Home /News /ahmedabad /

રાષ્ટ્રહિત, પ્રદેશહિત અને સમાજ હિતની ભાવના સાથે નવા અધ્યાયની શરૂઆત: હાર્દિક પટેલ

રાષ્ટ્રહિત, પ્રદેશહિત અને સમાજ હિતની ભાવના સાથે નવા અધ્યાયની શરૂઆત: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

Hardik Patel: બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલનું ટ્વીટ, "રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું."

    અમદાવાદ: કૉંગ્રેસના પૂર્વ યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) આજે બીજેપીમાં સામેલ થશે. હાર્દિક પટેલ ઉપરાંત કૉંગ્રેસના અન્ય એક નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ (Shweta Brahmbhatt) પણ બીજેપીમાં સામેલ થઈ શકે છે. ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C R Patil) બંને નેતાઓને કેસરિયો ખેસ પહેરાવી બીજેપીમાં આવકારશે. બીજેપીમાં સામેલ થયા પહેલા યુવા નેતા હાર્દિક પટેલ ટ્વિટ કરીને રાષ્ટ્રહિત, તેમજ સમાજહિતની ભાવના સાથે નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યાની વાત લખી છે.

    હાર્દિક પટેલનું ટ્વિટ:


    બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. જેમાં હાર્દિક પટેલે લખ્યું છે કે, "રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ."


    હાર્દિક પટેલનો રાજીનામા પત્ર


    હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું ધરતા પહેલા એક પત્ર લખ્યો હતો. જેમાં હાર્દિકે કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. હાર્દિકે પત્રમાં લખ્યું હતું કે...અનેક પ્રયાસો છતાં કૉંગ્રેસ પાર્ટી તરફથી દેશહિત તેમજ સમાજ હિતથી બિલકુલ વિપરિત કાર્ય કરવાને કારણે અમુક વાતો તમારા ધ્યાનમાં મૂકવી જરૂરી છે. છેલ્લા ત્રણ વર્ષથી મને માલુમ પડ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી ફક્ત વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશના લોકોને એક એવા વિકલ્પની જરૂર છે, જે તેમના ભવિષ્યનું વિચારે અને દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે. અયોધ્યામાં શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો હોય, GST લાગૂ કરવાનો નિર્ણય હોય, દેશ ખૂબ લાંબા સમયથી આ મુદ્દાઓનું સમાધાન ઇચ્છી રહ્યો હતો. કૉંગ્રેસ પાર્ટી આ વાતોમાં ફક્ત વિઘ્ન બનવાનું કામ કરતી રહી છે. ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ હોય, દરેક મુદ્દે કૉંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ ફક્ત કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું સીમિત રહ્યું છે. દેશના દરેક રાજ્યના લોકોએ કૉંગ્રેસને જાકારો આપ્યાનું કારણ એવું છે કે, કૉંગ્રેસ પાર્ટી અને તેનું નેતૃત્વ લોકો સમક્ષ પ્રાથમિક રોડમેપ પણ રજૂ કરી શકી નથી.

    આ પણ વાંચો: ગીરમાં મગફળીના દંતાર વહેતા થયા

    કૉંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનું કોઈ પણ મુદ્દા પ્રત્યે ગંભીર ન હોવું મોટો મુદ્દો રહ્યો છે. હું જ્યારે પણ કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને મળ્યો ત્યારે લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યા સાંભળવાને બદલે મોબાઇલ અને અન્ય વસ્તુઓ પર હતું. જ્યારે દેશ સંકટમાં હતો અથવા કૉંગ્રેસને નેતૃત્વની સૌથી વધારે જરૂરિયાત હતી ત્યારે અમારા નેતા વિદેશમાં હતા. શીર્ષ નેતૃત્વનું ગુજરાત પ્રત્યે એવું વલણ રહ્યું છે કે જાણે તેમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત હોય. આવા કેસમાં કૉંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાતના લોકો તેમને વિકલ્પ તરીકે જુએ?

    Hardik Patel performs pooja at home.
    હાર્દિક પટેલે પૂજા કરી


    દુઃખ થાય છે જ્યારે મારા જેવા નેતા દરરોજ પોતાના ગાડીમાં, પોતાના ખર્ચે 500-600 કિલોમીટરનો પ્રવાસ કરે છે, લોકની વચ્ચે જાય છે અને પછી જોઈએ છીએ કે ગુજરાતના મોટા નેતાઓ તો જનતાના મુદ્દાઓથી દૂર રહીને ફક્ત એ વાતનું ધ્યાન રાખે છે કે દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં. હું જ્યારે પણ યુવાઓ વચ્ચે ગયો ત્યારે લોકોએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું અપમાન કરે છે. પછી તે ઉદ્યોગ ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે પછી રાજનીતિ ક્ષેત્ર હોય. મને લાગે છે કે કૉંગ્રેસ પાર્ટીઓએ યુવાઓનો વિશ્વાસ તોડ્યો છે, આજ કારણ છે કે આજે કોઈ પણ યુવા નેતા કૉંગ્રેસ પાર્ટીમાં જોવા મળતો નથી.

    આ પણ વાંચો: ગુજરાતમાં વહેલા ચોમાસાની શક્યતા નહિવત

    મારે મોટા દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતના દરેક લોકો જાણે છે કે કૉંગ્રેસના મોટા નેતાઓએ કઈ રીતે જાણી જોઈને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા કર્યાં છે, તેના બદલામાં તેમણે આર્થિક ફાયદા ઉઠાવ્યા છે. રાજનીતિક વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ રીતે વેચાય જાય તે રાજ્યના લોકો માટે મોટો વિશ્વાસઘાત છે.

    રાજનીતિમાં સક્રિય તમામ લોકોનો ધર્મ હોય છે કે લોકો માટે કાર્ય કરતા રહે, પરંતુ દુર્ભાગ્યની વાત છે કે કૉંગ્રેસ પાર્ટીએ ગુજરાતના લોકો માટે કંઈ સારું નથી કરવું. આથી જ્યારે હું ગુજરાતમાં કંઈક કરવા માંગતો હતો ત્યારે પાર્ટીએ મારો તિરસ્કાર કર્યો. મેં વિચાર્યું ન હતું કે કૉંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા પ્રદેશ, અમારા સમાજ અને ખાસ કરીને યુવાઓ પ્રત્યે મનમાં આવો દ્વેશ રાખે છે.

    આજે હું મોટી હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના તમામ પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો કરશે. હું માનું છું કે આ પગલાં બાદ હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે સાચા અર્થમાં સકારાત્મક રીતે કાર્ય કરી શકીશ. જનતા તરફથી મળેલા પ્રેમનું ઋણ ચૂકવવાનો હંમેશા પ્રયાસ કરતો રહીશ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CR Patil, Hardik Patel Patidar, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર