવામાં આવશે.
ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે જો કોઈ વાહન ચાલક પ્રથમ વખત ગતિ મર્યાદાનો ભંગ કરશે તો તેની પાસથી બે હજાર રૂપિયા દંડ વસૂલ કરાશે. બીજી વખત પકડાશે તો ચાર હજાર રૂપિયા દંડ વસૂલ કરાશે. ત્યારબાદ પણ જો પકડાશે તો છ મહિના માટે લાઇસન્સ જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ આ અમલવારી પ્રાયોગિક ધોરણે ફક્ત એસ.જી હાઈવે પર કરવામાં આવશે.
ગાંધીનગર જવા માટે સૌથી વધારે સરખેજ ગાંધીનગર હાઇવેનો ઉપયોગ થાય છે. આ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે મોટાભાગના ક્રોસ રોડ પર ઓવરબ્રિજ બની ગયા છે એથવા કામ ચાલુ છે. જોકે, સરકારના તમામ પ્રયાસો છતાં એસ.જી. હાઈવે પર સૌથી વધારે અકસ્માત થાય છે. આ હાઇવે સિક્સ લેનનો હોવાથી અહીં ચાલકો વધારે ઝડપમાં વાહનો હંકાર છે. આ જ કારણ છે કે અહીં અકસ્માતો પણ વધારે થાય છે. જે બાદમાં સૌથી પહેલા આ હાઇવે પર ગતિ મર્યાદા લાગુ કરવાનો નિર્ણય કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર