Pawan Kheraji: રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા અખિલ ભારતીય કોંગ્રેસના મીડિયા અને પબ્લિસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતાની સાથે અવ્યવહારુ અને અત્યાચારી પરિપત્ર રદ કરીશું’
અમદાવાદ: રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા અખિલ ભારતીય કોંગ્રેસના મીડિયા અને પબ્લિસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતાની સાથે અવ્યવહારુ અને અત્યાચારી પરિપત્ર રદ કરી ચાલીસ વર્ષ પૂર્વેની એટલે કે 1981થી 2001 સુધીની જે મિલકતો એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા વખતો વખત ટ્રાન્સફર થઇ હશે. તેના ઉપર કોઇ સ્ટેમ્પ ડ્યૂટી કે સ્ટેમ્પ ડ્યૂટી પર દંડ વસૂલ કરવામાં નહી આવે. આમ ગુજરાતની શહેરી વિસ્તારોની જનતાને કરોડો રૂપિયાની ભરવી પડતી અણઘડ વહિવટની કારણે ઉઘરાવાતી સ્ટેમ્પ ડ્યૂટી માંથી મુક્તિ મળશે અને ગુજરાતી જનતાના કરોડો રૂપિયા બચશે જે આ વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા ઉપલબ્ધ બનશે.
વધુમાં તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ હંમેશા વ્યવહારુ અને માનવીય અભિગમના કાયદા બનાવે છે. પ્રજાને કનડગત અને હેરાન થતા કાયદા બનાવી ભાજપ સરકારે ગુજરાતની જનતાના કરોડો રૂપિયા લૂંટ્યા છે. કોંગ્રેસની સરકાર આપના એક મતથી ગુજરાતની જનતાના કરોડો રૂપિયા બચાવશે.’ ગુજરાત સરકારે સહકારી મંડળી કાયદો-1961 મુજબ નોંધાયેલ ગૃહમંડળીઓ પોતાના સભ્યોને મિલ્કતનું એલોટમેન્ટ કરે તો તે એલોટમેન્ટ લેટર/શેર સર્ટિફિકેટ તારીખ 27-5-1982 પહેલાં સ્ટેમ્સ ડ્યૂટી ભરપાઇ કરવા કે રજીસ્ટ્રેશન કરવા પાત્ર બનતું ન હતું. પરંતુ તારીખ 27-5-1982ના રોજ સહકારી મંડળીના કાયદા-1961ના અધિનિયમ-42 અંતર્ગત સ્થાવર મિલકત બાબતે શેરની તબદિલ થઇ હોય, તે રજીસ્ટ્રેશન કાયદા-1908 હેઠળ ફરિજીયાત રજીસ્ટ્રેશન કરવાપાત્ર બનાવલે છે.
આ પ્રમાણે ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958ની અનિસૂચિ-1ના આર્ટિકલ-20 મુજબ સુધારો કરી ક્લોઝ-20(બી) તારીખ 12-5-1982થી દાખલ કરવામાં આવેલ છે. જે મુજબ સોસાયટીના સભ્યોને થતી પ્રથમ ફાળવણી તેમજ ત્યારબાદ સભ્યો-સભ્યો વચ્ચેના વહેવારો સ્ટેમ્પ ડ્યૂટી ભરવા પાત્ર થયેલ. પરંતુ વર્ષ 2001 સુધી આવી પ્રથમ એલોટમેન્ટ પર કોઇ સોસાયટી અને બિલ્ડર્સને કાયદાની જાણ ન હોવાથી ભરપાઇ કરી નથી. ત્યાર બાદ તારીખ 1-9-2001થી ગુજરાત સરકાર દ્વારા કાયદો પસાર કરી આવી તબદિલી સ્ટેમ્પ અને નોંધણી પાત્ર કરી હતી. ત્યાર બાદ આશરે વીસ વર્ષના ગાળા બાદ સુપ્રિન્ટટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા તા. 13-7-2021ના રોજ પરિપત્ર જાહેર કરી 1982થી 2001ની વચ્ચે એલોટ થયેલી મિલકતોના પહેલા-બીજ-ત્રીજા કે તેથી વધુ તબદિલીઓ ઉપર ચાલીસ વર્ષ પહેલાના કાયદો પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી ભરવા આદેશ કરેલો છે.
વર્ષ 1982થી 2001 સુધી આવી પહેલા-બીજ-ત્રીજા કે તેથી વધુ તબદિલીઓના દસ્તાવેજો પર નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી કચેરી, સુપ્રિન્ટટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા દસ્તાવેજો મંજૂર કરેલા છે પરંતુ સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટ કરી નથી. તેથી એ સાબિત થાય છે કે, તેઓ વર્ષ 1982ના કાયદાકીય ફેરફારથી માહિતગાર ન હતા. તો પ્રજા કેવી રીતે થાય. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપેલ ચુકાદામાં પણ સરકાર છ વર્ષ પહેલાંની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલ કરી શકતી નથી. તેમ છતાં ભાજપ સરકાર દ્વારા પાછલી અસરથી કાયદો અમલી બનાવી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલ કરી છે. આમ લિમિટેશન એક્ટનું પણ ઉલ્લંઘન થાય છે. આ ઉપરાંત પડતા પર પાટું–સ્ટેમ્પ ડ્યૂટી ના અંધેર વહીવટના કારણે જુના એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડ્યુટી ઉપરાંત 10થી 25 ટકાનો દંડ વસૂલ કરાયેલ છે.
આ ઉપરાંત કેન્દ્રના એકાઉન્ટન્ટ જનરલે સ્ટેમ્પ ડ઼્યૂટી અને દંડ વસૂલવાનો આદેશ કર્યો નથી. અત્યાર સુધી સ્ટેમ્પ કચેરીએ રૂપિયા 3500 કરોડથી વધુ રકમ ગુજરાતની જનતા પાસેથી વસૂલી લીધી હોવાનું બિનસત્તાવરા સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. તેના ઉપરથી એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે, ગુજરાત સરકારના સુપ્રિન્ટટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા જૂના એલોટમેન્ટ લેટર ઉપર સ્ટેમ્પ ડ્યૂટી અને દંડ ગેરકાયદે વસૂલ કરી રહ્યા છે. રાજ્યના નાગરિકો પાસેથી સ્ટેમ્પ ડ્યુટીના નામે થઈ રહેલી કરોડો રૂપિયાની લૂંટમાંથી મુક્તિ મેળવવા માટે કોંગ્રેસ પક્ષ સરકાર બનતાની સાથે જ આ સ્ટેમ્પ ડ્યુટી-સ્ટેમ્પ ડ્યુટી દંડ વસુલવાનો અવિચારી નિર્ણય-પરિપત્રને તાત્કાલીક અસરથી રદ કરશે.