અમદાવાદ : અમદાવાદના પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર્સ (Popular Builders) અને તેમના પરિવાર વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં આજે બિલ્ડર પિતા-પુત્રના જામીન માટે રૂપિયા 2.50 કરોડ આપવામાં આવ્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા છે. જોકે હવે પોલીસ તપાસમા શું નવું સામે આવશે તે જોવુ મહત્વનું છે.
પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલ, પતિ મોનાંગ પટેલ, સાસુ મયુરિકા પટેલ સહિત પોતાના પિતા મુકેશ પટેલ વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં બે આરોપીને આગોતરા જામીન મળી ગયા છે. પરંતુ રમણ પટેલ અને મોનાંગ પટેલને જામીન નથી મળ્યા તે માટે પિતા પુત્ર દ્વારા રૂપિયા 2.50 કરોડ સમાધાન પેટે આપવામાં આવ્યા હતા. તે રૂપિયા ક્રાઈમ બ્રાંચે ફરિયાદી પરિણીતા ફિઝુ પટેલના માસી નિમા શાહના ઘરેથી કબ્જે કરવામાં આવ્યા છે. રોકડા રૂપિયા 2.50 કરોડ મળી આવવા મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે, બિલ્ડર પિતા પુત્રને જામીન મળી રહે તેમાટે ફરિયાદી ઝડપથી કોર્ટમાં એફિડેવીટ રજૂ કરે તે માટે આ રૂપિયા ફરિયાદી ફિઝુની માતા જાનકી બેનને આપવામાં આવ્યા હતા. પરંતુ એફિડેવીટ થાય તે પહેલા જ રૂપિયા પોલીસે કબ્જે કરી સમાધાનમાં ભંગ પાડ્યો છે.
હાઈ પ્રોફાઈલ કેસમાં હંમેશા ફરિયાદી અને આરોપી વચ્ચે રૂપિયાનો વ્યવહાર થઈ સમાધાન થતુ હોય છે. પરંતુ પહેલી વખત સમાધાન માટે આપવામાં આવેલી રકમ પોલીસે કબ્જે કરી છે. ત્યારે હવે આ કેસમાં કોર્ટ શુ કાર્યવાહી કરે છે તે જોવુ મહત્વનું છે.