અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવિધ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોવિડ અસરગ્રસ્ત દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે. જ્યારે સિવિલમાંથી ડિસ્ચાર્જ થતાં દર્દીઓ સાથે વાતચીત કરીએ ત્યારે સમજાય કે તેમના મનમાં સિવિલના સ્ટાફ પ્રત્યે કેટલો આદર છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારના ચંપકભાઈ શાહને 31 માર્ચે, કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવતા મેડિસીટી (સિવિલ સંકુલ)માં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેઓ સ્વસ્થ છે. ચંપકભાઈને સિવિલ મેડીસીટીની કોરોના ડેઝિગ્નેટેડ કિડની હોસ્પિટલમાંથી રજા અપાઈ ત્યારે વાતચીતમાં તેમણે કહ્યું કે, અહીંનો સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ દર્દીઓની સેવા કરી રહ્યો છે, તેમને હું નમન કરું છું. અહીંનો સ્ટાફ આદરપાત્ર છે.
ચંપકભાઈ જેવો જ અભિપ્રાય રીટાબહેન ગજ્જરનો છે. બે અઠવાડીયા કરતાં વધુ સમય કિડની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રીટાબહેન કહે છે કે, પોતાના લોકો ના કરે એવી સેવા સિવિલ હોસ્પિટલના સ્ટાફે કરી છે. તેઓ ઉમેરે છે કે , જ્યારે અહીં દાખલ થયા ત્યારે જોખમ લાગતું હતું, પણ હવે હસતા ચહેરે ઘરે જઈએ છીએ.
અન્ય એક દર્દી મિનેષભાઈની સરકારી હોસ્પિટલ વિશેની માન્યતા ધરમૂળથી બદલાઈ ગઈ છે. તેઓ કહે છે કે મને એવું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલ જ સારી હોય પણ અહીં આવ્યા પછી મારી માન્યતા બદલાઈ ગઈ. અહીં સિવિલ હોસ્પિટલમાં મને A ગ્રેડની સુવિધા મળી. આવા તો અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરના ડોક્ટર અશ્વિનભાઈ એક અઠવાડીયાથી વધુ સમય સિવિલ હોસ્પિટલમાં દાખલ રહ્યા. જ્યારે તે ઈન્ટરવ્યૂ આપતા હતા ત્યારે ભાવુક થઈને રડી પડ્યા અને સિવિલના સ્ટાફનો હ્રદયપૂર્વક આભાર માન્યો. તેઓ કહે છે કે, અહીંનો સ્ટાફ ઉત્તમ છે.
અન્ય એક દર્દી હર્ષાબહેન સિવિલ હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા કહે છે કે, ડોક્ટર અને સેવકોએ મારી ઉત્તમ સારવાર-સેવા કરી અને ઈશ્વરના અસ્તિત્વનો અહેસાસ થયો. સિવિલના ડોક્ટર ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને તાલીમબદ્ધ છે અને ત્યાં સ્વચ્છતા અંગે ઘણી કાળજી લેવામાં આવતી હતી, તેમ અહીંથી સારવાર લઈ સંતોષ પામેલા હિયા ગાવડેએ જણાવ્યું હતું. આવા તો અનેક દર્દીઓ છે જેમને સિવિલમાં સારવાર લીધી અને તેમને તેનો સંતોષ છે. જેમ કે કાંતિલાલ સોલંકી, પ્રિયવંદા ચૌહાણ,પંકજ ગુર્જર, જસુમતીબહેન પટેલ વગેરે. યાદી ઘણી લંબાઈ શકે છે. પણ દર્દીઓનો એક જ સૂર હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલની સારવારથી અમને સંતોષ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર