મસ્કતથી બાંગ્લાદેશ જતી સલામ એરની ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. મુસાફરની તબિયત લથડતા તેને સમયસર સારવાર મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદઃ મસ્કતથી બાંગ્લાદેશ જતી સલામ એરની ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. બાંગ્લાદેશના નાગરિક મોહમ્મદની પ્રવાસ દરમિયાન અચાનક જ ફ્લાઈટમાં સવાર મુસાફરને શ્વાસ લેવામાં તકલીફ પડતા બૂમાબૂમ કરતા ફ્લાઈટના ઓનબોર્ડ ક્રૂ મેમ્બર્સ દોડી આવ્યા હતા અને અન્ય પેસેન્જર પણ ગભરાઈ ગયા હતા. પેસેન્જરને ફ્લાઈટમાં પ્રાથમિક મેડિકલ સારવાર અને ઓક્સિજન માસ્ક લગાવ્યા બાદ પણ તબિયતમાં સુધારો થયો ન હતો. જેને કારણે નજીકના એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, મુસાફર મોહમ્મદની વધુ તબિયત લથળે તે પહેલાં જ મેડિકલ સારવાર મળી જાય તે જરૂરી હતું અને ફ્લાઈટમાં અન્ય પણ મુસાફરો હતા. પરંતુ બધાને એક જ ચિંતા કરતા હતા કે, ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ જાય અને તાત્કાલિક સારવાર મળી જાય.
મુસાફરની તબિયત અચાનક જ બગડી
મળતી માહિતી પ્રમાણે, મોહમ્મદ નામના મુસાફરને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ફ્લાઈટના ક્રૂ મેમ્બરે કેપ્ટનને જાણ કરી હતી. ત્યારબાદ સૌથી નજીક અમદાવાદ એરપોર્ટ હતું. તેને કારણે અમદાવાદ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલમાં મેડિકલ ઇમરજન્સી મેસેજ આપવામાં આવ્યો હતો. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી મળતા ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ લેન્ડિંગ થતા જ મુસાફર મોહમ્મદને અમદાવાદ એરપોર્ટથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર બાદ તબિયત વધુ લથડી
સલામ એર ફ્લાઇટમાં મોહમ્મદ એકલો જ પ્રવાસ કરી રહ્યો હતો. મોહમ્મદ સાથે તેમના પરિવાર કે અન્ય સ્વજન કોઈ ન હતું. ત્યારે તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પાસપોર્ટના આધારે તેના પરિવારની વિગત કાઢી સંપર્ક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તબિયત વધુ ખરાબ થઈ રહી હતી.