Home /News /ahmedabad /અમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં આ સાત ભેજાબાજના 'કાંડ'ને યાદ રખાશે, બેંકને કરોડોનો ચૂનો લગાડ્યો

અમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં આ સાત ભેજાબાજના 'કાંડ'ને યાદ રખાશે, બેંકને કરોડોનો ચૂનો લગાડ્યો

સાઇબર ક્રાઇમ સાત લોકોની ધરપકડ કરી.

Ahmedabad News: ભેજાબાજો સેલેરી ખાતામાં પગાર પણ જમા કરતા હતા. જોકે, બાદમાં તે પગાર પોતે જ ઉપાડી લેતા હતા. જે બાદમાં આરોપીઓએ બોગસ કર્મચારીઓની સેલેરી સ્લીપના આધારે 142 ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હતી અને કાર્ડ મેળવી લીધા હતા.

અમદાવાદ: અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કદાચ બેંક ફ્રોડના ઇતિહાસમાં આ નવા જ પ્રકારની છેતરપિંડી હશે. આ ગુનામાં આરોપીઓએ બોગસ કંપની ખોલી હતી. જે બાદમાં તેમાં કર્મચારીઓ નિમ્યા હતા. આ કર્મચારીઓ પણ બોગસ હતા. આ મોડસ ઓપરેન્ડી (Modus operandi)થી બેંક પણ વાકેફ નથી. જ્યારે આ મામલે એક્સિસ (Axis Bank)ને ખબર પડી તો તાત્કાલિક પોલીસની મદદ લીધી હતી. પોલીસે બેંકની અરજીના આધારે તપાસ શરૂ કરી તો અનેક માહિતી સામે આવી હતી. આ કેસમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભેગા મળીને અત્યારસુધીમાં બેંક સાથે 1 કરોડ 13 લાખ 72 હજારની છેતરપિંડી કરી છે. આ મામલે હજુ વધારે તપાસ ચાલી રહી છે.

વિગતવાર વાત કરીએ તો આરોપીઓ દ્વારા વર્ષ 2019થી અલગ અલગ કંપની ખોલવામાં આવી હતી. આ કંપનીઓના નામ મેડિક લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ, જાયન્ટ સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને મેડી ઓનસ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ છે. આ કંપનીઓમાં કોઈ પણ કર્મચારીઓ કામ કરતા ન હતા પરંતુ ભેજાબાજોએ આ કંપનીમાં કર્મચારીઓ કામ કરતા હોવાનું જણાવી અમદાવાદ અને રાજ્યમાં અલગ જગ્યા સેલેરી એકાઉન્ટ ખોલાવ્યા હતા.

સેલેરી જમા કરી


ભેજાબાજો આ સેલેરી ખાતામાં પગાર પણ જમા કરતા હતા. જોકે, બાદમાં તે પગાર પોતે જ ઉપાડી લેતા હતા. જે બાદમાં આરોપીઓએ બોગસ કર્મચારીઓની સેલેરી સ્લીપના આધારે 142 ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હતી અને કાર્ડ મેળવી લીધા હતા. જે બાદમાં આ કાર્ડ અલગ અલગ સ્વાઇપ મશીનમાં ઘસીને કુલ 1.13 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ અભણ વ્યક્તિઓને કર્મચારી બતાવીને તેમની જાણ બહાર સેલેરી સ્લીપથી બેંક એકાઉન્ટ ખોલાવી લીધાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ફ્લાઈટમાં આવી ATM મશીન સાથે ચેડા કરી છેતરપિંડી આચરતા, મેવાતી ગેંગની ધરપકડ

અભણ મહિલાને બનાવી વેબ ડેવલપર!


બેંકને શંકા પડતા તેણે મેડિક સાયન્સમાં કામ કરતી અરુણબેન ગોવિંદભાઈને ફોન કરીને પૂછપરછ કરી હતી. બેંક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેઓ આવી કોઈ કંપનીમાં નોકરી નથી કરતા. આ ઉપરાંત એક્સિસ બેંકમાં ખાતું પણ ન હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, ભેજાબાજોએ આ મહિલાને પોતાની કંપનીમાં વેબ ડેવલપર તરીકે બતાવ્યા હતા. હકીકતમાં આ મહિલા અભણ છે!

પોલીસ તપાસમાં એવી પણ વિગત સામે આવી છે કે મેડિક લાઇફ કંપની કાર્યરત જ નથી. એટલે કે ભેજાબાજોએ આખી બોગસ કંપનીઓ જ ઊભી કરી હતી. જે બાદમાં બેંકને પોતાના કર્મચારીઓ માટે કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવવાની અરજી કરી હતી. એકાઉન્ટ ખુલી ગયા બાદ સેલેરી સ્લીપના આધારે કર્મચારીઓના નામ ક્રેડિટ કાર્ડ મેળવીને આ કાર્ડને અલગ અલગ જગ્યાએ સ્વાઇપ કરી લીધા હતા.

ઝડપાયેલા આરોપી


1) નિખિલ પટેલ
2) ગૌરવ પટેલ
3) જયેશ મકવાણા
4) પ્રતીક પરમાર
5) જીગર પંચાલ
6) ચીમન ડાભી
7) પાર્થ પટેલ
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CYBER CRIME, અમદાવાદ, ગુનો, પોલીસ