Home /News /ahmedabad /PM Modi Gujarat Visit Day 2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો તમામ માહિતી
PM Modi Gujarat Visit Day 2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો તમામ માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ દિવસ 2
PM Modi Gujarat Visit Day 2: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવ્યાં છે. ત્યારે બીજા દિવસે તેમણે ગુજરાતના ભરૂચમાં આવેલા આમોદ, આણંદમાં, અમદાવાદમાં આવેલા છારોડીમાં અને જામનગરમાં જનસભાને સંબોધી હતી. તો જામનગરમાં ભવ્ય રોડ-શો પણ યોજ્યો હતો.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ હતો. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન છે. ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે પણ ચૂંટણી માટેની રણનીતિ બનાવી લીધી છે. તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. એવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ગુજરાતમાં આવ-જા વધી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેમણે જનસભાઓને સંબોધન કર્યુ હતુ તો જામનગરમાં રોડ-શોનું આયોજન પણ કર્યુ હતુ.
જામનગરમાં આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ
તેમણે કહ્યુ હતુ કે, ‘જામનગરમાં આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. તમને બધાને પાણી, વીજળી, કનેક્ટિવિટી સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે વાલ્મીકી સમાજ માટે વિશેષ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેથી તેમને સામાજિક આયોજનોમાં મદદ મળશે.’
અમદાવાદના છારોડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ સાથે જ તેમણે સવા લાખ લોકોની જનમેદનીને સંબોધી હતી. તેમાં તેમણે કહ્યુ હતુ કે, ‘હું આ સમાજનો સંતાન છું અને મને માફી માગવાનો હક છે.’ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ‘કળિયુગમાં સંગઠનમાં જ મોટી શક્તિ છે. આગામી સમયમાં ડિગ્રીધારકો કરતાં હુન્નરવાળાની તાકાત વધશે. શ્રમની પણ એક શક્તિ હોય છે.’ ઉલ્લેખનીય છે કે, છારોડીમાં મોદી સમાજના ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે મોદી સમાજના બાળકોને હવે શિક્ષણ માટે ઉત્તમ સગવડ મળી શકશે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે, ‘જે સમાજે શિક્ષણને પ્રધાન્ય આપ્યું, તે સમાજ જ આગળ આવ્યો છે.’
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ આણંદમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ‘મારે તમને થોડા સતર્ક પણ કરવા છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે ને એને ભરપૂર અજમાવી રહ્યા છે. બોલ્યા ચાલ્યા વિના કરી રહ્યા છે. તમે ભ્રમમાં ના રહેતા. આ કોંગ્રેસની નવી ચાલ છે. તેઓ નીચે ઘૂસવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ખાટલા બેઠકો કરે છે. મારે એમની ટિકા નથી કરવી. એમની પાર્ટી છે એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે. નહીંતર ઘણીવાર આપણે ભ્રમમાં રહીએ.’
ભરૂચના આમોદમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ‘આ ગુજરાતની વિકાસયાત્રાની ઉંચાઇ છે કે, ગુજરાતે આજે એટલી બધી પ્રગતિ કરી છે કે, રાજ્યના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા છે. આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરી સાથે રાખતા થઇ ગયા. પહેલા ભરૂચમાં છાશવારે કરફ્યૂ લાગતા હતા પરંતુ આજના બાળકોને ખબર જ નથી કે કર્ફ્યૂ શું છે.
પીએમ મોદીએ જણાવ્યુ કે, 'એક રાજ્યમાં જેટલાં ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો આપણાં ભરૂચમાં છે. ભરૂચ વડોદરા-સુરત એરપોર્ટ પર નિર્ભર રહી ન શકે, ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઇએ. જેથી આજે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ સાથે તેમણે જણાવ્યુ કે, નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકારમાં એરપોર્ટનું કામ પણ તેજ ગતિમાં પૂર્ણ થશે અને વિકાસ પણ તેજ બનશે.'