અમદાવાદ: થોડા સમય પહેલા મોરબીમાં ઝુલતો પુલ તુટી જવાની ઘટના આજે પણ લોકોના દિલો દિમાગમાંથી નીકળી નથી. આ દુર્ઘટનામાં અંદાજે 135 લોકો મોત નિપજ્યા હતા. જેમાં પરિવારના માતા-પિતા મરી જતા બચી ગયેલા અનાથ બાળકોને મદદરુપ થવા હવે શિક્ષણ વિભાગ આગળ આવ્યું છે. શિક્ષણતંત્રએ આ ઘટનામાં અનાથ થયેલા સંતાનોને વિવિધ સ્વરુપે મદદ કરવા સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને પત્ર લખી મદદની ગુહાર લગાવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અમદાવાદની અનાથ બાળકી માટે મદદ કરવા અપીલ કરી છે.
આ ઘટનામાં અંદાજે 134 લોકોના મોત થયા હતા
મોરબીમાં મચ્છુ નદી પર વર્ષો જૂનો પુલ થોડા સમય પહેલા તુટવાની ઘટના બની હતી. સાંજના સમયે ધડાકાભેર તુટી પટેલા પુલના કારણે પુલ પર રહેલા લોકો નદીના પાણીમાં ખાબક્યા હતા. આ ઘટના બાદ તંત્ર દોડતુ થયું હતું અને લોકોનો બચાવવા કામે લાગ્યું હતું. તેમ છતાં આ ઘટનામાં અંદાજે 134 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું. આ ઘટના સમયે સર્જાયેલા દ્રશ્યો હજુ પણ નજરે જોનારા લોકોના દિમાગમાંથી નીકળતા નથી. દિવાળીના તહેવાર બાદ બનેલી આ કુરણ ઘટનાએ ખૂબ ચર્ચા જગાવી હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સંતાનો માટે શિક્ષણ તંત્ર પણ વ્હારે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની સરકારી, ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મોરબી મચ્છુ નદી પર બનેલી પુલ તુટવાની ઘટનામાં અમદાવાદના બે વ્યક્તિઓના મોત થયા હતા. 38 વર્ષીય અશોકભાઈ ચાવડા અને તેમના પત્ની 34 વર્ષીય ભાવનાબેન ચાવડાનુ અવસાન થયુ હતુ. માતા-પિતાનું અવસાન થતાં અનાથ બનેલી તેમની એક માત્ર દિકરી હર્ષી ચાવડાને અનાથ બાળકોને મળતી શાળા ફી, ટ્યુશન ફી જેવી શૈક્ષણિક સહાય કરવાની થાય છે. જે અંતર્ગત એસવીએસ કન્વીનર કક્ષાએથી સ્વૈચ્છિક ધોરણે હર્ષીને મદદ કરવા પત્રમાં આપેલી બેંક ડીટેઈલ પ્રમાણે એસવીએસ વાઈઝ ફાળો એકત્રિત કરી એક ચેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જમા કરાવવા સુચના આપી છે.