અમદાવાદ: દેશમાં ચાલી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિના પડઘા અમદાવાદમાં પણ પડયા છે. આ મામલે અમદાવાદમાં વિરોધ થયો છે. ગુજરાત શીખ સમાજ દ્વારા ખાલિસ્તાની પ્રવૃત્તિને વખોડી કાઢવામાં આવી અને વિદેશમાં ભારતીય તિરંગાના અપમાન મામલે પણ શીખ સમાજે રોષ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને કલેકટરને આવેદન પત્ર આપ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં આ પ્રકારે ખાલિસ્તાની પ્રવૃતિનો વિરોધ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
'શીખ સમાજ માટે ભારત દેશનો તિરંગો સર્વોપરી છે'
ગુજરાતમાં રહેતા શીખ સમાજ પોતાની એકતા અને અખંડિતતા દર્શાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખાલિસ્તાની પ્રવૃતિ સામે વિરોધ ઉઠાવ્યો છે. શીખ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પરમજીત કૌર છાબડાએ જણાવ્યું કે, શીખ ધર્મ હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર રહ્યું છે અને દેશના નાગરિક તેમજ ભારતીય હોવાનો અમને ગર્વ છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા અને વિશ્વ કે અન્ય દેશોમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની ઘોર નિંદા શીખ સમાજ કરી રહ્યું છે. વિશ્વના અન્ય દેશો કે ધાર્મિક સ્થાનો, દિવાલો પર અસામાજિક તત્વોએ ખલિસ્તાનનું નામ લખ્યું અને નારા લગાવ્યા જેની ઘોર નિંદા શીખ સમાજ કરી રહ્યું છે. વિશ્વ કે અન્ય દેશોમાં ભારતીય તિરંગાનો જે અપમાન થયું છે તેની પણ નિંદા શીખ સમાજ કરી રહ્યો છે. શીખ સમાજ માટે ભારત દેશનો તિરંગો સર્વોપરી છે.
અમદાવાદમાં કલેકટર કચેરીમાં આવેલા તમામ ગુરુદ્વારાના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યપાલને પણ આવેદનપત્ર આપવામાં આવશે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં જ્યાં શીખ સમાજ વસે છે તે લોકો પણ આવેદનપત્ર આપીને ખલિસ્તાનનો વિરોધ કરશે.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રિકેટ મેચમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાના પ્રયાસ મામલે પણ કેટલાક શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે પણ શીખ સમાજે વિરોધ નોંધાવ્યો છે.