Home /News /ahmedabad /Ahmedabad: ન પાણી રેલાયું, ન કચરો થયો; આ હતી શતાબ્દી મહોત્સવની તૈયારીઓ

Ahmedabad: ન પાણી રેલાયું, ન કચરો થયો; આ હતી શતાબ્દી મહોત્સવની તૈયારીઓ

13.25 લાખ રોપાઓ, વૃક્ષોના વાવેતરથી હવાને શુદ્ધ રાખવાની કવાયત

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મહોત્સવ નગર સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી બન્યું હતું. અહી સ્વચ્છતા, ગંદા પાણીનો નિકાલની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી માટે છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પ્રસ્તુતિઓ, આયોજન, રજૂઆતો ખરેખર અકલ્પનીય છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ હશે કે, પ્રમુખસ્વામી મહારાજ નગરની રચના અને કાર્યમાં પ્રથમથી જ પર્યાવરણ પરત્વે ઝીણામાં ઝીણી બાબતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં જ્યાં માનવ સમુદાય એકત્ર થતો હોય ત્યાં કચરો થાય, વપરાયેલું પાણી હોય અને કાર્બન ડાયોક્સાઇડ પણ ભારી માત્રામાં ઉત્પન્ન થવા પામે. પરંતુ આ નગરમાં હવાને શુદ્ધ રાખવા માટે પગલાં લેવાયા છે.

એટલું જ નહીં વપરાશમાં આવતા પાણીને યોગ્ય રીતે નિકાલ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નગરમાં વપરાઈને ફેંકાતી દરેક વસ્તુનો ફરીથી ઉપયોગ થાય, ઉપયોગમાં ન લઈ શકાય એવી વસ્તુઓનો યોગ્ય નિકાલ થાય એ માટેના તમામ પગલાઓ લેવાયા છે. સસ્ટેનેબલ પર્યાવરણ, ગ્રીન ઇકો ઝોન જેવી BAPS સંસ્થાની કાર્યપ્રણાલી વિશે વિગતે જાણીએ.

જૈવિક પર્યાવરણ, છોડ-વૃક્ષોનું વાવેતર

છોડ અને વૃક્ષોના આ વાવેતર પાછળ મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની જાળવણી જ છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વાવેતર કરાયેલ આ હરિયાળીને કારણે વાતાવરણમાંથી શોષાતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉતપન્ન થતા ઓક્સિજન અંગેની કેટલીક આંશિક માહિતી નીચે મુજબ છે.

વપરાયેલા પાણીનો નિકાલ

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મુખ્યત્વે રસોઇમાં વપરાયેલું, સંડાસ-બાથરૂમમાં વપરાયેલું પાણી વેસ્ટ વોટર તરીકે નીકળે છે. આ પાણીનો નિકાલ અમદાવાદ મહાનગરપાલિકાની ટીપી સ્કીમ અંતર્ગત આવતી ડ્રેનેજની લાઇનમાં નિકાલ કરવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે 600 એકરની આ નગર રચનામાં ક્યાંય પણ ખુલ્લામાં વપરાયેલું પાણી છોડવામાં આવતું નથી. પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે માટે આખા નગરમાં ગટર લાઇનો બીછાવવામાં આવી છે. મળયુક્ત પાણી કે યુરીનયુક્ત પાણીની ગુણવત્તા સુધારવા માટે નિયત કરાયેલ પોઇન્ટ પર ગટરમાં બાયોક્લોન (BD) નું મિશ્રણ કરવામાં આવે છે. જેનો ફાયદો એ થાય છે કે નગરના વિવિધ ટોયલેટ બ્લોક્સમાંથી નીકળેલ ગંદુ પાણી મુખ્ય ગટર સુધી પહોંચતા સામાન્ય પાણી બનવાની પ્રક્રિયામાંથી પસાર થઈ ચુક્યું હોય છે.

કચરાના નિકાલની વ્યવસ્થા

ઘરેલું કચરો અને અન્ય કચરો અમદાવાદ મહાનગર પાલિકામાં જાય છે. ફૂડ વેસ્ટ, ભીનો-કોરો કચરો (એંઠવાડ, શાકભાજીની છાલ વગેરે) નગરમાં જ ખાતર બનાવવામાં આવે છે. મેડિકલ વેસ્ટ GPCB દ્વારા નિયત કરેલ એજન્સીને આપવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના 600 એકરમાંથી એકત્રિત કરવા અને એકત્રિત થયેલા કચરાને અલગ અલગ કરવા માટે ખાસ સ્વયંસેવકોની ટીમ ઉભી કરવામાં આવી છે. જે સ્વયંસેવકો તમામ પ્રકારના કચરાને અલગ અલગ કરીને નિયત કરેલ વ્યવસ્થા મુજબ નિકાલ કરે છે.

