અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો: જેને ઘરમાં આશરે આપ્યો તેણે જ સગીર દીકરીને હવસનો શિકાર બનાવી
અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો: જેને ઘરમાં આશરે આપ્યો તેણે જ સગીર દીકરીને હવસનો શિકાર બનાવી
સરદાર નગર પોલીસે વધુ તપાસ આદરી (પ્રતીકાત્મક તસવીર)
Ahmedabad News: 12 વર્ષની કિશોરીને નરાધમ યુવક મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બહાર લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ધમકી આપી ફરી દુષ્કર્મ આચર્યું
અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક નરાધમે 'દયા ડાકણને ખાય' એ કહેવતને સાર્થક સાબિત કરતા બનાવને અંજામ આપ્યો છે. સરદારનગર વિસ્તારમાં રહેતી મહિલાએ જે યુવકને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો તેણે જ ફરિયાદીની 12 વર્ષની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જોકે, જાનથી મારી નાખવાનીની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ભાંડો ફૂટી જતાં અંતે તેણે જેલના સળિયા પાછળ ધકેલાઈ જવાનો વખત આવ્યો છે.
સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશન (Sardar Nagar police station)માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી મહિલાના કૌટુંબિક નણંદની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને તેનો દીકરો કોઈ પણ કામ ધંધો ન કરતો હોવાથી છેલ્લા 5 મહિનાથી તેણીએ તેને પોતાના ઘરે કામ પર રાખ્યો હતો. આરોપી છોકરાઓને લાવવા મૂકવાનું તેમજ કરીયાણુ લાવવાનું કામ કરતો હતો. કેટલાક દિવસ અગાઉ આરોપી યુવકે ફરિયાદી મહિલાની 12 વર્ષની દીકરીને ઘરની બહાર મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બોલાવી હતી અને તે સમયે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
એટલું જ નહિ, આ નરાધમે સગીરાને બીજા દિવસે પણ ફોન કર્યો હતો. જોકે, સગીરાએ ફોન ન ઉપાડતા ત્રીજા દિવસે સગીરાને પોતાની સાથે વાત કેમ નથી કરતી તેવું કહીને પોતે બોલાવે ત્યારે મળવા નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે ગભરાયેલી કિશોરી આરોપીને મળવા ઘરની બહાર ગઈ હતી અને તે સમયે પણ આરોપીએ બીજી વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
જોકે, ત્રીજી વાર જ્યારે આરોપીએ સગીરાને પોતાની પાસે બોલાવી ત્યારે ઘરમાં અવાજ થતા ફરિયાદી મહિલાનો દીકરો ઉઠી ગયો હતો. તેણે માતાને જગાડતા તેઓએ બહાર જઈને જોયું તો આરોપી તેની દીકરીના કપડાં ઉતારતો હતો. આ દ્રશ્ય જોઈને મહિલાના હોશ ઉડી ગયા હતા. આરોપી ફરિયાદી મહિલાને જોઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી
આ દરમિયાન ફરિયાદી મહિલાએ દીકરીની પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જે નણંદના દીકરાને તેઓએ ઘરમાં આશરો આપી કામ આપ્યું તેણે જ પોતાની માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવી છે. હાલમાં પોલીસે આરોપી અને ભોગ બનનારની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર