Home /News /ahmedabad /ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળમાં પેપર કૌભાંડ? બુક સેલર્સ એસોસિએશનએ લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળમાં પેપર કૌભાંડ? બુક સેલર્સ એસોસિએશનએ લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળમાં પેપર કૌભાંડ?

ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશન (Gujarat Book Sellers and Stationery Association) ના પ્રમુખ નરેશ શાહનું કહેવું છે કે, પાઠ્યપુસ્તક મંડળ (pathya pustak mandal Director)ના નિયામક જુલાઈ મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે એ પહેલાં જ 260 કરોડ રૂપિયાના કાગળની ખરીદી કરીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદ : રાજ્યમાં પુસ્તકોને લઈને સતત વિવાદમાં રહેતું પાઠ્યપુસ્તક મંડળ (pathya pustak mandal) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ વખતે વિવાદ થયો છે પેપરની ખરીદીને લઈને. ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશન (Gujarat Book Sellers and Stationery Association) ના પ્રમુખએ પાઠ્યપુસ્તક મંડળના નિયામક (Director of Textbook Board) સામે ગંભીર આરોપ લગાવ્યા છે. પેપર ખરીદીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પાઠ્યપુસ્તક મંડળ સામે થયો છે જોકે આ મામલે તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.

ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ 260 કરોડના ખર્ચે પાઠ્યપુસ્તક માટે પેપરની ખરીદીને લઈ વિવાદમાં સપડાયું છે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા એક સામટી 30,000 ટન પેપરની ખરીદી કરાતા કરોડોના કૌભાંડનો આક્ષેપ થયો છે. આ આક્ષેપ ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ નરેશ શાહે લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, 1 કિલો પેપરની ખરીદી ટેન્ડરના માધ્યમથી 88 રૂપિયે કરાતા કંઈક ખોટું થયાનું જણાઈ રહ્યું છે. ગત વર્ષે 58 રૂપિયામાં ખરીદાયેલા કાગળ આ વર્ષે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 88 રૂપિયામાં ખરીદી કરાઇ છે. ગત વર્ષ કરતા પેપર ખરીદીમાં આ વર્ષે 52% ભાવ વધારા સાથે ખરીદી કરાતા કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે.

નરેશ શાહનું કહેવું છે કે, પાઠ્યપુસ્તક મંડળના નિયામક જુલાઈ મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે એ પહેલાં જ 260 કરોડ રૂપિયાના કાગળની ખરીદી કરીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સી ગ્રેડ પેપર મિલ 68 રૂપિયાના ભાવે ખરીદ્યો છે, જ્યારે બે મહિના બાદ 20 રૂપિયા વધુ એટલે કે 88 રૂપિયાના ભાવે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પેપરની ખરીદી કરાઈ છે.

આ પણ વાંચોઅમદાવાદ : થલતેજ-હેબતપુર રોડ પર નાસ્તો કરવા ઉભુ રહેવું 20 લાખમાં પડ્યું, ચેતવણીરૂપ કિસ્સો

નિયમ મુજબ 75 દિવસમાં 12 હજાર ટન કાગળની ખરીદી કરવાનો નિયમ છે જેને નેવે મૂકીને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એક સાથે જ 30,000 ટન પેપરની ખરીદી કરાઈ છે. નીચી ગુણવત્તાના કાગળનો ભાવ ઊંચો આપી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે આ મામલે પાઠ્યપુસ્તક મંડળના નિયામક એચ એન ચાવડાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ થયો હતો પણ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. મહત્વનુ છે કે આ અંગે જો યોગ્ય તપાસ થાય તો આ અંગે વધુ તથ્યો સામે આવી શકે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad Big Scam, Ahmedabad news, Ahmedabd Scam, Education News, Education News in Gujarati, Gujarat latest news

विज्ञापन