અમદાવાદ: શહેરમાં સ્કૂટર લઈને જતી યુવતીની પજવણી કરીને તેણીને ઈજા પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલકે ઇસ્કોનથી સાણંદ (Sanand) તરફ જતી એક્ટિવા ચાલક યુવતીનો પીછો કર્યો હતો અને ગાડીની ટક્કર મારીને નીચે પાડી દીધી હતી. બાદમાં બળાત્કાર કરવાની અને ચીરી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવતીએ પોતાના સંબંધીને ફોન કરવાનો પ્રયાસ કરતા આરોપીએ તેણીનો મોબાઇલ (Mobile) પણ તોડી નાખ્યો હતો. બનાવ બાદ યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ (Private hospital)માં ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે કાર નંબરના આધારે યુવતીની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે ગત મોડી સાંજે ઇસ્કોન (ISKCON temple)થી સાણંદ તરફ જઈ રહેલી એક્ટિવા ચાલક યુવતીનો એક કાર ચાલકે પીછો કર્યો હતો. યુવતી એક્ટિવા ધીમું ચલાવે તો કાર ચાલક કાર ધીમે ચલાવતો હતો અને યુવતી સ્કૂટર સ્પીડમાં ચલાવે તો આરોપી યુવક પણ કાર સ્પીડમાં ચલાવતી હતો.
સાડા આઠ વાગ્યાની આસપાસ યુવતી તેલાવ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પહોંચતા જ કાર ચાલકે યુવતીને ટક્કર મારી નીચે પાડી દીધી હતી. જે બાદમાં લોકો એકઠા થઈ ગયા હતા અને યુવતીને ઊભી કરી હતી. બીજી તરફ કાર ચાલક પણ ત્યાં આવી પહોંચ્યો હતો.
યુવતીએ કાર ચાલકને પીછો કરવાનું કારણ પૂછતા તે કહેવા લાગ્યો હતો કે, "તું રોંગ સાઈડમાં કેમ આવે છે?" આવું કહીને યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી યુવતીને બીભત્સ ગાળો બોલીને બે ત્રણ લાફા મારી દીધા હતા. આટલું જ નહીં, યુવતીને ધક્કો મારીને કારની પાછળની શીટમાં નીચે પાડી દઈને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન યુવાને ધમકી આપી હતી કે, "તને બહુ ચરબી ચડી છે, તને અહીં જ ચીરી નાંખીશ, તારા પર રેપ કરીશ."
યુવતીના અપહરણનો પ્રયાસ
યુવતીએ પોતાના સંબંધીને ફોન કરવાનો પ્રયાસ કરતા યુવકે તેની પાસેથી ફોન આચકીને નીચે પછાડીને તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, યુવકે તેના પાંચથી છ મિત્રોને પણ બોલાવી લીધા હતા. તમામ લોકોએ યુવતીના અપહરણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
યુવતીએ કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા આરોપીએ ધક્કો મારી કારમાં નીચે પાડી દીધી હતી. સાથે જણાવ્યું હતું કે, "તું મને ઓળખતી નથી, હું કોણ છું." આ દરમિયાન યુવતીએ તેમના સંબંધીને જાણ કરતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. બાદમાં યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કાર ચાલકની કારના નંબરના આધારે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર