Home /News /ahmedabad /ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે થઈ, રિવરફ્રન્ટ વોક વે બંધ
ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે થઈ, રિવરફ્રન્ટ વોક વે બંધ
રિવરફ્રન્ટ (Shutterstock તસવીર)
Dharoi Dam: સંત સરોવર અને હેઠવાસના 10 ગામ ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર: ધરોઈ ડેમ (Dharoi Dam) અને લાકરોડા બેરેજ (Lakroda barrage)માંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી (Sabarmati River) બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે પરોઢે પાંચ વાગે ૫,૫૪૮ ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. પરંતુ લાકરોડા બેરેજમાંથી ૬૬,૨૧૫ ક્યુસેક્સ પાણી છોડાતાં સંત સરોવર (Sant Sarovar) પાસે સવારે 7.30 પછી આ મોટી માત્રામાં પાણી આવવાની સંભાવના છે. ત્યારે સંત સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલીને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવશે.
આજે સવારે 5.00 વાગ્યે ધરોઈ ડેમમાંથી ૩૯,૦૫૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે ધરોઈના ઉપરવાસમાં પાણીની આવક ઓછી થઈ છે. ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામ ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે. સલામતી અને સાવચેતીના પગલાં માટે અમદાવાદના વહીવટી તંત્રને પણ તાકીદ કરવામાં આવી છે.
બીજી તરફ ગુજરાતની જીવાદોર સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારે થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને 135.20 મીટર થઈ છે. ડેમમાં હાલ 7 લાખ 45 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી છે. ડેમના કુલ 23 દરવાજા 3.5 મીટર સુધી સતત ચાર દિવસથી ખુલ્લા છે. સરદાર સરોવર ડેમમાંથી કુલ 5 લાખ 60 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. પાણી છોડવમાં આવતા ડેમના તમામ પાવર હાઉસ શરૂ કરવામાં આવ્યા છે.
ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી ગુરુવારે સવારે નવ વાગ્યાની આસપાસ અમદાવાદ સુભાષબ્રિજ સુધી પહોંચવાની શક્યતા છે. જેના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક વે જનતા માટે બંધ કરાયો છે. સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.