Home /News /ahmedabad /PSM @100: પ્રમુખ સ્વામી નગરમાં GCCI દ્વારા બિઝનેસ લીડરશિપનું આયોજન, મોટા બિઝનેસમેન સહિત વક્તા હાજર રહ્યા
PSM @100: પ્રમુખ સ્વામી નગરમાં GCCI દ્વારા બિઝનેસ લીડરશિપનું આયોજન, મોટા બિઝનેસમેન સહિત વક્તા હાજર રહ્યા
પ્રમુખ સ્વામી નગરમાં GCCI દ્વારા બિઝનેસ લીડરશિપનું આયોજન કરવામાં આવ્યું
GCCI દ્વારા આજે પ્રમુખ સ્વામી નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે એક આખા દિવસની બિઝનેસ લીડરશિપ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદઃ GCCI દ્વારા આજે પ્રમુખ સ્વામી નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે એક આખા દિવસની બિઝનેસ લીડરશિપ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GCCI દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની વર્ષભરની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.
આમંત્રિત સહિત નામાંકિત વક્તાઓ હાજર રહ્યા
આ કોન્ફરન્સ 600 એકર જમીનમાં ફેલાયેલા ‘પ્રમુખ સ્વામી નગર’માં યોજાઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં GCCI સભ્યો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. સંમેલનમાં નામાંકિત વક્તાઓએ ભારતના આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસ વિષય પર તેમના વિચારો અને દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યા હતા.
કોણ કોણ હાજર રહ્યા હતા?
સંમેલનમાં ઉપસ્થિત રહેલા નામાંકિત વક્તાઓમાં HDFC બેંકના ચેરમેન દીપક પારેખ, બાલાજી વેફર્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણી, ગોવિંદભાઈ ધોળકિયા,રામકૃષ્ણ એક્સપોર્ટસ પ્રા. લિ.ના સ્થાપક અને અધ્યક્ષ ગોવિંદભાઈ ધોળકિયા, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના એમડી નિલેશ શાહ, ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલ, અર્જુન હાંડા, એમડી ક્લેરિસ લાઇફસાયન્સિસ અને BAPS સંસ્થા સાથે સંકળાયેલ ડૉ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, લાઈફ કોચ અને જાણીતા વક્તા વગેરેનો સમાવેશ થતો હતો.
સંમેલનના બધા જ વક્તાઓ તેમજ વિશાળ શ્રોતા ગણને આવકારતા, GCCI પ્રમુખ પથિક પટવારીએ BAPS સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવતા અનુકરણીય આધ્યાત્મિક નેતૃત્વની ખુબ ખુબ પ્રશંસા કરી હતી અને સંસ્થાને પ્રાપ્ત થયેલ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા દિવ્ય આત્માના નેતૃત્વ તેમજ પ્રેરણાને બિરદાવ્યા હતા. તેઓએ ખાસ નોંધ લીધી હતી કે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના શબ્દો ‘અન્યના આનંદમાં આપણો આનંદ સમાયેલ છે’ તે મંત્રને ચરિતાર્થ કર્યો હતો અને વિશ્વભરના લાખો લોકોને પ્રેમ, શાંતિ, સંવાદિતા, ભગવાનમાં વિશ્વાસ અને માનવતાની સેવા સાથે પોતાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. પ્રમુખે ખૂબ જ અદ્વિતીય રીતે આયોજિત થયેલા ‘શતાબ્દી મહોત્સવ’ની ખૂબ ખૂબ પ્રશંસા કરી હતી અને આ પ્રસંગને અગણિત સ્વયંસેવકોની નિષ્ઠા, સંયુક્ત પ્રયત્નો અને સમર્પણનું વધુ એક જીવંત ઉદાહરણ ગણાવ્યું છે, જે ભાગ્યે જ જોવા મળે છે.
‘ભારતીય અર્થવ્યવસ્થાનું ભવિષ્ય’વિષય પર પોતાનું કી-નોટ વક્તવ્ય આપતા HDFC બેંક ના અધ્યક્ષ દીપક પારેખે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર હાલમાં અન્ય વિકસિત દેશોની સરખામણીએ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે ભારતની અર્થવ્યવસ્થા દેશના લોકો દ્વારા સ્થાનિક વપરાશ પર નિર્ભર છે અને તેથી જ તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. વાઈબ્રન્ટ ગુજરાત હવે વાઈબ્રન્ટ ઈન્ડિયાની મશાલ સ્વરૂપ બન્યું છે અને વર્તમાનમાં ભારતીય અર્થતંત્રમાં પ્રવર્તમાન આશાવાદ ખરેખર નોંધનીય છે.
ચંદુભાઈ વિરાણી, સ્થાપક અને એમડી, બાલાજી વેફર્સ પ્રા. લી. અને ગોવિંદભાઈ ધોળકિયા સ્થાપક અને અધ્યક્ષ, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ પ્રા. લિમિટેડે પોતાના અનુભવો અને જીવનયાત્રા વિશે વાત કરી હતી તથા ઉભરતા મહત્વાકાંક્ષી અને વર્તમાન સાહસિકોને ઘણી ઉપયોગી થઈ પડે તેવી ટીપ્સ પુરી પાડી હતી. તેઓએ સારા ઇરાદા, ઉત્પાદનની ગુણવત્તા, કાર્ય-જીવન સંતુલન અને કામ પ્રત્યે સમર્પણના મહત્વ પર ખાસ પ્રકાશ પાડ્યો હતો.
