ન્યૂઝ18 ગુજરાતીઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના બેનર હેઠળ હાર્દિક પટેલ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાટીદારોને અનામત મળે તે માટે આંદોલન કરી રહ્યો છે. આ દરમિયાન હાર્દિક પટેલ જીએમડીસી ખાતે 25 લાખ જેટલા પાટીદારોને સંબોધન કરી ચુક્યો છે, તો 19 દિવસ સુધીના ઉપવાસ પણ કરી ચુક્યો છે. અવાર નવાર તે સરકાર સામે ચૂંટણી પ્રચાર કરવાની કે પછી ચૂંટણીમાં બીજેપી સાથે હિસાબ પૂરો કરવાનો ચીમકી પણ આપી ચુક્યો છે. હવે સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે 2019ની ચૂંટણીમાં હાર્દિક પટેલ પડદા પાછળ રહીને બીજેપી સરકારને ચૂંટણી જીતાડવા માટે મદદ કરશે! આ માટે હાર્દિક પટેલ શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાશે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
બાપુ સાથે હાથ મિલાવશે હાર્દિક?
વહેતા થયેલા અહેવાલો પ્રમાણે શંકરસિંહની સાથે સાથે હાર્દિક પટેલ પણ શરદ પવારની રાજકીય પાર્ટી એનસીપી સાથે જોડાશે. આ અંગે ટૂંક સમયમાં કોઈ જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસમાંથી અલગ થયા બાદ વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહે 'જન વિકલ્પ' પાર્ટી શરૂ કરી હતી અને પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, ગુજરાતના રાજકીય ઇતિહાસમાં જ્યારે જ્યારે પણ ત્રીજો મોરચો બન્યો છે ત્યારે ભાજપને જ ફાયદો થયો છે તે વાત સાચી ઠરી છે. હવે હાર્દિક જો એનસીપીમાં જોડાશે તો સરવાળે ફાયદો ભાજપને જ થશે. એટલે કે હાર્દિક સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ મદદ કરશે!
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શંકરસિંહ વાઘેલાએ એનસીપી પાસેથી છ બેઠકની માંગણી કરી છે. આથી જો હવે કોંગ્રેસ તેમને છ બેઠક આપે તો સ્વાભાવિક રીતે જ આટલી બેઠકો ઓછી થાય. કારણ કે હવે બાપુનો પહેલા જેટલો ચાર્મ રહ્યો નથી. એટલે કે તે પોતાના જોરે આટલી બેઠક જીતી શકે નથી અથવા ભાજપને થતું નુકસાન અટકાવી શકે નહીં. આ માટે ભાજપે દાવ અજમાવીને હાર્દિકને એનસીપીમાં પ્રવેશ કરાવીને કોંગ્રેસના મતોનું વિભાજન કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હાર્દિકે કોંગ્રેસ સાથે કરી હતી સોદાબાજી
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટી પર દબાણ કરીને તેના અમુક સમર્થકોને ટિકિટ અપાવવામાં સફળ રહ્યો હતો. કોંગ્રેસ સાથેની સોદાબાજીને કારણે તેના અમુક સાથીઓએ તેનો સાથ છોડી દીધો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હાર્દિકની માંગણી સતત વધતી ગઈ હતી. આથી કોંગ્રેસ પાર્ટીએ પણ હવે હાર્દિકને વધારે મહત્વ આપવાનું ઓછું કરી નાખ્યું છે. આ વાતનો બદલો લેવા માટે હવે હાર્દિક પટેલ કોંગ્રેસને બતાવી દેવાના મૂડમાં છે.
હાર્દિક ગ્રીનવૂડ બંગલો છોડશે
એવી પણ માહિતી મળી છે કે હાર્દિક પટેલ બહુ નજીકના ભવિષ્યમાં ગ્રીનવૂડ બંગલો છોડીને ગાંધીનગર ખાતે રહેવા માટે જશે. હાર્દિક શંકરસિંહના પુત્રના નામે સેક્ટર 19માં આવેલા બંગલામાં રહેવા જશે તેવી માહિતી મળી છે.