અમદાવાદ: પતિ પત્ની ઔર વોનો (Pati patni aur woh) કિસ્સો શહેર પોલીસ (Ahmedabad police) ના ચોપડે નોંધાયો છે. એક મહિલા (married woman) નોકરી કરે છે અને તેનો પતિ દારૂ પી તેને ત્રાસ આપી માર મારતો હતો. પતિના ફોનમાં એક સ્ત્રી સાથે વાત કરતો હોવાનું જણાતા મહિલાએ રેખા કોણ છે તેવું પૂછતાં પતિએ માર મારી તને રાખવી નથી કહીને તું મરી જા અથવા હું મરી જવું તેવી ધમકી આપી હતી. મહિલાને મનમાં લાગી આવતા તેણે કીડા મારવાની દવા પી લેતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના અમરાઈ વાડીમાં રહેતી 39 વર્ષીય મહિલા એક કારખાનામાં નોકરી કરે છે. વર્ષ 2003માં આ મહિલાના લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન મહિલાને સંતાનમાં બે બાળકો છે. જ્યારે એનો પતિ ફોટોગ્રાફર તરીકે નોકરી કરે છે. છેલ્લા ત્રણેક વર્ષથી મહિલાનો પતિ દારૂ પી બબાલ કરી મહિલાને માર મારે છે અને ઘરખર્ચ માટે પૈસા પણ આપતો નહોતો. બેએક દિવસ પહેલા મહિલાએ તેના પતિના ફોનમાં રેખા નામની કોઈ યુવતી સાથે વાત કરી હોવાનું જણાયું હતું. જેથી આ બાબતે તેણે તેના પતિ ને વાત કરી આ મહિલા કોણ છે શું વાત કરો છો તેવું પૂછતાં તેનો પતિ આવેશમાં આવી ગયો હતો.
પતિએ આ મહિલાને તું મને ગમતી નથી છૂટાછેડા આપી દે કહીને માર મારી તું મરી જા નહિ તો હું મરી જઈશ કહીને ત્રાસ આપ્યો હતો. મહિલાને આ વાત મનમાં લાગી આવતા તેણે કીડા મારવાની દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ મામલે હવે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે મહિલાની તેના પતિ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પતિ પત્ની ઔર વોના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા ત્યારે વધુ એક એવો કિસ્સો સામે આવતા પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.