અમદાવાદ : ઘણા એવા લોકો હોય છે કે જે લોકોને પોતાની પસંદગીનો નંબર ન મળે તો પણ પોતાની પસંદગીના નંબરની નંબર પ્લેટ (Number plate)બનાવી ખોટી રીતે લગાવી ફરતા હોય છે. પરંતુ તેની સામે પોલીસ એક ને એક દિવસ કાર્યવાહી કરતી જ હોય છે. આવી જ એક ઘટના શહેર પોલીસના ચોપડે નોંધાઈ છે. એક અકસ્માત (Accident)કેસમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જે બાબતે ટ્રાફિક પોલીસે (Traffic police)તપાસ કરતા અકસ્માત કરનાર વાહન ચાલકે ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી એ વળવીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં એક વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના એવી હતી કે થોડા દિવસ પહેલા જાવેદ મલેક નામનો હિંમતનગરનો એક વ્યક્તિ ટ્રક લઈને માર્ચ મહિનામાં અમદાવાદ ઇદગાહ સિટી સેન્ટર સામે આવેલા રામદેવ ટ્રાન્સપોર્ટ ખાતે આવ્યો હતો. ત્યાં તે ટ્રકમાં માલ સામાન ભરાવતો હતો અને ડ્રાઇવર રફિકભાઈ જમવા માટે જવાનું જણાવી ચાલતા નીકળ્યા હતા. તે દરમિયાન 31 માર્ચના રોજ ચાલતા તેઓ પ્રેમ દરવાજા સામે રોડ ઉપર પસાર થતા હતા. ત્યાં એક એક્ટિવાના ચાલકે ઇદગાહ સર્કલ પાસે પૂરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે માણસની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી રફિકભાઈને જોરથી ટક્કર મારી હતી.
રફિકભાઈને મોઢાના ભાગે, કાનમાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે ગાંધીનગર ખાતે લઈ જવાયા હતા જ્યાં તેઓનું મોત નીપજયું હતું. આ ગુનામાં સંડોવાયેલા વાહનચાલકના વાહનની આરટીઓમાં તપાસ કરતા વાહન નંબરના રેકોર્ડ બાબતે કોઈ ઉપલબ્ધ માહિતી ન હતી. જેથી પોલીસે વાહનના એન્જિન તથા ચેસીસ નંબર આધારે વાહન વિક્રમ સિંહ વાઘેલાએ ખરીદી કર્યું હોવાની માહિતી મેળવી હતી. પરંતુ વાહન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ન હતી.
આરટીઓ તરફથી વાહનનો રજીસ્ટ્રેશન નંબર આપવામાં ન આવ્યો હોવા છતાં પણ આ વાહનચાલકે ખોટી નંબર પ્લેટ લગાવી વાહન પોતાની પાસે રાખ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વિક્રમ સિંહ વાઘેલા સામે તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર