વિરમગામ: ગુજરાતનાં રાજકારણમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના (PAAS) નિવેદને ગરમાવો ઉમેર્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, અમારી માંગ પુરી નહીં થાય ત્યાં સુધી આ સમિતિ બંધ નહીં થાય. પાસની માંગો છે કે, શહીદ યુવાનોને ન્યાય મળે, પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળે, ખોટા કેસો કરાયા છે તે તાત્કાલિક દૂર કરવામાં આવે. આ ઉપરાંત તેમણે હાર્દિક પટેલ પર પણ અનેક પ્રહાર કર્યા છે.
પાસે હાર્દિક પટેલ પર પ્રહાર કરતા જણાવ્યુ છે કે, ભાજપ સામે જે નામીઅનામી આંદોલનકારીઓ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે તેને સમર્થન કરીએ છીએ. હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કર્યા છે. હાર્દિક લાલચ અને પદ માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે. એટલે આખો પાટીદાર સમાજ તેનાથી નારાજ છે. અમે પાટીદાર સમાજ અને પાસ વિરમગામમાં હાર્દિક પટેલનો સખતપણે વિરોધ કરીશું.
આ ઉપરાંતમાં તેમણે અન્ય જાહેરાત કરતા જણાવ્યુ છે કે, પાસનો કોઈ ચહેરો નહિ હોય હવે પાસનું સંગઠન બનશે. ટૂંક સમયમાં નવી પાસની નવી સમિતિ બનાવીશું. જે પણ નવી સરકાર બનશે તેમને માંગોની રજૂઆત કરીશું.
પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ પર પ્રહાર
વિરમગામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર સામે સામે લડી રહ્યા છે. જે બન્ને ઉમેદવાર સરખેસરખા બળિયા પુરવાર થઇ રહ્યા છે. પરંતુ આપ અને અન્ય અપક્ષ ઉમેદવાર કોણે ખેલ બગાડે છે તો જોવાનું રહે છે. ભાજપે પાટીદાર આંદોલન ચહેરો અને પૂર્વ કોંગ્રેસ કાર્યાકરી પ્રમુખ રહી ચુકેલા તેમજ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર હાર્દિક પટેલ ટિકિટ આપી પાટિદાર સમાજને મેસેજ આપ્યો છે. તો વળી કોંગ્રેસ પક્ષ વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને રિપિટ કરી ઓબીસી કાર્ડ રમ્યું છે. વિરમગામ વિધાનસભા બેઠકમાં વિરમગામ, માંડલ અને રામપુરા-દેત્રોજ તાલુકાનો સમાવેશ થયા છે. અહીં ઠાકોર વોટ બેંક મોટી સંખ્યામાં છે. જ્યારે વિરમગામ મુસ્લિમ મતોની પણ ટકાવારી વધુ છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પાટિદાર વોટ બેંક વધુ છે. આ બેઠકનો ઇતિહાસ રહ્યો છે. જે પણ ઉમેદવાર જીત્યો છે તે માત્ર પાંચથી 10 હજારના મતનું માર્જીન રહે છે. હાલ બન્ને ઉમેદવાર સામે સીધી ટક્કર છે .