ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે અને ગમે તે સમયે ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે. તેવામાં ચૂંટણીની તૈયારીઓને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. ચૂંટણીને લઇને કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધ્યા છે. પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થતાં જ ગમે તે ઘડીએ ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. તેવામાં પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં ધામા નાંખશે.
પીએમ મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે 30 ઓક્ટોબરે વડોદરામાં અને આવતીકાલે થરાદ તથા અમદાવાદમાં પીએમ મોદીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, પીએમ મોદી આજે ૩૦મી ઓક્ટોબરથી ૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાશે.
જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, પીએમ મોદીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૩૦મી ઑકટોબરના રોજ વડોદરા ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ વડોદરા ખાતે સી-૨૯૫ એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. ત્યારબાદ તેઓ ૩૧મી ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે.
ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી જીલશે. આ જ દિવસે બપોરે પીએમ મોદી ઉત્તર ગુજરાત માટેના વિવિધ વિકાસકામોનું થરાદ ખાતેથી ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે.
આ ઉપરાંત ૧ નવેમ્બરના રોજ સવારે પીએમ મોદી માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા ૧૮૨ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે.