Home /News /ahmedabad /ગુજરાત સરકાર સામે PAAS આક્રામક- 'પહેલા લડ્યા અને જીત્યા હવે શહીદોના પરિવાર માટે ફરી લડીશું અને જીતીશું'
ગુજરાત સરકાર સામે PAAS આક્રામક- 'પહેલા લડ્યા અને જીત્યા હવે શહીદોના પરિવાર માટે ફરી લડીશું અને જીતીશું'
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી.
Patidar Anamat Andolan Samiti News: પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા અલ્પેશ કથીરિયાએ આ મામલે પ્રેસ નોટ રિલીઝ કરી જણાવ્યું છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર યુવાનો વિરૂદ્ધના કેસો પાછા ખેંચવા અને શહીદ પરિવારોને નોકરી આપવામાં આવે
પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) ફરી આક્રમક રીતે લડવાના મૂડમાં આવી ગઈ છે. સમિતી દ્વારા તેમના પડતર પ્રશ્નોની માંગને લઈ સરકારને અનેક વખત રજૂઆત કરવા છતા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા સમિતીના સભ્યો હવે ફરી સરકાર સામે બાયો ચઢાવશે. પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા આજે બપોરે 3 કલાકે સરખેજ હાઈવે પર બ્લ્યુ બગુન પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું છે.
તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલન સમયે રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં કેટલાક પાટીદાર યુવાનો શહિદ થયા હતા. અને કેટલાક યુવાનો પર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પાસ સમિતીની મુખ્ય બે માંગ છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા યુવાનોના પરિવારને સરકાર નોકરી આપે અને જે યુવાનો વિરુદ્ધ પોલીસ કેસ થયા છે તમામ પાછા ખેંચવામાં આવે. તમને એ પણ જણાવી દઈએ કે, આંદોલન સમયે 140 પાટીદારો પર કેસ નોંધાયા છે.
પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા અલ્પેશ કથીરિયાએ આ મામલે પ્રેસ નોટ રિલીઝ કરી છે.
પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા અલ્પેશ કથીરિયાએ આ મામલે પ્રેસ નોટ રિલીઝ કરી જણાવ્યું છે કે , ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રાજ્યના ગરીબ પરિવારોને અનામતનો લાભ અપાવ્યો પરંતુ આજે પણ પાટીદાર સમાજના ઘણા યુવાનો ખોટા કેસોમાં હેરાન પરેશાન થાય છે. કેસો પાછા ખેંચવા અને શહીદ પરિવારોને નોકરી મુદ્દે ત્રણ વર્ષથી સરકાર સામે માંગ ચાલી આવે છે અનેક સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા રજૂઆતો થઈ પણ માત્ર સરકાર પક્ષે આશ્વાસન જ મળી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ત્યારે ફરીથી પાટીદાર સમાજની માતૃ સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામના આગેવાનો દ્વારા નવા સીએમ ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે અને તેમણે ત્રણ મહિનાનું ફરીથી આશ્વાસન આપવા માં આવ્યું હતું પરંતુ ત્રણ મહિનાનો સમય વિત્યા છતાં હજુ સુધી આ દિશામાં કોઈ જ નક્કર કામગીરી થઈ નથી. જેથી પાટીદાર આંદોલનકારી અને હિતેચ્છુ મિત્રો સાથે આગામી સમયમાં કઈ દિશામાં આગળ વધવું તેને લઈ આગામી સમયમાં નવી રણનીતિ તૈયાર કરવા એક સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાટીદાર સમાજની આ માંગ સાથે જોડાયેલ તમામ રાજકીય અને સામાજિક વિચારધારા ધરાવતા આંદોલનકારી હિતેચ્છુ મિત્રોને આ સંવાદમાં હાજર રહેવા પણ હાકલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં પાટીદાર નેતાઓ અને સીએમ ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં મુખ્યમંત્રી દ્વારા કેસ પાછા ખેંચવા જેવી માંગો પર આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે ત્રણ મહિના બાદ પણ માંગ પુરી ન થતા પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા સૌરાષ્ટ્રમાં કેટલાક પ્રવાસો કરવામાં આવી રહ્યા છે, હવે અમદાવાદમાં આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, તે જોતા આવનાર 2022ની ચૂંટણી પહેલા ફરી પાછું પાટીદાર આંદોલન ધમધમતું બને તો નવાઈ નહીં.