ગુજરાતના ચીફ સેક્રેટરી પદે રાજકુમારે ચાર્જ સંભાળતા તેમની બદલીથી ખાલી પડેલા બે વિભાગ તેમજ એક સિનિયર મોસ્ટ અધિકારીને સચિવાલયની બહાર જાહેર સાહસમાં નિયુક્તિ આપવામાં આવતા તેમના વિભાગનો ચાર્જ અન્ય ત્રણ અધિકારીને આપવામાં આવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતના ચીફ સેક્રેટરી પદે રાજકુમારે ચાર્જ સંભાળતા તેમની બદલીથી ખાલી પડેલા બે વિભાગ તેમજ એક સિનિયર મોસ્ટ અધિકારીને સચિવાલયની બહાર જાહેર સાહસમાં નિયુક્તિ આપવામાં આવતા તેમના વિભાગનો ચાર્જ અન્ય ત્રણ અધિકારીને આપવામાં આવ્યો છે.
ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને અને ઉદ્યોગ વિભાગનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણીને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચાયત વિભાગનો વધારાનો ચાર્જ રૂરલ ડેવલપમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી સોનલ મિશ્રાને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જયાં સુધી અન્ય અધિકારીને ટ્રાન્સફર કરીને આ હોદ્દા પર નહીં ખસેડાય ત્યાં સુધી આ જગ્યાઓ ચાર્જ પર ચાલશે. વિધિવત રીતે ટ્રાન્સફર્સ આગામી બજેટ સત્ર પછી આવશે. ત્યાં સુધી આ ખાલી પડેલી જગ્યાઓ ચાર્જ પર જ ચલાવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
રાજકુમાર ચીફ સેક્રેટરી થતાં સ્વાભાવિક પણે જ તેમનાથી સિનિયર બાબતે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. તેમનાથી સિનિયર એવા આઇએએસ ઓફિસર અને પંચાયત વિભાગમાં ફરજ બજાવતા અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાની બદલી ભરૂચ સ્થિત જીએનએફસીના ચેરમેન તરીકે કરવામાં આવી છે. રાજ્ય સરકારે અન્ય બે અધિકારીઓની પણ બદલી કરી છે, જે પૈકી ડાંગના કલેક્ટર ડી.જે. જાડેજાને ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડાંગ જિલ્લાના ડીડીઓ ડો. વિપિન ગર્ગને ડાંગના કલેક્ટરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
ગુજરાતના 1997ની બેચના મહિલા આઇએએસ સોનલ મિશ્રાનું દિલ્હી ડેપ્યુટેશન થયું છે. આજે જ ગુજરાત સરકારે તેમને પંચાયત વિભાગનો વધારાનો હવાલો સોંપ્યો છે. ભારત સરકારે તેમની નિમણૂક મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનિયોરશીપમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે કરી છે. તેમની આ નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.