Home /News /ahmedabad /અમદાવાદીઓ ટેક્સ ભરવામાં સૌથી મોખરે, એએમસીની તિજોરી રૂપિયાથી છલકાઈ

અમદાવાદીઓ ટેક્સ ભરવામાં સૌથી મોખરે, એએમસીની તિજોરી રૂપિયાથી છલકાઈ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજ રીબેટ સ્કિમ જાહેર થયા બાદ પ્રોપર્ટી ટેક્સની આવકમાં ધરખમ વધારો થયો

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે રોજગાર ધંધા પડી ભાંગ્યા છે અનેક મહિનાઓ સુધી ધંધા રોજગાર ઠપ હતા પરંતુ અમદાવાદીઓ સરકારની આત્મનિર્ભર પેકેજ અંતર્ગત એડવાન્સ ટેક્સ ભરવામાં સૌથી આગળ રહ્યા છે. શહેરના બિન રહેણાક એટલે કે કોર્મિશયલ એકમમાં 50 ટકા લોકોએ એડવાન્સ ટેક્સ ભરી એએમસી તિજોરી છલકાવી નાંખી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજ રીબેટ સ્કિમ જાહેર થયા બાદ પ્રોપર્ટી ટેક્સની આવકમાં ધરખમ વધારો થયો છે. રીબેટ યોજનાના અમલીકરણ દરમિયાન એક મહીના કરતા પણ ઓછા સમયમાં મિલ્કતવેરાની 113 કરોડ રૂપિયાની આવક થઇ છે. જ્યારે ગત વર્ષની કુલ આવકના 75 ટકા વધુ રકમની આવક ટેક્સ વિભાગના ચોપડે નોંધાઇ છે.

નોંધયીય છે કે કોરોના અને લૉકડાઉનના કારણે નાણાંકીય વર્ષના પ્રથમ 3 મહીનામાં ટેક્સ વિભાગને અત્યંત ઓછી આવક થઇ હતી. રાજ્ય સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત આપવામાં આવેલા વળતરની રકમની ગણતરી કરવામાં આવે તો પ્રોપર્ટી ટેક્સ પેટે ગત વર્ષ કરતા પણ વધુ આવક થઇ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્સ મળી કુલ 989 કરોડની આવક એએમસીના ચોપડે નોંધાઇ છે.

આ પણ વાંચો - અમદાવાદ : શેરમાર્કેટનું ગેરકાયદે સોફ્ટવેર રાખનારા વાસુ પટેલ અને કરણ ઠક્કર ઝડપાયા

વૈશ્વિક મહામારી અને વૈશ્વિક મંદીના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 14 ડિસેમ્બર 2020થી 30 જાન્યુઆરી 2021 સુધી વ્યાજ રીબેટ યોજના જાહેર કરાઇ છે. જે અંતર્ગત 18 જાન્યુઆરી સુધી મિલ્કતવેરા પેટે રૂ.113.37 કરોડની આવક થઇ છે. ટેક્સ વિભાગના અધિકારીઓના મતે રીબેટ યોજના અંતર્ગત દૈનિક સરેરાશ 4 કરોડની આવક થાય છે. નાણાંકીય વર્ષની શરૂઆતના પ્રથમ 3 માસ દરમ્યાન પ્રોપર્ટી ટેક્સ પેટે માત્ર રૂ. 2.37 કરોડની આવક થઇ હતી.

અનલોકની શરૂઆત સાથે કોર્પોરેશન દ્વારા 1 લી જુન 2020 થી એડવાન્સ ટેક્સ રીબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ કોર્મશિયલ મિલ્કતોને બાકી વ્યાજમાં 20 ટકા રીબેટ આપવાની જાહેરાત કરાઇ હતી. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઉપરાંત 1લી જુનથી 1 ઓગષ્ટ 2020 દરમિયાન 3 મહીનામાં જ મિલ્કતવેરા પેટે રૂ. 550 કરોડની આવક થઇ હતી. સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી પ્રોપર્ટી ટેક્સની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ 14 ડિસેમ્બરથી અમલી રીબેટ યોજનામાં રૂ.113.37 કરોડની આવક થઇ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં 1 એપ્રિલ 2020થી 18 જાન્યુઆરી 2021 સુધી મિલ્કતવેરાની કુલ આવક રૂ. 789.73 કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષે આજ સમયગાળામાં રૂ.1072.94 કરોડની આવક થઇ હતી. એએમસી દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂ.85 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યુ છે. જો આ રકમનો ટેક્સની આવકમાં ઉમેરો કરવામાં આવે તો તે ગત વર્ષની આવક કરતા વધુ થાય તેમ છે.

એએમસી ટેક્સ ખાતાને વર્ષ 2019-20 માં કુલ 1340 કરોડની આવક થઇ હતી. જેમાં પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.1072.94 કરોડ, પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ. 182.84 કરોડ તથા વ્હીકલ ટેક્સ પેટે રૂ. 84.24 કરોડની આવક થઇ હતી. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં 18 જાન્યુઆરી 2021 સુધી પ્રોપર્ટી ટેક્સ પેટે 789.73 કરોડ, પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ.136.46 કરોડ અને વ્હીકલ ટેક્સ પેટે રૂ. 62.74 કરોડની આવક મળી કુલ રૂ. 988.89 કરોડની આવક નોંધાઇ ચૂકી છે. આમ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે આ સમય ગાળા સુધીમાં 75 ટકા આવક નોંધાઇ ચૂકી છે. 31 જાન્યુઆરી સુધી રીબેટ યોજના અમલમાં રહેવાની હોવાથી તંત્રને હજી રૂ. 50 થી 60 કરોડની આવક થવાની આશા છે.
First published:

Tags: Property tax, Tax, અમદાવાદ મહાનગરપાલિકા