Home /News /ahmedabad /અમદાવાદ: પિતાના મિત્રએ જ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, છોકરીને ઉલટીઓ થતા ભાંડો ફુટ્યો
અમદાવાદ: પિતાના મિત્રએ જ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, છોકરીને ઉલટીઓ થતા ભાંડો ફુટ્યો
આરોપીએ સગીરાને ધમકી આપી 3થી 4 વાર દુષ્કર્મ આચર્યુ હતું.
Ahmedabad Crime: સગીરાને એક દિવસ ઉલટી કરતા જોઈ માતાએ ફોસલાવીને પૂછતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે માતાને જાણ કરી હતી. માતાએ તેને હોસ્પિટલ લઈ જઈ તબીબ પાસે ચેક કરાવતા તેને ચારથી પાંચ માસનો ગર્ભ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ ગામમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં પોલીસે 52 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, આ ગુનામાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ સગીરાના પિતાનો મિત્ર હોવાનું સામે આવ્યું છે.
રામોલમાં થોડા દિવસ પહેલા નોંધાયેલી બળાત્કારની ફરિયાદ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આધેડ આરોપી નવરાત્રીના સમયગાળા દરમિયાન એક દિવસ સગીરાના ઘરે ગયો હતો અને તેને મજૂરી કામ માટે લઈ જવાનું કહીને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી અવાવરુ જગ્યા પર લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની કોઈને જાણ કરી તો તારા માતા-પિતાને અને માનસિક અસ્થિર ભાઈને મારી નાખીશ તે પ્રકારની સગીરાને ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી.
જે ઘટના બાદ સગીરા પર દુષ્કર્મનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. સગીરાને ઘરમાં માનસિક અસ્થિર ભાઈ હોય તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ હતી, કારણ કે તેના માતાપિતા સવારે ખેતરે મજૂરી કામ માટે નીકળી જતા અને સાંજે પરત ફરતા હતા. જે બાબતનો જ લાભ લઈને આરોપીએ સગીરાને વારંવાર પોતાની સાથે લઈ જઈને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના લીધે સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીરાને એક દિવસ ઉલટી કરતા જોઈ માતાએ ફોસલાવીને પૂછતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે માતાને જાણ કરી હતી. માતાએ તેને હોસ્પિટલ લઈ જઈ તબીબ પાસે ચેક કરાવતા તેને ચારથી પાંચ માસનો ગર્ભ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને સગીરાના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં ચંદુજી ડોડીયા નામના આરોપી સામે પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી પોતે બે બાળકોનો પિતા હોવાનું ખુલ્યું છે તેવામાં પોલીસે આરોપી અને સગીરાના DNA ટેસ્ટ અને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.