અમદાવાદ: દિવાળી પછીના દિવસે યોજાઈ રહેલી ખગોળીય ઘટના સૂર્યગ્રહણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અતિ મહત્વની છે. દરેક લોકોએ આ ખગોળીય ઘટનાનો લ્હાવો માણવો જોઈએ તેવું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. સાથે જ સૂર્યગ્રહણ સાથે જોડાયેલી ખોટી માન્યતાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. જોકે, સૂર્યગ્રહણ સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો કે જે ખરા અર્થમાં જાણવા જેવી છે તે સિનિયર સાયન્ટિસ્ટ વિનય કામ્બલેએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી લોકોને જણાવવાનો પ્રયાસ કર્યો.
શું કહે છે વૈજ્ઞાનિક?
સીનિયર સાયન્ટીસ વિનય કામ્બલેએ જણાવ્યું કે, પ્રાગ ઐતિહાસિક સમયથી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ સામાન્ય ખગોળિય ઘટના છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે કે ચંદ્ર સૂર્યની આસપાસ ફરે છે. એ રીતે ફરતા ફરતા એવું બને છે કે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક લાઈનમાં આવી જાય છે, ત્યારે આવી ખગોળિય ઘટના બને છે. ક્યારેક એવું બને કે બરાબર સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે. ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને જ્યાં આ પડછાયો પડે છે તે સૂર્યગ્રહણ થયેલું જોવા મળે છે. જો ચંદ્રનો પડછાયો પડે તો ખગ્રાસ સૂર્યગ્રહણ કહેવાય છે. પરંતુ આખો પડછાયો પૃથ્વી પર ન પડતો હોય તો ખંડગ્રાસ કે આંશિક સૂર્યગ્રહણ કહેવાય છે.
આ ગ્રહણ જોવા મળે એક લાહવો છે. જોકે, સૂર્ય તરફ ડાયરેક્ટ જોવું ન જોઈએ. સૂર્યનો પ્રકાશ અત્યંત તીવ્ર હોય છે. ચંદ્ર કરતા પણ 10 લાખ ગણો સૂર્યનો પ્રકાશ હોય છે. સીધી આંખે જુઓ તો કાયમી અંધાપો આવી જાય છે. સેફ સોલર ફિલ્ટર જેને બ્લેક પોલીમર કહેવાય છે, તેનાથી જોવું જોઈએ. આ બ્લેક પોલીમર 7 લાખ ગણો સુર્યપ્રકાશ કટ કરે છે. જેથી સેફલી સૂર્યગ્રહણ જોઈ શકીએ છીએ. સાયન્સ સીટી અને ગુજરાતના દરેક સાયન્સ સેન્ટરમાં સૂર્યગ્રહણ જોવાની વ્યવસ્થા કરાયેલી છે.
ગર્ભ વિકૃત થવાને કોઈ વૈજ્ઞાનિક સમર્થન મળતું નથી
આ ઉપરાંત કેટલીક અંધશ્રધ્ધા કે કેટલીક અવૈજ્ઞાનિક માન્યતા સૂર્યગ્રહણ સાથે જોડાયેલી છે. જેમ કે વાસી ખાવું ન જોઈએ, સગર્ભાસ્ત્રીઓએ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ન જોવું જોઈએ. જેનાથી ગર્ભ વિકૃત થવાની કે બાળકને જન્મ આપે તેને કોઈપણ ખોડખાપણ રહી જાય છે, આવી માન્યતાઓને કોઈ વૈજ્ઞાનિક સમર્થન મળતું નથી. મારી પાસે એવા ઘણા દાખલા છે જે સગર્ભા સ્ત્રીઓએ સૂર્યગ્રહણ જોયુ હોય અને તેઓ ખૂબ સારી પોસ્ટ પર છે અને ખૂબ સારું જીવન જીવી રહ્યાં છે. આવી અંધશ્રધ્ધાઓથી દૂર રહેવું જોઈએ અને વધુને વધુ લોકો આ કુદરતી નજારો જુએ તેવો પ્રયત્ન કરવો જોઈએ. એક વર્ષમાં બે સુર્યગ્રહણ કે ત્રણ સુર્યગ્રહણ થાય, બે ચંદ્ર ગ્રહણ થાય પણ સાતથી વધુ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ના થઈ શકે.
સૂર્યગ્રહણ દેખાય તેના 15 દિવસમાં ચંદ્રગ્રહણ થતું હોય છે
સામાન્ય રીતે જ્યારે સૂર્યગ્રહણ દેખાય તેના 15 દિવસમાં ચંદ્રગ્રહણ થતું હોય છે. આ સૂર્યગ્રહણના 15 દિવસ પછી 7કે 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ જોવા મળશે. જોકે તે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. જે ભારતમાં જોવા નહીં મળે. તેનું વૈજ્ઞાનિક કારણ છે કે ચંદ્ર અને પૃથ્વી જે કક્ષામાં ફરે છે ત્યારે અમુક એન્ગલમાં સૂર્ય અને ચંદ્ર આવે છે ત્યારે ગ્રહણ થાય છે. એ રીતે ગણતરી કરતા સૂર્યગ્રહણના 15 દિવસ પછી ચંદ્રગ્રહણ થાય છે. હવે પછીનું સૂર્યગ્રહણ 2023માં એપ્રિલ માસમા જોવા મળશે.