પીએમ નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે તા. 28 જુલાઇના રોજ બપોરે 12 કલાકે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ (PM Narendra Modi Gujarat Visit)ની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) એ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી 28 જુલાઇએ સાબર ડેરી (Sabar Dairy)ના વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે અંતર્ગત તેઓ સાબર ડેરી ખાતે રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે
આ સાથે જ પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પીએમના હસ્તે ભારતના પ્રથમ ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. જેમા GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો શુભારંભ કરાવશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે, પીએમ નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે તા. 28 જુલાઇના રોજ બપોરે 12 કલાકે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.
આ ઉપરાંત રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી આગામી તા. 29 જુલાઈનાં રોજ સાંજે 4 કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનના હસ્તે ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.