Home /News /ahmedabad /Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થિનીઓનો દબદબો જોવા મળ્યો
Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થિનીઓનો દબદબો જોવા મળ્યો
ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થિનીઓનો દબદબો રહ્યો
Gujarat University Convocation: ગુજરાત યુનિવર્સિટીના પદવીદાનમાં કુલ 167 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. તેમાંથી 86 વિદ્યાર્થિનીઓ મેડલ મેળવવામાં અવ્વલ રહી છે.
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનો દબદબો વધુ જોવા મળ્યો છે. પદવીદાનમાં કુલ 167 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. તેમાંથી 86 વિદ્યાર્થિનીઓ મેડલ મેળવવામાં અવ્વલ રહી છે. મોતીલાલ નહેરુ કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની અને મેડિકલનો અભ્યાસ કરતી અન્ય એક વિદ્યાર્થિની એમ બંનેએ 8 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીએ 10 ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.
50 હજારથી વધુ વિદ્યાર્થીને પદવી આપી
ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કુલ 51 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. તેમાંથી 300થી વધુ વિદ્યાર્થીઓને મેડલથી નવાજ્યાં છે. તેમાં 167 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. પરંતુ આ 167માંથી 86 એવી વિદ્યાર્થિનીઓ હતી જેમણે વિદ્યાર્થીઓને પાછળ પાડી ગોલ્ડ મેડલ કબ્જે કર્યા છે. એટલે કે મેડલ મેળવવામાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિઓનો દબદબો વધુ જોવા મળ્યો.
મોતીલાલ નહેરુ કોલેજમાં એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી આશિમા મેમણે 8 મેડલ મેળવ્યાં છે. આશિમાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ખુબ ખુશી થઈ છે. યુનિવર્સિટી ફર્સ્ટ આવી ત્યારે પણ મને લાગતું ન હતું કે મને આઠ મેડલ મળશે. કાયદો મારા લોહીમાં છે. મને તેમાં ઈન્ટ્રેસ્ટ છે. એટલે તેમાં મેં ખૂબ તૈયારી કરી હતી.’ આશિમાના પિતા જૂનાગઢમાં જજ છે. જ્યારે સોલા મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં વિદ્યાર્થિની પ્રિયા ખૂબચંદાનીએ મેડિકલમાં 8 મેડલ મેળવ્યા છે. પાંચ વર્ષના અભ્યાસ કર્મમાં અમે કરેલી મહેનતનું જ આ પરિણામ હોવાનું પ્રિયાએ જણાવ્યું હતું. તો અન્ય એક વિદ્યાર્થિનીએ 10 ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.
આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે હાજર
મહત્વનું છે કે, આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવાનોને ટકોર કરી કે, આજે જ્યાં ભણેલા લોકો હોય છે ત્યાં વધારે વૃદ્ધાશ્રમ જોવા મળી રહ્યા છે. જેથી ભણ્યા બાદ નૈતિક મૂલ્યોને ભૂલવા ન જોઈએ. જીવનમાં ગમે તેટલું ભણે પરંતુ ગુરુજનો માતા-પિતા અને મોટાનું આદર ન કરે તો તે ભણવાનો મતલબ નથી રહેતો.