અમદાવાદ : હાલમાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારીનું (Ahmedabad Corona Case)સંક્રમણ સતત વધી રહ્યું છે. આ રોગથી સંક્રમિત થયેલ અને હળવા લક્ષણો ધરાવતાં મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહેલા છે. આવા દર્દીઓની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત “સંજીવની કોરોના ઘર સેવા" ટીમ સમયાંતરે મુલાકાત લઇ તેઓની તબિયતનું ચેકીંગ કરે છે, જરૂરી વાઇટલ ચકાસે છે અને જરૂરિયાત મુજબ દવાઓ પૂરી પાડવામાં આવે છે અને જરૂર જણાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા બાબતે સલાહ પણ આપવામાં આવે છે.
‘સંજીવની ટેલી મેડિસીન’સેવા શરૂ
આમ છતાં જો કોઇ દર્દીને તબીબી સેવાના માર્ગદર્શન બાબતે જરૂરિયાત ઉભી થાય તો તે માટે આજે આરોગ્યમંત્રી તથા પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં તેઓની સૂચના અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સંજીવની ટેલી મેડિસીન’સેવા શરૂ કરવામાં આવેલ છે. જેનો ટેલિફોન નંબર 14499 છે જેના ઉપર સંપર્ક કરવાથી જે તે દર્દીને કોરોનાની સારવાર બાબતે હેલ્પ સેન્ટરમાં કાર્યરત ડોકટરોની ટીમ દ્વારા જરૂરી પૂછપરછ કરી વિગતો મેળવવામાં આવશે.
તબીબી સલાહ અને માર્ગદર્શન ટેલિફોન પર આપવામાં આવશે. આ સેવા કોરોના પોઝિટિવ આવેલા અને હોમ આઇશોલેશનમાં રહેલ દર્દીઓ માટે છે. જે આજથી જ કાર્યરત થશે અને સદરહુ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે. અમદાવાદ શહેરના નાગરિકો કે જેઓ કારોના પોઝિટિવ છે અને તબીબી સલાહ–માર્ગદર્શનની જરૂરિયાત છે તેઓ આ હેલ્પલાઇન પર ફોન કરી ડોકટરનું વિના મૂલ્યે કન્સલટેશન મેળવી શકશે.
અમદાવાદ શહેરમાં 2311 નવા કેસ
મહત્વનું છે કે 7 જાન્યુઆરીએ 5396 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2311 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 18 હજારને પાર એટલે કે 18583 પર પહોંચ્યો છે. જ્યારે 19 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું સામે આવ્યું છે. જ્યારે 1158 દર્દીઓ સાજા થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
નવા 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા
અમદાવાદમાં નવા 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોન,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં નવા નોંધાયેલા 2281 કેસ પૈકી 1860 નવાં કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમરસ સેન્ટર શરૂ કરવા તૈયારીઓ શરુ કરી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. નવા 21 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી પશ્ચિમ વિસ્તારના 19 સ્થળોનો સમાવેશ થાય છે. કોરોનાનાં દર્દીઓને સારવાર આપવા માટે કોરોનાની બીજી લહેર સમયે સમરસ કોવિડ કેર સેન્ટર મ્યુનિ.દ્વારા શરુ કરવામાં આવ્યા હતા. તેવા સમરસ કોવિડ કેર સેન્ટર શરુ કરવા ફરી તૈયારીઓ શરુ કરાઈ છે.