Home /News /ahmedabad /કરોડો રૂપિયાની કબૂતરબાજીનો રેલો ભાજપ સુધી પહોંચ્યો, ACBને તપાસ સોંપાય તેવી શક્યતા
કરોડો રૂપિયાની કબૂતરબાજીનો રેલો ભાજપ સુધી પહોંચ્યો, ACBને તપાસ સોંપાય તેવી શક્યતા
લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો - ફાઇલ તસવીર
Scam of Gujarat: કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા પછી ભાજપના નેતાઓ તથા કાર્યકરોની પણ સાંઠગાંઠ બહાર આવતા હવે સમગ્ર મામલો પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી પહોંચ્યો છે.
ગાંધીનગરઃ કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા પછી ભાજપના નેતાઓ તથા કાર્યકરોની પણ સાંઠગાંઠ બહાર આવતા હવે સમગ્ર મામલો પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી પહોંચ્યો છે. ભાજપના હાઇકમાન્ડમાંથી સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે. તેને પગલે ભાજપના પ્રદેશના એક નેતાને ભર શિયાળે પરસેવો વળી ગયો છે!
આ નેતા પોતાના બચાવ માટે લોબિંગ કરી રહ્યા છે. ખાસ કરીને, કબૂતરબાજીના તાર હવે કમલમ્ કાર્યાલય સુધી પહોંચ્યા હોવાના મીડિયા રિપોર્ટ બાદ પીએમઓમાંથી ડિટેઈલ રિપોર્ટ મંગાવ્યો છે. રાજ્યમાં 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ ઘટનાને પગલે સરકારની છબિ ખરડાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
તપાસના અંતે નજીકના ભવિષ્યમાં મોટો રાજકીય ધડાકો થાય તેવી શક્યતા છે. કબૂતરબાજીની તપાસનું હવે પીએમઓ દ્વારા સીધું મોનીટરિંગ થઇ રહ્યું છે. ભાજપ પ્રદેશના આઈટી સેલ તથા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કેટલાક કાર્યકરો પણ નકલી વિઝા કૌભાંડના ધરપકડ કરાયેલા બે માફિયા તત્વો સાથે સીધા સંકળાયેલા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
નિર્લિપ્ત રાયની ધમકીથી ડીજીપીએ દરખાસ્ત મંજૂર કરી
ફેસબુક પર આ કાર્યકરોએ પોતાની તસવીરો પણ મૂકી હતી. તે હવે હટાવી લેવામાં આવી છે. નકલી વિઝા કૌભાંડના માફિયાઓ પોતાના પડખે ભાજપના પ્રદેશના સંગઠ્ઠનના નેતા તથા અગ્રણી કાર્યકરોને જોડે રાખતા હતા. કારણ કે, જરૂર પડે અને નેતાઓની ધરપકડ કરવા પોલીસ આવે ત્યારે ઉપયોગ કરી શકાય. જો કે, સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય સામે કોઈની ભલામણ ચાલતી નથી. ત્યારે તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યુ હતુ કે, ‘જો જવાહર દહિયાને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો બીજા દિવસે ઓફિસમાં પણ નહીં આવે’. ત્યારે દહિયાને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ડીજીપીએ સહી કરી હતી. ત્યારે હવે આ સમગ્ર ભ્રષ્ટાચારના આક્ષેપોની તટસ્થ તપાસ એસીબીને સોંપાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યુવકો-યુવતીઓ કબૂતરબાજીમાં સંડોવાયેલી આ ગેંગને કરોડો રૂપિયા ચૂકવીને અમેરિકા ભેગા થઈ ગયા છે. જેમાં ડિંગુચાના પરિવારને કેનેડાથી અમેરિકા મોકલવાના કૌભાંડમાં સંડોવાયેલો વિઝા માફિયા પણ પોલીસન હાથે ઝડપાયો છે. બોબી પટેલ તથા યોગેશ પટેલની સાથે સંકળાયેલા વિઝા કૌભાંડના સાગરિતો પાસેથી અંદાજિત 30 કરોડની રકમનો તોડ થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ હવે એસીબીને સોંપાય તેવી સંભાવના છે.