Home /News /ahmedabad /VIDEO: કમોસમી વરસાદથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી, જેતપુરમાં પણ વરસાદ

VIDEO: કમોસમી વરસાદથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી, જેતપુરમાં પણ વરસાદ

રાજકોટમાં ઘઉંની જણસ પલળી

ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

અમદાવાદઃ ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

રાજકોટમાં માર્કેટ યાર્ડમાં ઘઉં અને અન્ય ઘણી જણસ પલળી છે. ખેડૂતો પાસેથી વેપારીઓએ ખરીદેલી જણસ પલળી ગઈ છે. કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં પાકને પણ નુકસાન થયું છે. ત્યારે જણસ પલળવા મામલે વેપારીઓ, દલાલો અને યાર્ડ સત્તાધીશોની બેઠક યોજવામાં આવી છે. અને ત્રણ દિવસની આગાહીને લઈને જણસ ખરીદવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.


સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદ


સુરેન્દ્રનગરમાં પણ ભરઉનાળે ચોમાસુ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ફરી એકવાર ગ્રામ્ય વિસ્તાર સહિત આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારમાં વરસાદને કારણે વીજળી ગુલ થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસમાં ચોથી વાર કમોસમી વરસાદથી ઘઉં, વરીયાળી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે.


જેતપુરમાં ગાજવીજ સાથે વરસાદ


રાજકોટના જેતપુર શહેર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે ત્રણ દિવસ પહેલાં યાર્ડમાં ખેડૂતોની જણસ પલળી ગઈ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નહોતું. ત્યારે આજે ફરીવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોની જણસ પર પાણી ફરી વળ્યું હતું.

માલની જવાબદારી યાર્ડનીઃ ચેરમેન


ખુલ્લા મેદાનમાં મરચાની ભરીઓ, ઘઉં, ધાણા સહિતનો પાક વરસાદમાં પલળી ગયો હતો. જેને લઈને ખેડૂતોને બેવડો માર પડ્યો છે અને દયનીય સ્થિતિમાં મૂકાઈ ગયા છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં માલ પલળવા મુદ્દે ચેરમેને નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ‘સવારે જ માલની હર્રાજી થઈ ગઈ છે. તેથી ખેડૂતોનો માલ નથી પલળ્યો. ખેડૂતોના માલની જવાબદારી યાર્ડની છે.’


ધોરજીમાં પણ માર્કેટિંગ યાર્ડની બેદરકારી


રાજકોટના ધોરાજી તાલુકામાં પણ માવઠાની આગાહી વચ્ચે માર્કેટિંગ યાર્ડની બેદરકારી સામે આવી છે. ધોરાજીમાં કમોસમી વરસાદ થતા સતત બીજીવાર ઘઉંની જણસ પલળી છે. યાર્ડમાં સેડની નીચે જણસ રાખવાની જગ્યા ના હોવાથી ખુલ્લા મેદાનમાં ઘઉં રાખવામાં આવ્યા હતા. ત્યારે ખેડૂતોની જણસને સલામત સ્થળે ખસેડવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવતી ત્યારે ખેડૂતોની જણસ પલળી ગઈ હતી. બે દિવસ અગાઉ પણ કમોસમી વરસાદથી ઘઉં પલળી ગયા હતા. ત્યારે ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
First published:

Tags: Gujarat Unseasonal Rain, Unseasonal rain