અમદાવાદ : અંધશ્રદ્ધામાં (Superstition)માનનાર લોકો ક્યારે શું પગલું ભરી લેતા હોય છે તે નક્કી નથી હોતું અને બાદ માં જિંદગીભર પસ્તાવાનો વખત આવતો હોય છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હોવા છતાં કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે. આવો જ એક કિસ્સો શહેરના નારણપુરા (Naranpura)વિસ્તારમાં જોવા મળ્યો છે. જેમાં પરિણીતાએ (Parineeta)તેના સાસુ-સસરા પર આક્ષેપ કર્યા છે કે અમાસ અને પુનમની રાતે તે મારી ઉપર તાંત્રિક વિધિ કરે છે. ચાર મહિનાથી પિયરમાં રહેલી પરિણીતાને પતિ સહિત સાસરીપક્ષના લોકો લેવા માટે નહી આવતા અંતે તેને નારણપુરા પોલીસ સ્ટેશનમાં (Naranpura Police Station)ફરિયાદ કરી છે. પોલીસ ફરિયાદમાં તેને આક્ષેપ કર્યા છે કે લંડનમાં (London)પરિણીતાને મંદિરના રૂમમાં બેસાડી રાખીને ધર્મના નામે માનસિક રીતે હેરાન કરતા હતા.
નારણપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. વર્ષ 2007માં લગ્ન બાદ વર્ષ 2008માં પરીણિતા તેના પતિ તેમજ તેના સાસુ, સસરા અને નણંદ લંડન રહેવા માટે જતા રહ્યા હતા. જ્યા તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. લંડન ગયા બાદ તે પેઇન્ટીંગ ક્લાસિસ ચલાવતી હતી. જેમા દર મહિને તે ત્રણ હજાર પાઉન્ડ કમાતી હતી. કમાયેલા તમામ રૂપિયા તેના બેંક એકાઉન્ટમાં જમા કરતી હતી. જે એકાઉન્ટ તેના સસરા સંભાળતા હતા.
પરીણિતાના સાસરિયાવાળા ધર્મના નામે તેને ટીવી જોવા દેતા નહી અને તેને મંદિરના રુમમાં બેસાડી રાખતા હતા. ધર્મના નામે માનસિક ટોર્ચર કરતા હતા. આ સિવાય તેને બહાર ફરવા પણ લઇ જતા નહી અને પિયરમાં પણ વાતચીત કરવા દેતા નથી. માતા પિતા સાથે વાત કરવી હોય તો સાસરી પક્ષના સામે જ કરતી હતી.
વર્ષ 2018માં આખો પરિવાર અમદાવાદ પરત આવી ગયો હતો અને ભાડજ ખાતેના મકાનમાં ભાડે રહેતા હતા. અમદાવાદ આવી ગયા બાદ તારુ મગજ કામ કરતુ નથી તેમ કહીને પુનમ અને અમાસની રાતે તેના સાસુ સસરા તાંત્રિક વિધિ કરતા હતા. આ સિવાય તેનો પતિ તેને અને તેના પુત્રને મારતો હતો અને પુત્ર ને બાથરુમમાં પુરી દેતો હતો.
એપ્રિલ મહિનામાં પરિણીતાનો પતિ તેને અને તેના પુત્રને તેના પિયરમાં મુકીને જતો રહ્યો હતો. જે આજ દીન સુધી લેવા ન આવતા અંતે નારણપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે અરજીના આધારે તપાસ કરતા અંતે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.