CA નિલેશ શાહ, MD, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે પ્રવર્તમાન પડકારો અને તેમાં છુપાયેલી તકોને ધ્યાનમાં રાખીને "ભારત- ધ પાથ અહેડ" વિષય પર પોતાનું વિઝન શેર કર્યું. તેઓએ ગુજરાત મોડલની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે સરકાર હસ્તકની સંસ્થાઓ નું ખાનગીકરણ એ આજના સમયની જરૂરિયાત છે. તેઓએ ભારતીય અર્થતંત્ર ની થઇ રહેલ પ્રગતિ તેમજ સુધારાલક્ષી ટ્રેન્ડ્સ વિશે પણ વિગતવાર વાત કરી હતી.
ડો. શર્વિલ પટેલ, એમડી, ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ "સ્કેલિંગ અપ હેલ્થ કેર" વિષય પર વિસ્તૃત વાત કરી અને ભારતે હાંસલ કરેલ હેલ્થ કેર સેવાઓના ક્ષેત્રમાં અનુકરણીય સિદ્ધિઓ અને આગળ રહેલી અસંખ્ય તકો વિશે વાત કરી હતી. તેમણે આઉટ ઓફ પોકેટ માર્કેટ, આરોગ્યસંભાળ માં સંશોધન અને નવીનતા, સંભવિત અને આનુવંશિક વિકૃતિઓના જોખમો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું. તદુપરાંત, તેઓએ ભારતીય આરોગ્ય ક્ષેત્રમાં થઈ રહેલી વિવિધ નવીનતાઓ અને માર્ગ દ્રસ્ટા શોધો વિશે પણ વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી શોધો માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પણ મદદરૂપ થશે.
કચરામાંથી કેવી રીતે સંપત્તિ ઉત્પન્ન થાય તે અંગે વાત કરી
ક્લેરિસ લિમિટેડના ચેરમેન અર્જુન હાંડાએ ‘ફાઈન્ડીંગ વેલ્થ ઈન વેસ્ટ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું અને નોંધ્યું હતું કે, પર્યાવરણ પરત્વે વધતું નુકસાન અને પેદા થતો કચરો આપણા માટે એક ‘વેકઅપ કોલ’ હોવો જોઈએ તથા આપણે કેવી રીતે કચરામાંથી સંપત્તિ ઉત્પન્ન કરી શકીએ અને જવાબદારીપૂર્વક તેમજ સસ્ટેનેબલ વિકાસ તરફ આગળ વધી શકીએ તે અંગે પોતાનું વિઝન શેર કર્યું. તેમણે કચરાથી સંપત્તિ સર્જન તરફની તેઓની પોતાની સફર અને આ બિઝનેસ મોડલને અનુસરીને આપણે ભારતને તેની આઝાદીના 100મા વર્ષમાં કેવી રીતે બદલી શકીએ તે બાબત પર પ્રકાશ પાડ્યો. તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના કચરાને રિસાયકલ કરવાની વિવિધ રીત પર પ્રકાશ પાડ્યો હતો.
પોતાના અત્યંત પ્રેરક સંબોધનમાં ડૉ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ સફળ વ્યક્તિઓની 7 ટેવો વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, માત્ર ભૌતિક સંપત્તિ સફળતાની પારાશીશી નથી. તેઓએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનના ઉદાહરણો આપીને સાચી સફળતાનો અર્થ શું છે તેનો ખ્યાલ આપ્યો હતો. તેમણે મહેનતમય જીવન, નૈતિકતા, કાર્ય-જીવન સંતુલન, વ્યક્તિગત જીવન, આધ્યાત્મિકતા અને નૈતિકતાની આદતો વિશે ટૂંકમાં સમજ આપી હતી. પ્રમુખ સ્વામી મહારાજે BAPS સંસ્થાના વિકાસ માટે સખત મહેનત કરી 60 દેશો, 18000 ગામડાઓ, 3.5 લાખ ભક્તોના ઘરોમાં સંસ્થાના પ્રભાવનો અનુભવ કરાવ્યો હતો. તેમજ 7,50,000/- પત્રોના પોતે વ્યક્તિગત જવાબ આપ્યા હતા.
પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યુ હતુ કે, પ્રમુખસ્વામી મહારાજે BAPSના આધ્યાત્મિક નેતા તરીકેના તેમના 45 વર્ષના કાર્યકાળમાં 1300 હોસ્પિટલ, સમુદાય કેન્દ્ર, મંદિરો વગેરેનું નિર્માણ કર્યું, જે દર 15 દિવસમાં સરેરાશ 1 સંસ્થાની સ્થાપના થઈ હતી. સંમેલનની આભારવિધિ કરતાં GCCIના માનદ મંત્રી અનિલ જૈને ઉપસ્થિત બધા જ પ્રતિષ્ઠિત વક્તાઓ તેમજ પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનો તેઓના પ્રેરણાત્મક શબ્દો માટે આભાર માન્યો હતો. સાથે સાથે મીડિયાના પ્રતિનિધિઓ અને વિશાળ શ્રોતાગણનો પણ આ અત્યંત હેતુપૂર્ણ બિઝનેસ લીડરશીપ કોન્ફરન્સ માટે સમય ફાળવવા આભાર માન્યો હતો.