Home /News /ahmedabad /

પુસ્તકની અછત: શાળાઓ તો શરૂ થઈ પરંતુ પાઠ્ય પુસ્તકો ન મળતા વિદ્યાર્થીઓને હાલાકી

પુસ્તકની અછત: શાળાઓ તો શરૂ થઈ પરંતુ પાઠ્ય પુસ્તકો ન મળતા વિદ્યાર્થીઓને હાલાકી

પાઠ્ય પુસ્તકોની અછત

Gujarat Text books shortage: આ મામલે સ્ટેશનરીનાં વેપારીઓ કહી રહ્યા છે કે, છેલ્લા કેટલાક વર્ષથી સ્કૂલો ખૂલવાની હોય ત્યારે પુસ્તકોની અછત સામાન્ય વાત બની ગઈ છે. ધોરણ 1થી 12ના પુસ્તક ક્યાંય મળતા નથી. વાલીઓ ત્રણ ત્રણ ધક્કા ખાય છે.

અમદાવાદ: રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં શાળાઓ વિધાર્થીઓથી ધમધમી ઉઠી છે પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ સર્જાઈ છે કે હજુ સુધી માર્કેટમાં 80 ટકા પુસ્તકો (Text books shortage) પહોંચ્યા જ નથી. જેને લઈને વાલીઓ મુશ્કેલી વધી છે. વિધાર્થીઓ શાળાએ જાય છે પરંતુ અભ્યાસ શું કરે તે સૌથી મોટો સવાલ છે. બીજી તરફ ધોરણ 10નું પરિણામ જાહેર થયાને 10 દિવસ થવા આવ્યા છતાં માર્કશીટ (10th Marksheet) ન મળતા ધોરણ-11 સાયન્સમાં એડમિશન (Admission) પ્રક્રિયા અટવાઈ છે.

પુસ્તકોની અછત (Gujarat text books shortage)ના કારણે વાલીઓ સ્ટેશનરી શૉપ (Stationery shop) પર ધક્કા ખાઈ રહ્યા છે. શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા રમેશભાઈ પ્રજાપતિ કેટલાક દિવસ સ્ટેશનરીની દુકાનના ચક્કર લગાવે છે. તેમનો પુત્ર ધોરણ 6માં અભ્યાસ કરે છે. સ્કૂલમાંથી અભ્યાસ માટે પુસ્તકો મંગાવ્યા છે પણ બજારમાં પુસ્તકો જ નથી. તેઓનું કહેવું છે કે શિક્ષણ વિભાગે શાળાઓ શરૂ કરતાં પહેલાં માર્કેટમાં પુસ્તકની વ્યવસ્થા કરવી જોઈએ.

જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું. દર વર્ષે પુસ્તકોને લઈને આવી જ મુશ્કેલી સર્જાય છે. આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ બજારોમાં પુસ્તકોની ભારે અછત સર્જાઈ છે. સ્ટેશનરીની દુકાનોમાં 80 ટકા પુસ્તકો ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. એક તરફ નોટબુકનાં ભાવમાં 25 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ આ વર્ષે પણ કાગળના ભાવમાં વધારો થતા નોટબુકનાં ભાવમાં વધારો નોંધાયો છે. તેવામાં સ્ટેશનરીની દુકાનો પર વાલીઓ ધક્કા ખાવા મજબૂર બન્યા છે.



આ પણ વાંચો: ધો.10નું પરિણામ તો જાહેર થયું પણ એડમિશન પ્રક્રિયા શરૂ ન થતા વાલીઓમાં મૂંઝવણ

આ મામલે સ્ટેશનરીનાં વેપારીઓ કહી રહ્યા છે કે, છેલ્લા કેટલાક વર્ષથી સ્કૂલો ખૂલવાની હોય ત્યારે પુસ્તકોની અછત સામાન્ય વાત બની ગઈ છે. ધોરણ 1થી 12ના પુસ્તક ક્યાંય મળતા નથી. વાલીઓ ત્રણ ત્રણ ધક્કા ખાય છે. ધોરણ-12 આર્ટ્સમાં જ 15 જેટલા વિષયો હોય છે. દરેક ધોરણના તમામ પુસ્તકો મળી રહે એવી સ્થિતિ હાલ નથી. 80 ટકા પુસ્તકો હાલ બજારમાં મળી રહ્યા નથી. અમે પુસ્તકો મંગાવી રહ્યા છીએ પરંતુ અમને આગળથી નવી નવી તારીખો મળી રહી છે. હજુ પુસ્તકો ક્યારે આવશે એવી કોઈ સ્પષ્ટતા અમારી પાસે પણ નથી.

મહત્વનુ છે કે માત્ર ખાનગી શાળાઓ નહીં, સરકારી શાળાઓમાં પણ બાળકો માટે પુસ્તકો પહોંચ્યા નથી. વિધાર્થીઓ કેવી રીતે ભણશે તે સૌથી મોટો પ્રશ્ન છે. આશા રાખીએ કે બહુ ઝડપથી સરકાર આ મામલે કોઈ વ્યવસ્થા કરશે અને બાળકોને પુસ્તકો મળશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: School, Students, ગુજરાત, શિક્ષણ

આગામી સમાચાર