આ ઉપરાંત સમગ્ર નગરમાં ભીનો અને સુકો કચરો પહેલાથી જ અલગ થાય તે માટે દરેક સ્થળે લીલા અને ભુરા રંગની કચરાપેટીઓ મુકવામાં આવેલ છે. અને મુલાકાતીઓ અને સ્વચ્છતા વિભાગને સ્વયંસેવકોને કચરાના નિકાલની સંપૂર્ણ જાણકારી ફ્લોચાર્ટ દ્વારા આપવામાં આવી હોવાથી પહેલાથી જ વર્ગીકૃત થઇને જ કચરો એકત્ર થતો હોય છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ

સાંપ્રત સમયમાં પર્યાવરણની જાળવણી ઇચ્છતી સમગ્ર દુનિયા માટે સૌથી ગંભીર વિષય પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટેનો છે. આવામાં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનો સંપૂર્ણ અભિગમ રાખવામાં આવ્યો છે. સરકારના નિમયોનુસાર આખા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ક્યાંય પણ સીંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક બોટલ ડિસ્પોઝલ મશીન પણ રાખવામાં આવ્યું છે.

જેનાથી તેનો સુચારુ નિકાલ કરી શકાય. રીડ્યુસ, રીયુઝ, રીસાઈકલ એટલે કે આરઆરઆર (RRR) ને લક્ષ્યમાં રાખી કરાયેલું પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ-કાર્ય પર્યાવરણવિદો અને અભ્યાસુ લોકો માટે અભ્યાસનો વિષય બની રહ્યો છે. અહીં નીકળતા પ્લાસ્ટિક કચરાને અલગ તારવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિક કચરામાંથી બેસવા માટેના બાંકડા બનાવવા, યુઝ્ડ પ્લાસ્ટિક બોટલમાંથી કચરા પેટી બનાવવી અને વધેલા પ્લાસ્ટિક કચરાનો સરકારી ધારાધોરણ અનુસાર નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સિમેન્ટ અને મેટલનો ફરી ઉપયોગ કરવો

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વપરાયેલ સિમેન્ટ અને મેટલનો ફરીથી ઉપયોગ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વપરાયેલ સિમેન્ટ અને મેટલમાંથી બ્લોક વગેરે વસ્તુઓને બનાવવામાં આવી રહી છે.

ડસ્ટ મોનીટરીંગ સીસ્ટમ/ એર મોનીટરીંગ સીસ્ટમ

600 એકરની વિશાળ ભૂમિમાં પથરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ધૂળની ડમરી ન ચડે, ધૂળના રજકણો મુલાકાતીઓને પરેશાન ન કરે તે માટે સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સંપૂર્ણ નગરને ડસ્ટ ફ્રી રાખવા માટે પેવર બ્લોક લગાવાયા છે. તો હવાની ગુણવત્તા ચકાસવા માટે નગરમાં કુલ 8 જેટલા એર મોનીટરીંગ બોટ (AQBot) મશીન લગાવાયા છે.

સામાન્ય રીતે આ મશીન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં હવાની ગુણવત્તાની ચકાસણી કરવા લગાવાતા હોય છે. પરંતુ આ નગરમાં પણ હવામાં ધૂળના કણો સહિતની વિગતો મેળવવા આ મશીનો મુકાયા છે. જેનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે અને એ મોનીટરીંગના આધારે નગરની ચોતરફના રસ્તાઓ પર ફોગર મશીન દ્વારા છંટકાવ કરીને હવામાં ફરતા ધૂળના કણોને શમાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે.



BAPS સંસ્થાના સંતો-સ્વયંસેવકો દ્વારા વિશેષ પ્રકારનું ફોગર મશીન બનાવાયું છે. જે ટેમ્પો દ્વારા હરતું-ફરતું હોય છે. સામાન્ય રીતે નિયત કરાયેલા સમયે આ ફોગર મશીન નિયત સ્થળે જઇને ફોગીંગ કરે જ છે. પરંતુ ઓનલાઇન મોનીટરીંગ દ્વારા જો કોઇ વિસ્તારમાં વધુ જરૂર હોય ત્યાં વિશેષ રીતે ફોગીંગ કરીને હવાની ગુણવત્તાને જાળવી રાખવામાં આવે છે.
First published:

Tags: Ahmedabad news, BAPS Swaminarayan, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો