AMCની ભરતીમાં મહિલા અનામતનો અમલ ન થતો હોવાના આક્ષેપ સાથે જાહેરહિતની અરજી

News18 Gujarati
Updated: November 19, 2019, 10:59 PM IST
AMCની ભરતીમાં મહિલા અનામતનો અમલ ન થતો હોવાના આક્ષેપ સાથે જાહેરહિતની અરજી
જુલાઇમાં કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ડ મ્યુ. કમિશ્નરની ૧૦ પોસ્ટની ભરતી માટેની જે જાહેરાત બહાર પાડવામાં આવી

જુલાઇમાં કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ડ મ્યુ. કમિશ્નરની ૧૦ પોસ્ટની ભરતી માટેની જે જાહેરાત બહાર પાડવામાં આવી

  • Share this:
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમયાંતર થતી વિવિધ પોસ્ટ માટેની ભરતીઓમાં મહિલા અનામતનો અમલ નહીં થતો હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં જુલાઇમાં કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ડ મ્યુ. કમિશ્નરની ૧૦ પોસ્ટની ભરતી માટેની જે જાહેરાત બહાર પાડવામાં આવી છે, એમાં મહિલા અનામતનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ સમગ્ર મામલે પુરતી અને જરૂરી માહિતી મેળવવાનો સમય આપી કેસની સુનાવણી શુક્રવારના રોજ મુકરર કરી છે.

મહિલાઓના સશક્તિકરણ અને તેમને સમાન અધિકારો આપવાના દાવા સરકારો દ્વારા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર તેનાથી કંઇક અલગ હોવાનું દર્શાવતી આ જાહેરહિતની અરજી સામે આવી છે. જેમાં અરજદાર દ્વારા એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, સામાન્ય રીતે કોઇ પણ ભરતી થાય તો તેમાં કેટેગરી વાઇઝ મહિલા અનામત રાખવાની કાયદેસરની જોગવાઇ છે. ગુજરાત સર્વિસ રૂલ્સ મુજબ મહિલાઓને વિવિધ ભરતીઓમાં મહિલાઓ માટે જગ્યા અનામત રાખવાની હોય છે. ભાવનગર, રાજકોટ, સુરત જેવી મહાનગરપાલિકાઓમાં થતી ભરતીઓમાં મહિલા અનામત રાખવામાં આવે છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમોનો અમલ કરતી નથી. જેનું તાજુ ઉદાહરણ જુલાઇ મહિનામાં ૧૦ આસિસ્ટન્ટ મ્યુ. કમિશ્નરની ભરતી માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત છે. આ જાહેરાતમાં મહિલા અનામત માટેનો કોઇ ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી. આ રીતે મહિલાઓને સમાન અધિકાર આપવાની ભાવનાનો પણ ભંગ થાય છે અને કાયદાથી વિપરીત કાર્યવાહી કરવામાં આવે છે.

આ પ્રકારના આક્ષેપ ઉપરાંત અરજદાર પક્ષે એવો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે, વર્ષ ૨૦૧૯માં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વિવિધ હોદ્દાઓ માટેની જે ભરતી કરવામાં આવી હોય અને તેમાં જો મહિલા અનામતનો અમલ કરવામાં ન આવ્યો હોય તો તે ભરતીઓને રદ કરવામાં આવે. આ કેસમાં તંત્રની રજૂઆત હતી કે મહિલા અનામતનો અમલ કાયદા મુજબ જ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, અરજદાર જે ભરતીમાં મહિલા અનામતનો અમલ ન થવાનો દાવો કરી રહ્યા છે તેમાં કંડિશન એટલે કે શરત મુકવામાં આવી છે કે મહિલા અનામતનો અમલ થશે. તેથી અરજદારની રજૂઆત છે કે આવી રીતે ભરતીની જાહેરાતમાં શરત મુકીને અનામતનો અમલ થાય એ જરૂરી નથી. હવે આ સમગ્ર મામલે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
First published: November 19, 2019
વધુ વાંચો
अगली ख़बर