અમદાવાદઃ હવે કોઈ પણ એપ્લિકેશનથી શોર્ટ ટર્મ લોન લેતા પહેલા ચેતવાની જરૂર છે. પોલીસ તેનું કામ કરી રહી છે પણ તેની સામે લોકોની જાગૃતિ પણ ખૂબ જરૂરી છે. કેમકે આવી લોન લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. આ બધી બાબતો વચ્ચે અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા પ્રો એક્ટિવ કામગીરી હાથ ધરી ફ્રોડ લોન એપ્લિકેશન અને વેબસાઇટ પર કાર્યવાહી કરીને આશરે ચાર હજાર જેટલી એપ અને વેબસાઇટને બંધ કરાવી છે.
ગુજરાત સહિત દેશભરમાં શોર્ટ ટર્મ લોન લેવા માટે અનેક અલગ અલગ એપ્લિકેશન માર્કેટમાં આવી છે. જેના દ્વારા સમાન્ય લોકો નાની રકમની લોન મેળવે છે પરંતુ આ લોકોને અંદાજો પણ નહિ હોય કે, આવી લોન તેઓને કેટલી મોંઘી પડી શકે છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમે હાલ એવી એપ્લિકેશન અને વેબસાઇટ શોધી છે કે, જે શોર્ટ ટર્મ લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહી હતી.
લોકો પણ લોન લેવાના ચક્કરમાં બેન્ક એકાઉન્ટ અથવા ડેટાને સામે ચાલીને લીક કરી રહ્યા હતા. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં રોજની સરેરાશ 5થી 8 અરજીઓ આવી રહી હતી કે, એપ્લિકેશન કે વેબસાઇટ મારફતે નજીવી રકમની લોન લીધા બાદ તેમનો મોબાઈલ ડેટા લીક થયો અને તેના ફોટો મોર્ફ કરી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા હતા. જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા આવી વેબસાઇટ અને એપ પર તપાસ શરૂ કરવામાં આવી અને તેના આધારે સાયબર ક્રાઇમે વધુ ચાર હજાર જેટલી એપ અને વેબ પર રોક લગાવી હોવાનું સાયબર ક્રાઇમના એસીપી જે. એમ. યાદવે જણાવ્યું છે. જોકે, આટલી મોટી માત્રામાં રોક લગાવવાની કામગીરી કરનાર અમદાવાદ સાઇબર ક્રાઇમ દેશમાં પ્રથમ પોલીસ મથક બન્યું હોવાનું પણ સામે છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે, અગાઉ છેલ્લા કેટલાક મહિનાઓથી જુદા જુદા પ્લેટફોર્મ પર ઇન્સ્ટન્ટ લોન અંગેની 400 કરતાં પણ વધારે જુદી જુદી લોન એપ્લીકેશનો અને વેબસાઇટો બંધ કરાવવામાં આવી હતી. જેના દ્વારા શોર્ટ ટર્મ લોન આપવાની લોભામણી જાહેરાતો આપી આ એપ્લીકેશનો જુદા જુદા લોકોને ડાઉનલોડ કરાવી શોર્ટ ટર્મ લોન ખુબજ સરળ પ્રોસીજરથી મેળવવાની લાલચ અપાતી હતી.
લોનની પ્રોસિજર કરાવી આ લોન એપ્લીકેશનો જેન્યુન હોવા બાબતની ગ્રાહકને ખાતરી થાય તે માટે જુદી જુદી એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોરમાં પણ વિવિધ કંપનીઓના નામે એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટમાં વિવિધ પ્રકારની લોન એપ્લીકેશનો મૂકતા હતા. જ્યારે કોઇ ગ્રાહકો શોર્ટ ટર્મ લોન મેળવે તો તેમને હેરેસમેન્ટ કરી લોનની રકમ કરતા વધુ રકમ મેળવી છેતરપીંડી કરાતી હતી.....આ સમગ્ર મામલાની તપાસમાં આશરે બીજી ચાર હજાર જેટલી એપ્લીકેશન વેબસાઇટ મળી આવતા તે એપ્લીકેશનો અને વેબસાઇટો બંધ કરાવવા માટેની તજવીજ સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરાઇ છે.
સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર જોવા મળતી વિવિધ શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનો જે ગેરકાયદેસર લોનનુ ધીરાણ ઓનલાઇન કરતી હોય છે તે એપ્લીકેશનો લોભામણી લાલચ આપી પર્સનલ ડેટાનો એક્સેસ એપ્લીકેશન ડાઉનલોડ સમયે જ મેળવી લઇ ગુપ્ત ડેટા તેમના સર્વર પર સ્ટોર કરી બ્લેકમેલ કરી પૈસા પડાવી સમાજમાં બદનામ કરવા જેવી પ્રવૃતિઓ કરી રહી છે. આવી શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનોથી સાવધ રહેવા પણ સાઇબર ક્રાઇમ લોકોને સલાહ આપે છે. આ તમામ એપ્લીકેશનો અને વેબસાઇટના સર્વર પણ દુબઇ અને ચાઇનામાં હોવાથી લોકોનો ડેટા ચાઇના પાસે પહોંચી ચૂક્યો હોવાનું પણ એક તબક્કે મનાઇ રહ્યું છે.
લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશનમાં ઇન્સ્ટોલ, વપરાશ તેમજ પેમેન્ટ કરતા પહેલા આ મુદ્દાઓ ધ્યાન રાખવા જરૂરી છે.
