Home /News /ahmedabad /ગોધરાકાંડના ગુનેગારને 17 વર્ષ બાદ SCએ આપ્યા જામીન, લોકો ટ્રેનમાંથી ઉતરી ન શકે તે માટે કર્યો હતો પથ્થરમારો
ગોધરાકાંડના ગુનેગારને 17 વર્ષ બાદ SCએ આપ્યા જામીન, લોકો ટ્રેનમાંથી ઉતરી ન શકે તે માટે કર્યો હતો પથ્થરમારો
ગોધરાકાંડ: લોકો ટ્રેનમાંથી ન ઉતરે તે માટે પથ્થરમારો કરનારને મળ્યા જામીન
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચ પર પથ્થરમારો કરવા બદલ ફારૂક સહિત અન્ય ઘણાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુનો માનવામાં આવે છે, પરંતુ ઉપરોક્ત કિસ્સામાં મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનના કોચને અલગ કરીને તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે 2002ના ગોધરા ટ્રેન કોચ સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક દોષિતને જામીન આપ્યા હતા અને કહ્યું હતું કે, તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે દોષિત ફારૂક માટે હાજર રહેલા વકીલની દલીલ સ્વીકારી હતી કે, તેણે (ફારૂક) જેલમાં જે સમયગાળો વિતાવ્યો છે તેને ધ્યાનમાં રાખીને તેને જામીન આપવામાં આવે. આ કેસમાં અનેક દોષિતોની સજા સામે દાખલ કરાયેલી અપીલો સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ, ગુજરાત સરકાર તરફથી હાજર થતાં જણાવ્યું હતું કે, તે "સૌથી જઘન્ય અપરાધ" હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને દોષિતોની અરજીઓ વહેલી તકે સાંભળવી જરૂરી છે. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચ પર પથ્થરમારો કરવા બદલ ફારૂક સહિત અન્ય ઘણાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મહેતાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પથ્થરમારાને નાની પ્રકૃતિનો ગુનો માનવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનના કોચને અલગ કરીને તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
છેલ્લી સુનાવણીમાં પણ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દોષિતોના જામીનનો વિરોધ કર્યો હતો. તુષાર મહેતાએ આ આગની ઘટનામાં પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી હતી, કારણ કે તેમના કારણે જ મુસાફરો સળગતી ટ્રેનમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને બળીને ખાખ થઈ ગયા હતા. પથ્થરબાજોનો ઈરાદો એ હતો કે સાબરમતી એક્સપ્રેસની સળગતી બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા અંદર જઈ શકે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સિવાય ફાયર બ્રિગેડના જવાનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચમાં આગ લાગી હતી.
આ ટ્રેન આગમાં 59 મુસાફરોના મોત થયા હતા. આ પછી રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ જઘન્ય અપરાધમાં સામેલ તમામ ગુનેગારોમાં ઘણા પથ્થરબાજો પણ હતા. તેણે લાંબો સમય જેલમાં વિતાવ્યો છે. તેથી આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર મુક્ત કરી શકાય છે. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને ખાતરી આપી હતી કે, તે દરેક ગુનેગારની ભૂમિકાની તપાસ કરશે. સરકાર એ પણ જોશે કે શું આ સ્થિતિમાં કેટલાક લોકોને જામીન પર મુક્ત કરી શકાય છે? સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 15 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.