1 - વિવિધ પ્લેટફોર્મ પરથી ક્યારેય પણ લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી નહીં. 2 - લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે હંમેશા ગુગલ પ્લેસ્ટોરનો જ ઉપયોગ કરવો, પ્લેસ્ટોર પરથી જ્યારે એપ્લીકેશન ડાઉનલોડ કરો ત્યારે તેમના રીવ્યુ આર.બી.આઇ.રજીસ્ટર્ડ છે કે કેમ? તે બાબતે ગુગલ પર ઘણીબધી વેબસાઇટ પર કમ્પ્લેન રજીસ્ટર હોય છે તે ચકાસ્યા બાદ જ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી. 3 - એપ્લીકેશનો જ્યારે ઇન્સ્ટોલ કરો છો ત્યારે વિવિધ પ્રકારની પરમીશનો માંગવામાં આવે છે તે ખાસ ધ્યાન રાખવું. - કેમેરાની પરમીશન આપેલી હોય તો તે તમારો ફોટોગ્રાફ ગમે ત્યારે લઇને તમારી જાણ બહાર સર્વર પર મોકલી શકે છે. - એસ.એમ.એસ.ની પરમીશન આપેલ હોય તો તમારા બેંકીંગના મેસેજ રીડ તેમજ રન કરી શકે છે. - લોકેશનની પરમીશન આપેલ હોય તો તમારી દરેક હિલચાલ પર નજર રાખી શકે છે. - માઇક્રોફોનની પરમીશન આપેલ હોય તો આપણી એપ બંધ હોય તો પણ તમામ વાતચીત સાંભળી શકે છે. - કોન્ટેક્સની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલા તમામ કોન્ટેકસને પોતાના સર્વર પર સ્ટોર કરી શકે છે. - સ્ટોરેજની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલ ફોટા, એપ્સ, ગેલેરીમાં રહેલ તમામ ઇમેજીસ પોતાના સર્વર પર મેળવી લે છે. - એડ વોઇસ મેઇલ પરમીશન આપેલી હોય તો કોઇપણ એપ આપના ફોનમાં વોઇસ મેઇલ ઉમેરી શકે છે અને વોઇસમેઇલના આધારે વોઇસ મેઇલમાં આપેલ નંબર પર કોલ કરતા બેંક એકાઉન્ટમાં રહેલ નાણા વિડ્રો થઇ શકે છે.
4 - વિવિધ પ્લેટફોર્મ પરથી ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તે એપ્લીકેશનમાં નાણા ઇન્વેસ્ટ કરવા પ્રોસીજર કરો છો ત્યારે જુદા જુદા યુ.પી.આઇ. આઇ.ડી., બેંક એકાઉન્ટ તેમજ પેમેન્ટ ગેટવે જોવા મળે છે. જો આવી અલગ અલગ પ્રકારની યુ.પી.આઇ. આઇ.ડી, બેંક એકાઉન્ટ, પેમેન્ટ ગેટવે આવતા હોય તો તે એપ્લીકેશન ફ્રોડ હોવાનુ નક્કી થઇ શકે છે.
5 - ઇન્વેસ્ટમેન્ટ તેમજ ગેમીંગ એપ્લીકેશન થકી પ્રોફીટ થયેલા નાણા જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં પરત મેળવો છો ત્યારે પણ તમારા બેંક એકાઉન્ટમાં તપાસો કે તમે પ્રોફિટ સ્વરુપે મેળવેલ નાણા તે જ કંપનીના નામે આવે છે કે કેમ? તેની ચકાસણી કરો. જો અલગ અલગ એકાઉન્ટમાંથી નાણા આવતા હોય તો તે ફ્રોડ હોઇ શકે.
6 - કોઇ વ્યકિત દ્વારા તમને એવું કહેવામાં આવે કે, તમારું એકાઉન્ટ બેથી પાંચ દિવસ વાપરવા માટે અમોને આપો, અમે તમને એકાઉન્ટમાં જમા થયેલી રકમના બેથી પાંચ ટકા કમિશન આપીશુ, તો આવી લાલચમાં આવવું નહીં અને આવું કહેનાર સામે સાયબર ક્રાઇમની અંદર જાણ કરવી. કારણ કે, આવા વ્યકિતઓ તમારા એકાઉન્ટ દુરુપયોગ કરીને ફ્રોડના નાંણા મેળવી લે છે. અને ગમે ત્યારે બેંક ખાતા ધારક તરીકે તમારા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.
7 - વિવિધ પ્લેટફોર્મ પર ક્રિપ્ટો કરન્સી એપ્લીકેશનમાં ઉંચા વળતર આપવાના બહાને નાગરીકો પાસે પૈસા ભરાવડાવે છે અને તે પૈસા ક્રિપ્ટો કરન્સી થૂ ફ્રોડ વ્યકિત વિદેશમાં લઇ જતા હોય છે. જેથી આવી કોઇ ક્રિપ્ટો એપ્લીકેશનમાં પૈસા રોકાણ કરતા પહેલા તે એપ્લીકેશનના રીવ્યુ અને રજીસ્ટ્રેશન થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી.
" isDesktop="true" id="1308548" >
8 - વોટ્સએપ, ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હાલ હેક થવાના અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહેલ હોય જે તમારા મિત્રના હેક એકાઉન્ટ થકી જ્યારે તમને કોઇ મેસેન્જર કે પ્રોફાઇલ પર લોન એપ્લીકેશન, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન તેમજ ગેમીંગ એપ્લીકેશન જેવી જાહેરાતો મુકેલ હોય જેની અંદર ઉંચુ વળતર આપવાની લાલચ આપેલી હોય તો તે તમારો મિત્ર જ છે કે કેમ? તેને નોર્મલ કોલ કરી પુછપરછ કરી ખાત્રી થયા બાદ જ નાંણાનુ રોકાણ કરવું હિતાવહ છે.